દેસાઈ રણછોડજી દાજીભાઈ (જ. 4 મે 1897, ઉમરસાડી, દક્ષિણ ગુજરાત; અ. 16 નવેમ્બર 1991, વલસાડ) : ગુજરાતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા સમર્થ રસાયણશાસ્ત્રી. મધ્યમવર્ગના અનાવિલ બ્રાહ્મણ દાજીભાઈના છ પુત્રોમાં રણછોડજી બીજા પુત્ર હતા. માધ્યમિક શિક્ષણ વલસાડની બાઈ આવાંબાઈ હાઈસ્કૂલમાં લઈ 1916માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિક્યુલેશન પરીક્ષા ઊંચી કક્ષામાં પસાર કર્યા બાદ 1916થી 1918માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં તથા 1918થી 1921 દરમિયાન વિલ્સન કૉલેજમાં અભ્યાસ કર્યો. 192૦માં તેમણે બી.એ.(ઑનર્સ)ની પરીક્ષા પ્રથમ વર્ગમાં તથા 1921માં બી.એસસી.ની પરીક્ષા વિશેષતા (distinction) સાથે તથા યુનિવર્સિટીમાં દ્વિતીય ક્રમે આવી પસાર કરી. 1921થી 1924 દરમિયાન તેઓ મુંબઈ રાજ્યની સંશોધન શિષ્યવૃત્તિ મેળવી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ, બૅંગાલુરુમાં જોડાયા અને પ્રો. જે. જે. સડબરોના તથા પ્રો. એચ. ઈ. વૉટસનના માર્ગદર્શન હેઠળ સંશોધન કરી 1925માં મુંબઈ યુનિવર્સિટીની એમ.એસસી.ની પદવી મેળવી. આ દરમિયાન તેમણે મુંબઈ યુનિવર્સિટીનો આર. આર. દેસાઈ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો.

રણછોડજીએ 1924થી 1926નાં બે વર્ષ વિલ્સન કૉલેજમાં તથા 1926થી 1928 દરમિયાન વડોદરા કૉલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે શિક્ષણકાર્ય કર્યું. સર મંગળદાસ નથ્થુભાઈ શિષ્યવૃત્તિ મળતાં 1928થી 1931 દરમિયાન તેઓ લંડન યુનિવર્સિટીની ઇમ્પીરિયલ કૉલેજ ઑવ્ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજીમાં જોડાયા અને પ્રો. જે. એફ. થૉર્પ(F.R.S.)ના માર્ગદર્શન હેઠળ સંશોધન કરી 1931માં ડી.એસસી.ની પદવી પ્રાપ્ત કરી સ્વદેશ પાછા આવ્યા.

ભારતમાં આવીને 1931માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં જોડાયા અને 1938 સુધી ત્યાં રહીને શિક્ષણ અને સંશોધનકાર્ય કર્યું. 1938 પછી મુંબઈની વિક્ટોરિયા જ્યુબિલી ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટ અને યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઑવ્ કેમિકલ ટૅક્નૉલૉજીમાં ડાયસ્ટફ ટૅક્નૉલૉજીના રીડર અને પ્રોફેસર તરીકે સંશોધન તથા શિક્ષણકાર્ય ચાલુ રાખ્યું.

195૦માં તેઓ અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કૉલેજ અને એમ.જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના આચાર્યપદે નિયુક્ત થયા અને 1969માં નિવૃત્ત થયા ત્યાં સુધી આ પદે રહ્યા.

45 વર્ષની તેમની સંશોધનકારકિર્દી દરમિયાન તેમણે 3૦ વિદ્યાર્થીઓને પીએચ.ડી. પદવી માટે અને 6૦ને એમ.એસસી. પદવી માટે માર્ગદર્શન આપ્યું હતું. આ દરમિયાન તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સામયિકોમાં 2૦૦ જેટલાં સંશોધનપત્રો પ્રસિદ્ધ કર્યાં હતાં. રસાયણશાસ્ત્રમાં તેમણે સાત પેટન્ટ પણ મેળવી હતી.

તેઓ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સીઝ ઑવ્ ઇન્ડિયા, ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સીઝ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ અને રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિસ્ટ્રીના ફેલો હતા.

જાન્યુઆરી, 1952માં ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના કૉલકાતા અધિવેશનમાં તેમણે રસાયણશાસ્ત્ર વિભાગનું પ્રમુખપદ સંભાળ્યું હતું.

તેઓ ઇન્ડિયન કેમિકલ સોસાયટીની અમદાવાદ શાખાના સ્થાપક પ્રમુખ હતા. 1967 તથા 1968નાં બે વર્ષ દરમિયાન તેમણે ઇન્ડિયન કેમિકલ સોસાયટી, કૉલકાતાનું અધ્યક્ષપદ શોભાવ્યું હતું. આ ઉપરાંત તેઓ યુનિવર્સિટીની વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન, સિન્ડિકેટના સભ્ય, રસાયણશાસ્ત્રની અભ્યાસસમિતિના અધ્યક્ષ, એકૅડેમિક કાઉન્સિલના સભ્ય તેમજ મુંબઈ સરકારના ઔદ્યોગિક સલાહકાર તરીકે રહ્યા હતા. ભાવનગરની સેન્ટ્રલ સૉલ્ટ ઍન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી.

તેમના સંશોધનના મુખ્ય વિષયોમાં ક્રોમોન્સ, કુમારીન્સ, ફ્રિડલ અને ફ્રાઇઝ પુનર્વિન્યાસ, ફિનાન્થ્રીન આધારિત વેટ રંગકો તેમજ તેલ, ચરબી, સાબુઓ અને સાંશ્લેષણિક ઔષધો વગેરેને ગણાવી શકાય. કાર્બનિક રસાયણ ઉપરાંત સંસ્કૃત સાહિત્યના પણ તેઓ અભ્યાસી હતા.

શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ક્ષેત્રે તેમના પ્રદાન બદલ ડૉ. દેસાઈને નીચે પ્રમાણે માન-અકરામ પ્રાપ્ત થયાં હતાં : (1) ડૉ. કે. જી. નાયક સંશોધન સુવર્ણ ચંદ્રક; (2) કૂપર સુવર્ણ ચંદ્રક; (3) ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી જ્યૂબિલી ચંદ્રક; (4) એચ. કે. એન. મેમોરિયલ  ચંદ્રક; (5) આચાર્ય પ્રફુલ્લચંદ્ર રાય મેમોરિયલ ચંદ્રક. 1988માં ગુજરાત સરકારે તેમને રૂ. એક લાખનો ડૉ. વિક્રમ સારાભાઈ ઍવૉર્ડ આપી સન્માનિત કર્યા હતા. આ રકમમાં તેમણે પોતે રૂ. 25,૦૦૦ ઉમેરતાં યુવાન અને તેજસ્વી કારકિર્દીવાળા વિદ્યાર્થીઓના લાભાર્થે એક એજ્યુકેશનલ ચૅરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી.

વળી વિજ્ઞાનને લોકભોગ્ય બનાવવા માટે તેમની સ્મૃતિમાં ‘પ્રોફેસર ડૉ. આર. ડી. દેસાઈ યુરેનિયમ જ્યુબિલી મેમોરિયલ લેક્ચર સિરીઝ’ની સ્થાપના કરવામાં આવી હતી.

જગદીશ જ. ત્રિવેદી