ધંધૂકા : અમદાવાદ જિલ્લાના દસ તાલુકાઓ પૈકી સૌથી મોટો તાલુકો અને તાલુકાનું મુખ્ય મથક. આ તાલુકો આશરે 23° ઉ. અ. અને 73° પૂ. રે. પર આવેલો છે. આ તાલુકો અમદાવાદ જિલ્લાની છેક દક્ષિણે આવેલો છે. તેની પૂર્વ તરફ ખંભાતનો અખાત, પશ્ચિમ તરફ સુરેન્દ્રનગર જિલ્લાનો લીંબડી તાલુકો, દક્ષિણ તરફ ભાવનગર જિલ્લાનો બોટાદ તાલુકો અને ઉત્તર તરફ અમદાવાદ જિલ્લાનો ધોળકા તાલુકો આવેલા છે. આ તાલુકામાં તાલુકામથક ધંધૂકા ઉપરાંત બરવાળા અને રાણપુર મુખ્ય નગરો છે, બાકીનાં નાનાંમોટાં 128 ગામડાંઓ આવેલાં છે.

ભૂપૃષ્ઠ અને જળપરિવાહ : આ તાલુકામાં રાણપુર આજુબાજુના ભાગને બાદ કરતાં બાકીનો પ્રદેશ સમતળ ભૂમિવાળો છે. ચોટીલા તરફી રાણપુરનો ભાગ નીચી ટેકરીઓવાળો છે. આ પૈકીની વધુમાં વધુ ઊંચી ટેકરી 182.88 મી.ની ઊંચાઈ ધરાવે છે. પશ્ચિમ તરફની ટેકરીઓવાળા ભાગમાં ભૂમિસપાટી પર ચૂનાખડકોના અને ક્વાર્ટ્ઝના ટુકડાઓ વેરવિખેર પથરાયેલા જોવા મળે છે. ભાલની જમીનો કાળી છે અને ભૂગર્ભજળ ખારાશવાળું છે. પૂર્વ તરફ દરિયાકાંઠા નજીકનો મેદાની ભાગ દરિયાના પુરાણથી બન્યો છે.

ધંધૂકાનું ભૌગોલિક સ્થાન

આ તાલુકાની સૌથી મોટી નદી સુકભાદર છે, તે રાણપુર અને ધંધૂકા નજીકથી પસાર થાય છે અને આ તાલુકામાં 93 કિમી.ની લંબાઈમાં વહે છે. તે સાબરમતીના મુખ નજીક ખંભાતના અખાતને મળે છે. આ તાલુકાના થોડા જ ભાગમાં થઈને વહેતી બીજી નદી ભોગાવો છે. આ સિવાય ગોમા, નીલકા વગેરે જેવી દસેક નાની નદીઓ પણ છે. પરંતુ તે નદીઓમાં ચોમાસાની મોસમ સિવાય જળપ્રવાહ જોવા મળતો નથી.

આબોહવા : અહીં માર્ચથી મે દરમિયાન ઉનાળાનું સરેરાશ તાપમાન 38° થી 41° સે. વચ્ચેનું રહે છે, વધુમાં વધુ તાપમાન 43° થી 45° સે. પણ થઈ જાય છે. શિયાળામાં સરેરાશ દૈનિક તાપમાન 26.9° સે. જેટલું છે, જ્યારે રાત્રિનું તાપમાન 10° થી 15° સે. વચ્ચેનું રહે છે. અહીં ચોમાસામાં 15મી જૂનથી 15મી સપ્ટેમ્બર દરમિયાન સરેરાશ વરસાદ 606 મિમી. જેટલો પડે છે. સૌથી ઓછો વરસાદ રાણપુર વિભાગમાં પડે છે.

વનસ્પતિપ્રાણીજીવન : આ તાલુકામાં, ખાસ કરીને ભાલપ્રદેશમાં, પીલુડી અને વરખડો જેવાં છૂટાંછવાયાં વૃક્ષો જોવા મળે છે. અન્યત્ર બાવળ, ખીજડો, આંબલી, ગોરસ આંબલી, ગૂંદી જેવાં વૃક્ષો થાય છે. અગાઉ અહીં વન કહી શકાય એવો એકજથ્થે આવેલો વિસ્તાર ન હતો; પરંતુ નહેર, ગ્રામ વનયોજના તથા રસ્તા પર વૃક્ષવાવેતરની યોજના હેઠળ વનવિસ્તાર વધ્યો છે. અહીં જંગલી બિલાડી, શિયાળ જેવાં પ્રાણીઓ તથા ધામણ, આંધળી ચાકણ, નાગ જેવા સર્પોની જાત જોવા મળે છે. ગામોના લોકો જિંગા, બુમલા, મગરા અને બોઈ જેવી માછલીઓ પકડે છે.

