ધંધાકીય મૂલ્યાંકન : વ્યાપારી સંસ્થા કે પેઢીની અસ્કામતો અને જવાબદારીઓનું સાફી મૂલ્યાંકન. વર્ષાન્તે ધંધામાં થયેલા નફા કે નુકસાનની ગણતરી કરવી હોય, ધંધાનું વેચાણ કરવાનું હોય, વ્યક્તિગત માલિકીના કે પેઢીના ધંધાનું લિમિટેડ કંપનીમાં રૂપાંતર કરવાનું હોય, એક કંપનીનું બીજી કંપનીમાં વિલીનીકરણ (merger) કરવાનું હોય અથવા બે કંપનીઓનું એકબીજી સાથે જોડાણ કે એકીકરણ (amalgamation) કરવાનું હોય ત્યારે, તેમજ સંપત્તિવેરા, વારસાવેરા કે મૃત્યુવેરાના હેતુ માટે ધંધાકીય મૂલ્યાંકન કરવામાં આવે છે. ઐતિહાસિક નામાપદ્ધતિથી તૈયાર કરવામાં આવતા સરવૈયાનો હેતુ વર્ષાન્તે ધંધામાં થયેલા નફા કે નુકસાનની ગણતરી કરવાનો હોય છે, તેથી આ પ્રકારના સરવૈયામાં ધંધાની અસ્કામતોનું મૂલ્યાંકન કરતી વખતે સ્થિર (fixed) અસ્કામતોનું મૂલ્ય તેમના વપરાશના આધારે તથા વર્ષો અગાઉ ચૂકવેલી ખરીદકિંમતમાંથી ઘસારો બાદ કરીને બાકી રહેતી રકમના ધોરણે કરવામાં આવે છે, જ્યારે ચાલુ અસ્કામતોનું મૂલ્ય ખરીદકિંમત અથવા બજારકિંમત એ બેમાંથી જે ઓછી હોય તે રકમના ધોરણે કરવામાં આવે છે. મૂલ્ય જે તે દેશના ચલણમાં આંકવામાં આવે છે (રૂપિયો, પાઉન્ડ કે ડૉલર). આ ચલણોના પોતાના મૂલ્યમાં વર્ષોવર્ષ વધઘટ થતી રહે છે. તેથી ઐતિહાસિક નામાપદ્ધતિથી તૈયાર કરવામાં આવેલા સરવૈયા મુજબનું મૂલ્યાંકન તર્કસંગત નથી, છતાં હજુ સુધી વ્યવહારમાં તેનું ચલણ ચાલુ રહ્યું છે.

ધંધાના વેચાણ, રૂપાંતરણ કે વિલીનીકરણના પ્રસંગે તથા કરવેરાના હેતુ માટે અસ્કામતોનું મૂલ્ય હિસાબી ચોપડા મુજબની પડતર કિંમતે નહિ પણ બજારકિંમત, વિનિમયકિંમત કે પુન:સ્થાપન-(replacement)-કિંમત અનુસાર ગણવામાં આવે છે.

સ્થિર અસ્કામતોનું મૂલ્યાંકન : યંત્રો, ઉપકરણો વગેરે સ્થિર અસ્કામતોનું મૂલ્ય તેમની પડતર કિંમતમાંથી ઘસારો બાદ કરીને ગણવામાં આવે છે. ઘસારો ગણવા માટે સીધી રેખાપદ્ધતિ, એટલે કે દર વર્ષે ઘસારાની એકસરખી રકમ ગણવાની, હ્રાસિત મૂલ્યપદ્ધતિ એટલે કે અસ્કામતની પડતર કિંમતમાંથી અગાઉનાં વર્ષોમાં ગણેલા ઘસારાની રકમ બાદ કરીને બાકી રહેતી કિંમત ઉપર ચાલુ વર્ષના ઘસારાની રકમ ગણવાની વગેરે પદ્ધતિઓ છે. અર્વાચીન નામાપદ્ધતિના હિમાયતીઓ  પુન:સ્થાપન કિંમતપદ્ધતિનો આગ્રહ રાખે છે. આ પદ્ધતિમાં હયાત અસ્કામતની જગાએ તે જ પ્રકારની નવી અસ્કામત ચાલુ વર્ષમાં ખરીદવી હોય તો આપવી પડે તે કિંમત ઉપર ઘસારાની રકમ ગણવામાં આવે છે. ધંધાનું હસ્તાંતરણ, રૂપાંતર, વિલીનીકરણ કે જોડાણ કરવાનું હોય ત્યારે તથા સંપત્તિવેરા, વારસાવેરા કે મૃત્યુવેરાના હેતુ માટે પુન:સ્થાપન-કિંમત પદ્ધતિ ધ્યાનમાં લેવાય છે. મકાનનું મૂલ્યાંકન બે પ્રકારની પદ્ધતિથી કરવામાં આવે છે. તેમાંની એક પદ્ધતિ ભાડા, ઉત્પન્ન કે આવક ઉપર આધારિત છે. આ પદ્ધતિ અનુસાર મળવાપાત્ર ભાડામાંથી મ્યુનિસિપલ કરવેરા, ભાડાનો એકષષ્ઠાંશ ભાગ મરામતના અંદાજિત ખર્ચ તરીકે અને ભાડાનો  6 % ભાગ ઉઘરાણીખર્ચ તરીકે બાદ કરીને ભાડાની ચોખ્ખી રકમ નક્કી કરવામાં આવે છે. આટલી રકમનું વ્યાજ મેળવવા માટે જેટલી રકમ વ્યાજે મૂકવી જરૂરી હોય તે રકમ મકાનનું મૂલ્ય ગણાય છે. બીજી પદ્ધતિ મકાનની અંતર્ગત (intrinsic) કિંમત પર આધારિત છે અને તે પદ્ધતિ ભાડે આપવામાં ન આવ્યું હોય તેવા મકાનના મૂલ્યાંકન માટે પ્રયોજાય છે. આ પદ્ધતિ અનુસાર જમીનની બજારકિંમત ગણવામાં આવે છે, તેમાં બાંધકામમાં વપરાયેલા માલસામાનની અંદાજિત કિંમત ઉમેરીને મકાનની કુલ કિંમત નક્કી કરવામાં આવે છે. ધંધાની પાઘડી(goodwill)નું મૂલ્ય એક પદ્ધતિ અનુસાર ધંધામાંથી મળેલા સુસ્થાપિત નફા(maintainable trading profit) અને અધિકતર નફા(super profit)ની રકમ નક્કી કરીને તેનાથી બે કે ત્રણગણું આકારવાની છે. બીજી પદ્ધતિ અનુસાર સુસ્થાપિત નફા અને અધિકતર નફા જેટલી રકમનું વ્યાજ મેળવવા માટે જે રકમ વ્યાજે મૂકવી જરૂરી હોય તે રકમ પાઘડીનું મૂલ્ય ગણાય છે.

