દેસાઈ, વિભા (જ. 25 જાન્યુઆરી 1944, પોરબંદર) : ગુજરાતી સુગમ સંગીતનાં વિખ્યાત ગાયિકા. મૂળ નામ વિભા વૈષ્ણવ. 1964માં ગુજરાતી સુગમ સંગીતના વિખ્યાત ગાયક અને સ્વરકાર રાસબિહારી દેસાઈ સાથે લગ્ન થયા પછી વિભા દેસાઈ નામથી વધુ પરિચિત થયાં. પિતા જયેન્દ્રભાઈ વૈષ્ણવ જીવનવીમા કૉર્પોરેશનમાંથી ડેવલપમેન્ટ ઑફિસર તરીકે નિવૃત્ત થયા. માતાનું નામ કનકતારા. પિતા અને માતા બંને પાસેથી સંગીતનો વારસો મળ્યો. પિતા આગ્રા ઘરાનાના શોખિયા ગાયક હતા. 1964માં અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીની બી.એ.ની પદવી પ્રાપ્ત કરી. તે પૂર્વે 1962માં વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી હતી. 1962–63માં બાર કાઉન્સિલના કાર્યાલયમાં તથા 1963–64માં વેચાણવેરા કાર્યાલયમાં નોકરી કરી. 1964માં આવકવેરાખાતામાં જોડાયાં, જ્યાં 1965માં ખુલ્લી સ્પર્ધામાં અધિકારીપદે પસંદગી પામ્યાં. 1973માં ડેપ્યુટી આવકવેરા અધિકારી, 1987માં આસિસ્ટંટ આવકવેરા કમિશનર, 1991માં કમિશનર, 2૦૦૦માં જૉઇન્ટ કમિશનર તથા 2૦૦1માં આવકવેરા ઍડિશનલ કમિશનર તરીકે બઢતીઓ મેળવતાં રહ્યાં અને 4૦ વર્ષની પ્રદીર્ઘ કારકિર્દી બાદ 2૦૦4માં સેવા નિવૃત્ત થયાં.

વિભા દેસાઈ

શરૂઆતમાં સંગીતની તાલીમ ઉસ્તાદ ગુલામ અહમદખાં સાહેબ પાસેથી પ્રાપ્ત કરી. ‘રંગમંડળ’ નાટ્યસંસ્થાના ‘ભોલા માસ્ટર’ નાટકમાં તેમણે પ્રથમ વાર ગીત ગાયું અને ત્યારથી સંગીતક્ષેત્રની કારકિર્દીની શરૂઆત કરી. 196૦–64ના કૉલેજકાળ દરમિયાન રસિકલાલ ભોજક તથા રાજકુમાર રાજપ્રિય દ્વારા નિર્દેશિત સંગીત-નૃત્ય-નાટિકાઓમાં ભાગ લીધો. 1961માં આકાશવાણી દ્વારા આયોજિત સુગમ સંગીતની અખિલ ભારતીય સ્પર્ધામાં બીજું પારિતોષિક પ્રાપ્ત કર્યું, જે તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ના હસ્તે સ્વીકારવાનું સદભાગ્ય તેમને પ્રાપ્ત થયું હતું. 1961થી તેઓ આકાશવાણીના હળવા સંગીત-વર્ગના માન્ય ગાયક કલાકાર છે. સમયાંતરે દૂરદર્શનના પણ તેઓ માન્ય કલાકાર બન્યાં છે. ‘નૂપુરઝંકાર’ નામની જાણીતી ગરબા સંસ્થાના તેઓ લાંબા સમય સુધી મુખ્ય ગાયક અને ગરબા-કલાકાર તરીકે રહી ચૂક્યાં છે. 26 જાન્યુઆરી, 1965ના પ્રજાસત્તાક દિવસની ઉજવણી પ્રસંગે નૅશનલ સ્ટેડિયમ, દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાતમાંથી મોકલવામાં આવેલા જૂથનું નેતૃત્વ તેમણે કર્યું હતું. 1961માં અમદાવાદના રાજભવન ખાતે ઇંગ્લૅન્ડનાં મહારાણી એલિઝાબેથના માનમાં જે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને જે કાર્યક્રમમાં તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ પણ ઉપસ્થિત હતા તેમાં રજૂ થયેલા સંગીત અને ગરબાના કાર્યક્રમમાં તેમણે આગળ પડતો ભાગ લીધો હતો.

