દેસાઈ, વાલજી ગોવિંદજી (જ. 4 ડિસેમ્બર 1892, જેતપુર, સૌરાષ્ટ્ર; અ. 22 ડિસેમ્બર 1982, પુણે, મહારાષ્ટ્ર) : સ્વાતંત્ર્યસૈનિક, ગાંધીજીના અંતેવાસી અને લેખક. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જેતપુર, રાજકોટ તથા વાંકાનેરમાં લીધું હતું. બંગભંગ(19૦5)ના આંદોલન-સમયે તેમનામાં દેશભક્તિ જાગ્રત થઈ. ક્રાંતિકારી ખુદીરામ બોઝને ફાંસીની સજા થઈ ત્યારે તેમણે તેના વિરોધમાં શાળામાં હડતાલ પડાવી હતી; તેથી તેમને શાળામાંથી એક વર્ષ માટે દૂર કરવામાં આવ્યા હતા. મુંબઈ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ મૅટ્રિકની પરીક્ષામાં 19૦9માં ગોંડલ કેન્દ્રમાં પ્રથમ તથા યુનિવર્સિટીમાં દસમા ક્રમાંકે આવી તેમણે શિષ્યવૃત્તિ મેળવી હતી. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી 1913માં બી.એ.માં સંસ્કૃતમાં પ્રથમ ક્રમાંક મેળવી પ્રખ્યાત ભાઉ દાજી ઇનામ મેળવ્યું. ત્યારબાદ તેઓ અમદાવાદની ગુજરાત કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક નિમાયા. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાં પણ અધ્યાપક તરીકે સેવાઓ આપી.

ગાંધીજીએ 1915માં અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમ શરૂ કર્યા બાદ વાલજીભાઈ અવારનવાર ત્યાં જવા લાગ્યા. ત્યારબાદ એ જ વર્ષના અંતે મુંબઈમાં કૉંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા, સરકારી નોકરીનું રાજીનામું આપી દીધું. તેઓ ગાંધીજીથી પ્રભાવિત થયા અને તેમની સાથે 1916માં સિંધનો પ્રવાસ ખેડ્યો. તેઓ 1921માં ગાંધીજીના અંગ્રેજી સાપ્તાહિક ‘યંગ ઇન્ડિયા’ના તંત્રીવિભાગમાં જોડાયા. તેના બીજે વર્ષે ‘નવજીવન’ તથા ‘યંગ ઇન્ડિયા’માં દેશદ્રોહી લેખો લખવાના આરોપ હેઠળ તથા તેના પ્રકાશક હોવાથી પ્રથમ વાર દોઢ વર્ષની જેલની સજા થઈ. જેલમાંથી છૂટ્યા બાદ, ગાંધીજીના આશ્રમમાં તેઓ રહેવા લાગ્યા. ગાંધીજીએ ગૂજરાત વિદ્યાપીઠ મંડળની રચના કરી ત્યારે એના કાયમી સભ્ય તરીકે લેવામાં આવ્યા અને તેઓ તેના આજીવન સભાસદ રહ્યા હતા.

ગાંધીજીએ 12 માર્ચ, 193૦ના રોજ દાંડીકૂચ કરી, તેમાં જોડાવા પસંદ કરેલા 81 સત્યાગ્રહીઓમાં વાલજીભાઈનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ લડત દરમિયાન ભાષણ કરવા માટે એમની ધરપકડ કરીને ત્રણ માસની કેદની સજા કરવામાં આવી હતી. 1932માં બીજા તબક્કાની લડત શરૂ થતાં તેમને છ માસની કેદની સજા ફરમાવવામાં આવી હતી. તેમણે આ સજા સાબરમતી તથા વીસાપુર કૅમ્પ-જેલમાં ભોગવી હતી. 1933માં ફરી વાર કેદની સજા થઈ, જે તેમણે સાબરમતી અને નાશિકની જેલોમાં ભોગવી હતી. 1934માં ગાંધીજી સાથે હરિજનયાત્રામાં જોડાયા અને ભારતદર્શન કર્યું.

તેઓ સ્વદેશી તથા સ્વાવલંબનના આગ્રહી હતા. તેમનું વાચન ઘણું વિશાળ હતું. તેના ફલસ્વરૂપે ગુજરાતી તથા અંગ્રેજીમાં અનેક ગ્રંથો તેમણે લખ્યા છે. ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ ‘મહાદેવભાઈની ડાયરી–1’ તથા ‘બાપુના પત્રો’ ભાગ–1, 2ના સુંદર અનુવાદો તેમણે અંગ્રેજીમાં કર્યા છે. લોકસંગ્રહની ર્દષ્ટિએ સાદી, સરળ, તળપદી પરંતુ અર્થવાહક શૈલીમાં સારોદ્ધરણ, ચયન તથા સંકલન તેમના સાહિત્યપ્રદાનનું મહત્વનું પાસું છે. ‘આરોગ્યમંજરી’, ‘ઈશુચરિત’, ‘કથાકુસુમાંજલિ’, ‘ગોરક્ષા કલ્પતરુ’, ‘દ્રૌપદીનાં ચીર’, ‘બુદ્ધચરિત્રામૃત’, ‘શ્રીરામકથા’, ‘વિશ્વસંહિતા’, ‘સજી લે શૃંગાર’ વગેરે તેમના મૌલિક ગ્રંથો છે. ‘પ્રેમપંથ’ ભાગ–1–1૦ એ ગાંધીજીવનવિષયક પુસ્તિકા-શ્રેણી છે. આ બાલોપયોગી સંકલનમાં ગાંધીજીના મૂળ ગ્રંથોની ભાષા ઘણીખરી તેમણે જાળવી છે. ‘સુંદરવન’ (1969) તથા ‘દીપમાળા’(1979) – એ જગતનો ઇતિહાસ તથા વિશ્વસાહિત્યમાંથી સંચિત કરેલા શ્રેષ્ઠ વિચારો તથા પ્રેરક પ્રસંગોનાં સંકલનો છે. ‘તંત્રકથા’ (1938) ‘પંચતંત્ર’નો સંક્ષેપ છે, ‘નિવેદન’ તે ‘ટ્રિબ્યૂટ’નું એમણે કરેલું ભાષાંતર છે.

વાલજીભાઈ સ્વતંત્રમિજાજી, સ્વાભિમાની, મિતભાષી તથા સ્પષ્ટવક્તા હતા. તેમને સંગીતમાં ખૂબ રસ હતો.

દશરથલાલ શાહ