ચાલુ અસ્કામતોનું મૂલ્યાંકન : ધંધાના સરવૈયામાં કોઈ કોઈ વાર ચાલુ અસ્કામતોમાં કંપનીના શૅરનો સમાવેશ થતો હોય છે. શૅરોનું મૂલ્યાંકન ત્રણ પદ્ધતિઓ અનુસાર થાય છે. તેમાંથી એક પદ્ધતિ અનુસાર કંપનીની બધી અસ્કામતોનું પુનર્મૂલ્યાંકન કરીને તેમાંથી કંપનીની જવાબદારીઓ બાદ કર્યા પછી બાકી રહેલી રકમને કંપનીના શૅરની સંખ્યા વડે ભાગવાથી આવેલી રકમ શૅરનું મૂલ્ય ગણાય છે. બીજી પદ્ધતિ અનુસાર કંપનીએ અગાઉનાં ત્રણ વર્ષમાં જાહેર કરેલાં ડિવિડન્ડની સરેરાશ કાઢીને ભવિષ્યમાં કંપની કેટલા ટકા ડિવિડન્ડ જાહેર કરી શકશે તેનો અડસટ્ટો કાઢવામાં આવે છે. કંપનીના આવા અંદાજિત ડિવિડન્ડના ટકાને કંપનીના ધંધા જેવો જ ધંધો કરતી અનેક અન્ય કંપનીઓએ જાહેર કરેલાં સરેરાશ ડિવિડન્ડના ટકા, તથા તે કંપનીઓના શૅરની સરેરાશ બજારકિંમત સાથે સરખાવવામાં આવે છે અને તેના આધારે કંપનીના શૅરનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. ત્રીજી પદ્ધતિ અનુસાર પ્રથમ પદ્ધતિ તથા બીજી પદ્ધતિના આધારે નક્કી કરવામાં આવેલી શૅરોની કિંમતની સરેરાશ લઈને કંપનીના શૅરનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. વર્ષાન્તે બાકી રહેલા તૈયાર માલનું મૂલ્યાંકન પડતરકિંમત અથવા બજારકિંમત તે બેમાંથી જે ઓછી હોય તેના આધારે કરવામાં આવે છે. આ પરંપરાગત પદ્ધતિ પાછળ એક વિચાર રહેલો છે : અપેક્ષિત નુકસાન સામે જોગવાઈ રાખવી જોઈએ; પરંતુ નફાની અપેક્ષા રાખવી જોઈએ નહિ. અર્ધતૈયાર માલનું મૂલ્ય પડતરકિંમતે અને કાચા માલનું મૂલ્ય પુન:સ્થાપન-કિંમતે કરાય છે. વિદેશી ચલણનું મૂલ્ય જો હૂંડિયામણનો દર વધ્યો હોય તો મૂળ ખરીદભાવે પરંતુ ઊતર્યો હોય તો ઘટેલા હૂંડિયામણના દરે થાય છે. ધંધાનાં લેણાંનું મૂલ્ય ઘાલખાધની જોગવાઈ કરીને કરવામાં આવે છે. પરચૂરણ માલસામાનનું મૂલ્યાંકન ફિફો(FiFo – first in, first out)પદ્ધતિથી, એટલે કે અગાઉ ખરીદવામાં આવેલી માલસામગ્રી પ્રથમ વપરાઈ છે અને છેલ્લે ખરીદવામાં આવેલી માલસામગ્રી વર્ષાન્તે હાજર માલમાં રહી છે તે પ્રમાણે ગણીને અથવા લિફો(LiFo – last in, first out)પદ્ધતિથી એટલે કે છેલ્લે ખરીદવામાં આવેલી માલસામગ્રી પ્રથમ વપરાઈ છે અને અગાઉ ખરીદવામાં આવેલી માલસામગ્રી વર્ષાન્તે હાજર માલમાં રહી છે તે પ્રમાણે ગણીને જે તે ખરીદીના દરે કરવામાં આવે છે. સરવૈયામાં દર્શાવેલી પ્રત્યેક અસ્કામતનું ઉપર પ્રમાણે મૂલ્યાંકન કરીને તેમાંથી ધંધાની જવાબદારીઓની રકમ બાદ કરવાથી ધંધાનું સાફી મૂલ્યાંકન કરાય છે.

જયન્તિલાલ પો. જાની