1963માં મુંબઈ ખાતેના ભારતીય વિદ્યાભવનમાં હળવા સંગીતની જે પરિષદ યોજાઈ હતી તેમાં ભાગ લેનાર કલાકારોમાં વિભા દેસાઈનો પણ સમાવેશ થયો હતો. 1963માં એેચ. એમ. વી. (HMV) દ્વારા તેમનાં ગાયેલાં ગીતોની પ્રથમ રેકર્ડ બહાર પડી હતી (‘નજરુંના કાંટાની ભૂલ’). 1962ના યુવક મહોત્સવના ભાગ તરીકે આયોજિત ઇન્ટર-ઝોનલ સુગમ સંગીત હરીફાઈમાં તેમને સમગ્ર રાજ્યમાં બીજું પારિતોષિક મળ્યું હતું. 1963થી તેઓ જાણીતી ‘શ્રુતિ’ સંગીત સંસ્થાના સક્રિય સભ્ય છે. તેની નિશ્રામાં ભારતનાં મહાનગરોમાં તેમના સુગમ સંગીતના કાર્યક્રમો આયોજિત થયા છે. આકાશવાણીનાં અમદાવાદ, દિલ્હી, જોધપુર તથા મુંબઈ કેન્દ્રો દ્વારા તેમનાં ગીતોનું રેકર્ડિંગ થયું છે. કેન્દ્રના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા 1968માં આયોજિત ‘ભારત કી ઝાંકી’ કાર્યક્રમમાં, 1969માં ગાંધી શતાબ્દી નિમિત્તે ભારતમાં ઠેર ઠેર આયોજિત કાર્યક્રમોમાં ગુજરાતી ચલચિત્ર ‘કાશીનો દીકરો’માં તેમણે ગાયેલ ગીત ‘રોઈ રોઈ આંસુની ઊમટે નદી’ માટે વર્ષ 1979માંનું સર્વોત્તમ ગીતનું પારિતોષિક તેમને એનાયત થયું હતું. 1981માં તેમને અમેરિકાના ડેટ્રૉઇટ ગુજરાતી સમાજે ‘ઑનરરી સિટિઝન ઍવોર્ડ’ એનાયત કર્યો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા આયોજિત ‘કવિ નર્મદ શ્રદ્ધા શતાબ્દી મહોત્સવ’ (1981), ‘મહાકવિ નાનાલાલનાં ગીતો’ (1982) તથા ‘નરસિંહ મહેતા પંચશતાબ્દી મહોત્સવ’(1983)ના સંગીત-કાર્યક્રમોમાં વિભા દેસાઈએ સક્રિય ભાગ લીધો હતો. 1981–2૦૦૦ દરમિયાન તેમણે પાંચ વાર અમેરિકાનો (15૦ સંગીત-કાર્યક્રમો) તથા 1986માં ઇંગ્લૅન્ડનો પ્રવાસ ખેડ્યો હતો અને વિખ્યાત ગુજરાતી સુગમ સંગીતના ગાયક રાસબિહારી દેસાઈ સાથે સુગમ સંગીતના કાર્યક્રમો આપ્યા હતા. 1963–2૦૦૦ દરમિયાન તેમણે ગાયેલાં ગીતોની નવ રૅકર્ડો, કૅસેટો તથા સી.ડી. બહાર પડ્યાં છે; જેમાંથી બેનું વિમોચન ક્રમશ: 1985 અને 199૦માં અમેરિકાના શિકાગો નગરમાં કરવામાં આવ્યું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે