દેસાઈ, રજનીકાંત વિભુકુમાર (જ. સપ્ટેમ્બર 1912, પેટલાદ; અ. 14 જૂન 1985, મુંબઈ) : શાસ્ત્રીય કંઠ્ય સંગીતના કલાકાર. વડવાઓ કાલોલના જમીનદારો હતા. પિતા શ્રીમંત ગાયકવાડ સરકારમાં અધિકારી હતા. પોતે સંગીતજ્ઞ અને સંગીતકાર હતા અને તેમણે સંગીતવિષયક બહુમૂલ્ય પુસ્તકો પણ લખ્યાં છે. એમણે જ પુત્ર રજનીકાંતને સંગીતવારસો તથા સંગીતતાલીમની પ્રેરણા આપ્યાં. સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈ એમના પિતરાઈ પરિવારના. તેમનું પ્રાથમિક, માધ્યમિક તેમજ કૉલેજ શિક્ષણ વડોદરામાં. મુંબઈ યુનિવર્સિટીની બી.એ. પદવી સુધીનો અભ્યાસ કર્યો. વડોદરાના રાજગાયક આફતાબ-એ-મૌસિકી ઉસ્તાદ ફૈયાઝખાં સાહેબ તેમના ગુરુ. ગુરુશિષ્યપરંપરા દ્વારા આગ્રા ઘરાણાની કઠોર તાલીમ–તપશ્ચર્યા કરી. ઉસ્તાદ અન્વર હુસૈનખાં, ઉસ્તાદ લતાફત હુસૈનખાં, ઉસ્તાદ ખાદીમ હુસૈનખાં, ઉસ્તાદ શરાફત હુસૈનખાં વગેરે વિખ્યાત કલાકારો તેમના સહાધ્યાયીઓ હતા. ઉસ્તાદ ગુલામ રસૂલખાં હંમેશાં તેમની સાથે હાર્મોનિયમ-સંગત કરતા.
શિક્ષણ પૂરું કર્યા બાદ આકાશવાણી દિલ્હીમાં ન્યૂઝ રીડરની નોકરી સ્વીકારી (1944–46). દરમિયાન આકાશવાણી પર અને અન્યત્ર સંગીત કાર્યક્રમો તથા સંમેલનોમાં ભાગ લેતા રહ્યા (1937–44). 1947માં વડોદરા પાછા આવ્યા અને ત્યાંની મધ્યવર્તી ગાયનશાળામાં ઉપાચાર્ય તરીકે નિમાયા (1947થી ’52). 1954માં શ્રી ના. દા. ઠા. યુનિવર્સિટીમાં મુંબઈ ખાતે તેના સંગીતવિભાગના વડા બન્યા (1954થી ’63). 1964માં શ્રીનગર(કાશ્મીર)માં જે. ઍન્ડ કે. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મ્યુઝિક ઍન્ડ ફાઇન આર્ટ્સના પ્રિન્સિપાલ તરીકે જોડાયા (1964–72). આકાશવાણી મુંબઈથી પ્રસારિત પ્રથમ ‘સંગીતપાઠ’ શ્રેણીનું તેમના હસ્તે ઉદઘાટન થયું હતું. 1972 પછી નિવૃત્તિ લીધી અને શરૂઆતમાં દિલ્હી અને ત્યારબાદ મુંબઈ રહ્યા. નિવૃત્તિ દરમિયાન પણ સંગીતકાર્યક્રમોમાં ભાગ લેતા રહ્યા. પિતાના સહયોગથી લખેલો ‘હિંદી સંગીત’ ગ્રંથ પ્રકાશિત થયો છે.
રાસબિહારી દેસાઈ