દેસાઈ, રણજિત (જ. 8 એપ્રિલ 1928, કોયના; જિ. સાતારા, અ. 6 માર્ચ 1992, મુંબઈ) : મરાઠી લેખક. ટૂંકી વાર્તા, નવલકથા તથા નાટકના પ્રસિદ્ધ લેખક. એમણે માધ્યમિક શિક્ષણ સાતારામાં લીધું ને આર્થિક મુશ્કેલીને કારણે મૅટ્રિક પછી આગળ ભણી શક્યા નહિ. એ શાળામાં હતા ત્યારે ‘પ્રસાદ’ નામના મરાઠી માસિકે વાર્તાસ્પર્ધા યોજી હતી. તેમાં ઓગણીસ વર્ષની ઉંમરે ‘ભૈરવ’ શીર્ષક હેઠળની વાર્તા માટે એમણે પ્રથમ પારિતોષિક મેળવ્યું હતું. તે પછી એ ‘સત્યકથા’ સામયિકમાં નિયમિત લખતા. 1952માં એમનો પહેલો વાર્તાસંગ્રહ ‘રૂપમહાલ’ પ્રગટ થયો. તે પછી તેમના વાર્તાસંગ્રહોમાં ‘મોર પંખી સાવલ્યા’ (1952), ‘આલેખ’, ‘કતલ’, તથા ‘કુમુદિની’ (1956) પ્રગટ થયા. તે પછી તો બીજા બાવીશ નવલિકાસંગ્રહો પ્રગટ થયા છે.

એમણે મરાઠી નવલકથાકાર તરીકે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વિશેષ કરીને ઐતિહાસિક નવલકથાકાર તરીકે એમણે નવલકથાના એ પ્રકારને નવો વળાંક આપ્યો. એમની ‘સ્વામી’ નવલકથામાં અઢારમી સદીના મરાઠા રાજ્યના શાસક માધવરાવ પેશવાના સમયના રાજકારણનું સજીવ ચિત્ર આપ્યું છે અને લેખક સમયની સીમા કુદાવીને વાચકને તે વખતના સમયમાં લઈ જાય છે. એ નવલકથા માટે એમને 1962માં સાહિત્ય એકૅડેમીનું વર્ષના શ્રેષ્ઠ મરાઠી પુસ્તક તરીકેનું પારિતોષિક મળ્યું હતું. તેમની ‘શ્રીમાન યોગી’ નવલકથા ખૂબ લોકપ્રિય નીવડી હતી અને તેની આઠ આવૃત્તિઓ પ્રગટ થઈ છે. એમણે મરાઠા ઇતિહાસ પર આધારિત ‘લક્ષ્યવેધ’ (198૦) અને ‘પાવનખિંડ’ (198૦) નવલકથાઓ પણ લખી છે. કર્ણના જીવન પર આધારિત તેમની નવલકથા ‘રાધેય’ પણ ઉલ્લેખનીય છે. એમનાં ‘રામશાસ્ત્રી’ ને ‘કાંચનમૃગ’, રંગભૂમિ પર સફળ રીતે ભજવાયેલાં નાટકો છે. તે માટે તેમને પારિતોષિક પણ મળ્યાં છે. તેમની અન્ય નાટ્યકૃતિઓમાં ‘હે બંધ રેશમાચે’, ‘પાંગુળ ગાડા’, ‘ગરુડઝેપ’ અને ‘ધન અપુરે’ છે. એમની ‘સ્વામી’ નવલકથા ભારતની અનેક ભાષાઓમાં અનૂદિત થઈ છે. તે નાટક રૂપે તખતા પર રજૂ થયેલ છે. એમણે લગભગ 42 પુસ્તકો લખ્યાં હતાં.

અરુંધતી દેવસ્થળે

અનુ. ચન્દ્રકાન્ત મહેતા