ખેતીની પેદાશો : કપાસ, ઘઉં, બાજરી અને જુવાર અહીંના મુખ્ય પાક છે. વરસાદથી તૈયાર થતા, ભાલપ્રદેશની મુખ્ય પેદાશ ઘઉં છાશિયા દાઉદખાની ઘઉં તરીકે ઓળખાય છે, જોકે તેનો ઉતાર પિયત ઘઉં કરતાં પ્રમાણમાં ઓછો આવે છે. પથ્થર,  ચૂનાના કંકર, રેતી અને  કપચી ગૌણ ખનિજો છે.

આર્થિક પ્રવૃત્તિ : લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી તથા પશુપાલન છે. અહીં કપાસ લોઢવાનાં જિન, રૂની ગાંસડી બાંધવાનાં પ્રેસ, પરચૂરણ ઇજનેરી કામના એકમો, તેલમિલો વગેરે ધંધૂકા, રાણપુર અને બરવાળામાં આવેલાં છે. દરિયાકાંઠે મત્સ્ય-ઉદ્યોગ ચાલે છે. આ ઉપરાંત અહીં રંગાટીકામ, લુહારીકામ, ખાદીકામ જેવા ગૃહ-ઉદ્યોગ પણ વિકસ્યા છે.

પરિવહન : આ તાલુકામાંથી ભાવનગર–અમદાવાદને જોડતો રેલમાર્ગ તથા રાજ્ય-ધોરીમાર્ગ પસાર થાય છે. અન્ય એક માર્ગ લીંબડી થઈને રાજકોટ જાય છે.

લોકો : મુખ્ય વસ્તી મોઢ વણિકો, વાલમ બ્રાહ્મણો, વોરાઓ તથા ગરાસિયાઓની છે.

ભાવનગર–અમદાવાદ મીટરગેજ રેલવેનું તે મુખ્ય મથક છે. અહીં 6 જિન અને 2 તેલમિલો છે. તાલુકામથક હોઈને તે વેપારીકેન્દ્ર બની રહ્યું છે. આ કારણે અહીં વિવિધ બૅન્કોની શાખાઓ છે. બાલમંદિર, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળા, આર્ટ્સ અને કૉમર્સ કૉલેજ જેવી શૈક્ષણિક સંસ્થાઓ આ નગરમાં આવેલી છે. આઝાદીની લડત દરમિયાન 1930–31માં સત્યાગ્રહ છાવણી ધંધૂકા ખાતે હતી અને ધોલેરા તથા અન્યત્ર મીઠાના સત્યાગ્રહનું સંચાલન અહીંથી થતું હતું.

ઇતિહાસ : ગુજરાતના અભિલેખોમાં ધંધૂકાનો ઉલ્લેખ મળતો નથી; પરંતુ પ્રભાવકચરિત, પુરાતન પ્રબંધસંગ્રહ, પ્રબંધકોશ વગેરેમાં ધંધૂકાનો ધંધૂક, ધંધુક્ક અને ધંધુક્કપુરુ તરીકે ઉલ્લેખ મળે છે. ઈ. સ. 914ના દાનશાસનમાં ધંધેશ્વર મહાદેવનો ઉલ્લેખ છે, તેથી ‘ધંધૂકા’ નામ તે પૂર્વેથી પ્રચલિત હશે. બારમી સદીમાં હેમચંદ્રાચાર્યના જન્મસ્થળ તરીકે તે પ્રખ્યાત થયું હતું. કુમારપાળે (1143–1174) અહીં જૈન મંદિર બંધાવ્યું હતું. આમ સોલંકીકાળ દરમિયાન (942–1304) તે પ્રસિદ્ધિમાં આવ્યું હોવાનું જણાય છે.

શિવપ્રસાદ રાજગોર