દેસાઈ, શાંતિનાથ કુબેરાપ્પા

March, 2016

દેસાઈ, શાંતિનાથ કુબેરાપ્પા (જ. 22 જુલાઈ 1929, હલિયાલ, જિ. ઉત્તર કન્નડ, કર્ણાટક; અ. 1998) : કન્નડ વાર્તાકાર, વિવેચક, અનુવાદક અને વરિષ્ઠ શિક્ષણશાસ્ત્રી. તેમને તેમની નવલકથા ‘ઓમ્ નમો’ બદલ 2૦૦૦ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે હલિયાલ, કર્ણાટક કૉલેજ, ધારવાડ; વિલ્સન કૉલેજ, મુંબઈ અને લીડ્સ યુનિવર્સિટી, યુ.કે.માં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ અંગ્રેજીના પ્રાધ્યાપક રહ્યા અને પછી કુવેમ્પૂ વિશ્વવિદ્યાલય, શિમોગાના ઉપકુલપતિ રહ્યા. તેઓ 1981–1987 દરમિયાન કર્ણાટક સાહિત્ય અકાદમીના, 1988–1993 દરમિયાન સાહિત્ય અકાદમી નવી દિલ્હીના કારોબારી બોર્ડના સભ્ય અને 1991 સુધી સેન્ટ્રલ સિલેક્શન સમિતિ, ભારતીય જ્ઞાનપીઠના સભ્ય રહ્યા.

શાંતિનાથ કુબેરાપ્પા દેસાઈ

તેમણે કન્નડમાં 4 અને અંગ્રેજીમાં 8 વિવેચનપુસ્તકો આપ્યાં છે. તે ઉપરાંત અનંતમૂર્તિ યુ. આર.ની નવલકથા ‘અવસ્તે’ સહિત 4 અનૂદિત કૃતિઓ તેમણે આપી છે. તેમના વિદ્વત્તાપૂર્ણ સાહિત્યિક પ્રદાન બદલ તેમને કર્ણાટક સાહિત્ય અકાદમીનો વિશિષ્ટ પુરસ્કાર, સુધા કાદમ્બરી પ્રથમ પુરસ્કાર, મહારાષ્ટ્ર રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર, કર્ણાટક સાહિત્ય અકાદમી પુરસ્કાર અને કર્ણાટક રાજ્યનું રાજ્યોત્સવ સાહિત્યિક સન્માન, કારન્થ પ્રશસ્તિ અને વર્ધમાન પ્રશસ્તિ એનાયત કરવામાં આવ્યાં છે.

તેમણે કન્નડની આધુનિકતાવાદી નવલકથાને એક નવો આયામ આપ્યો. તેમની પુરસ્કૃત કૃતિ ‘ઓમ્ નમો’માં એક જૈન પરિવારની ત્રણ પેઢીની કથાનું નિરૂપણ કરતાં તેમણે સમકાલીન જીવનનું ઊંડું વિશ્લેષણ અને અન્વેષણ કર્યું છે. આ કૃતિમાં તેમણે વિશ્વાસનું ઊંડું પ્રતિબિંબ, આસ્થા અને આચાર વચ્ચેનો વિરોધાભાસ તેમજ વ્યક્તિગત સ્વતંત્રતાનો અભાવ, વિકટ પરિસ્થિતિઓનું નિર્માણ વગેરેનું આબેહૂબ ચિત્રાંકન જીવંત પાત્રો દ્વારા કર્યું હોવાથી કન્નડમાં લખેલા સમકાલીન ભારતીય કથાસાહિત્યમાં તે એક અપ્રતિમ કૃતિ ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા