દેસાઈ, શંભુપ્રસાદ હરપ્રસાદ (જ. 6 ઑગસ્ટ 1908 ચોરવાડ, જિ. જૂનાગઢ; અ. 3 એપ્રિલ 2000, જૂનાગઢ) : ઇતિહાસકાર, જૂનાગઢ રાજ્યના વહીવટદાર અને નિવૃત્ત કલેક્ટર. તેમના પિતાશ્રી પણ જૂનાગઢ રાજ્યના વહીવટદાર હતા. તેઓ નાગર જ્ઞાતિના હતા. શંભુપ્રસાદે માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં તથા ઉચ્ચ શિક્ષણ અમદાવાદ અને જૂનાગઢમાં લીધું હતું. તેમણે 1926માં મૅટ્રિકની અને 1930માં ઇતિહાસ વિષય સાથે બી.એ.ની પરીક્ષા પાસ કરી. 1931માં ‘લોકશક્તિ’ દૈનિકના પત્રકાર તરીકે બીજા પત્રકારો સાથે તેમણે અમદાવાદમાં ગાંધીજીનો ઇન્ટરવ્યૂ લીધો હતો. 1932માં એલએલ.બી. પાસ થયા બાદ તેમણે વેરાવળમાં વકીલાત શરૂ કરી. 1933માં તેઓ જૂનાગઢ રાજ્યના મહેસૂલખાતામાં વહીવટદારના હોદ્દાના પ્રોબેશનર નિમાયા. તે પછી તેમણે વહીવટદાર તથા રાજ્યના સચિવાલયમાં સુપરિન્ટેન્ડેન્ટની ફરજો બજાવી. જૂનાગઢ રાજ્ય ભારત સાથે જોડાયા બાદ, તેમને નવી સરકારમાં (પ્રભાસ)પાટણ તથા તલાળાના ઍડ્મિનિસ્ટ્રેટર નીમવામાં આવ્યા. તેમણે કુતિયાણા ખાતે, સિંધમાંથી આવેલા 20,000 નિર્વાસિતોની વ્યવસ્થા કરી. સપ્ટેમ્બર, 1949માં મામલતદારની કૅડરમાં નિમણૂક થવાથી રાજીનામું આપી વકીલાત શરૂ કરી. તે પછી 1950માં ડેપ્યુટી કલેક્ટર તરીકે નિમણૂક થવાથી સૌરાષ્ટ્ર રાજ્યની સેવામાં જોડાયા અને 1966માં અમરેલીના કલેક્ટરના હોદ્દા પરથી નિવૃત્ત થયા. તેઓ સંસ્કૃત, અંગ્રેજી, ઉર્દૂ, અરબી અને ફારસી ભાષાઓના અભ્યાસી હતા.
મે, 1933માં તેમણે ‘પ્રભાસના વાજા રાજાઓ’ શીર્ષક હેઠળ મુંબઈના ‘ગુજરાતી’ પત્રમાં લેખ લખીને, ઇતિહાસલેખનની શરૂઆત કરી. તેમનો પ્રસિદ્ધ ગ્રંથ ‘સૌરાષ્ટ્રનો ઇતિહાસ’ની પ્રથમ આવૃત્તિ 1957માં, બીજી સંવર્ધિત અને સંશોધિત આવૃત્તિ 1968માં અને ત્રીજી આવૃત્તિ 1990માં પ્રગટ થઈ. તેમાં તેમણે પ્રાચીન કાળથી 1965 સુધીનો સૌરાષ્ટ્રનો ઇતિહાસ લખ્યો છે.
‘પ્રભાસ અને સોમનાથ’ ગ્રંથમાં તેમણે પ્રાગ્-ઐતિહાસિક કાળથી શરૂ કરીને 1950 સુધીની બધી માહિતી ભેગી કરીને આપી છે. વધુમાં તેનાં 12 પરિશિષ્ટોમાં પણ ઘણી માહિતી આપી છે.
‘જૂનાગઢ અને ગિરનાર’ ગ્રંથ 1975માં પ્રગટ થયો. [તેમાં જૂનાગઢના દફતરભંડારમાં સચવાયેલા પ્રથમ કક્ષાના સ્રોતોનો નહિવત્ ઉપયોગ કર્યો છે પણ દ્વિતીય કક્ષાના પ્રકાશિત ગ્રંથોના આધારે ઇતિહાસ લખ્યો છે.] તેમાં જૂનાગઢ રાજ્યને કેન્દ્રમાં રાખીને મોટે ભાગે રાજકીય ઇતિહાસ લખ્યો છે. તેમાં લેખકે છેલ્લા નવાબ મહોબતખાન 3જાના અનેક સદગુણો દર્શાવ્યા છે.
આ ઉપરાંત ‘શ્રીકૃષ્ણનું દ્વારકા’, ‘સૌરાષ્ટ્રના ઇતિહાસની વાર્તાઓ’ ભાગ 1થી 4, ‘ઇતિહાસદર્શન’ ભાગ 1થી 5; ‘સૌરાષ્ટ્રના નાગરો’, ‘ગુજરાતની સલ્તનત’ વગેરે તેમના ઇતિહાસના ગ્રંથો છે.
‘સૌરાષ્ટ્રના ઇતિહાસની વાર્તાઓ’માં તેમણે ખાસ કરીને નાગર દીવાનો તથા મુત્સદ્દીઓને ખૂબ સરસ રીતે આલેખ્યા છે.
‘ઇતિહાસદર્શન’ના 5 ભાગમાં લેખકે સાંસ્કૃતિક વૈવિધ્યને સંકલિત કરીને, એક સમગ્ર દર્શન નિપજાવ્યું છે. લેખક ઇતિહાસ ઉપરાંત સંસ્કૃતિ, સિક્કાઓ, સાહિત્ય, ભાષાઓ અને પુરાતત્ત્વના અભ્યાસી હતા. તેઓ ‘ફૂલછાબ’ દૈનિકમાં ઇતિહાસની કટાર લખતા હતા. ઇતિહાસમાં રસ ધરાવતા અનેક સજ્જનો દરરોજ સાંજે તેમના નિવાસસ્થાને ભેગા મળીને ચર્ચા કરતા. તેમણે 1927માં ‘પ્રભાસ સંશોધન સભા’ અને 1968માં ‘સોરઠ સંશોધન સભા’ સ્થાપી હતી. તેમણે 1974માં ‘સૌરાષ્ટ્ર-કચ્છ ઇતિહાસ સંશોધન સભા’ની સ્થાપના કરી. તે પછીથી ‘સૌરાષ્ટ્ર-કચ્છ ઇતિહાસ પરિષદ’ નામથી જાણીતી થઈ. તેઓ 1974થી 1978 સુધી તેના સ્થાપક પ્રમુખ હતા. 1978થી 1980 સુધી તેઓ ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 1988માં તેમને ‘ડૉક્ટર ઑવ્ લેટર્સ’(ડી.લિટ્.)ની માનાર્હ ઉપાધિ એનાયત કરી હતી. તેમના ‘જૂનાગઢ અને ગિરનાર’ નામના ગ્રંથને 1978માં ગુજરાત રાજ્ય તરફથી શ્રેષ્ઠ ગ્રંથનો ઍવૉર્ડ મળ્યો હતો. અનેક યુવાસંશોધકોના તેઓ પ્રેરણાદાતા હતા. તેમણે કવિતા, વાર્તા, નાટક, નિબંધ અને ઇતિહાસના ગ્રંથો લખીને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે.
જયકુમાર ર. શુક્લ