દેસાઈ, મોહનલાલ દલીચંદ (જ. 6 એપ્રિલ 1885, લુણસર, જિ. રાજકોટ; અ. 2 ડિસેમ્બર 1945, રાજકોટ) : સમાજસેવક અને સાહિત્યસંશોધક. માધ્યમિક શિક્ષણ રાજકોટમાં, ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. 19૦8માં બી.એ. અને 191૦માં એલએલ.બી. વ્યવસાયે મુંબઈની સ્મૉલ કૉઝ કોર્ટના વકીલ. પણ જીવનભર સંકલ્પપૂર્વક નિ:સ્પૃહભાવે સમાજસેવા અને સાહિત્યસેવા કરી.

‘શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ’ આદિ ઘણી જૈન સંસ્થાઓના અગ્રણી કાર્યકર્તા રહ્યા ને એમાં નવા યુગનો પ્રાણ ફૂંકનારાઓમાંના એક બન્યા. ‘શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ’ના (એપ્રિલ 1912 થી જાન્યુ.-ફેબ્રુ., 1919 સુધી) તથા ‘જૈનયુગ’ના (1925–193૦) એમના સંપાદનમાં સાંપ્રદાયિકતાને વિશાળતાનો સ્પર્શ કરાવતી એમની ઊંડી વિદ્યાનિષ્ઠા દેખાય છે. બિનસાંપ્રદાયિક સાહિત્યસંસ્થાઓ અને રાષ્ટ્રીય કૉંગ્રેસ સાથે પણ સંકળાયેલા રહ્યા.

એમની સાહિત્યસેવાની યશકલગીરૂપ છે બે આકરગ્રંથો – ‘જૈન ગૂર્જર કવિઓ’ (1926–1944) અને ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ (1933). પહેલી ગ્રંથશ્રેણી એક વિસ્તૃત વર્ણનાત્મક હસ્તપ્રતસૂચિ – સાહિત્યસૂચિ છે અને પૂરક સામગ્રીનાં ઘણાં મૂલ્યવાન પરિશિષ્ટો એની સાથે જોડવામાં આવ્યાં છે. બીજો ગ્રંથ મહાવીર સ્વામીના સમયથી માંડીને સં. 196૦ (ઈ. સ. 19૦4) સુધીના સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ તથા ગુજરાતી જૈન સાહિત્યનું કાલાનુક્રમિક દિગ્દર્શન કરાવે છે. આ ગ્રંથો એની પાછળના અપાર પરિશ્રમ અને રજૂઆતની શાસ્ત્રીય પદ્ધતિથી નમૂનારૂપ બની રહે છે.

‘જૈન ઐતિહાસિક રાસમાળા ભાગ 1’ (1912 કે 1913), ‘યશોવિજયવિરચિત ગૂર્જર સાહિત્ય સંગ્રહ ભાગ 1’ (1936) તથા ‘સિદ્ધચન્દ્રવિરચિત ભાનુચન્દ્રગણિચરિત’ (1941) એમનાં વધારે ધ્યાનપાત્ર સંપાદનો છે. ‘ગિરનાર તીર્થોદ્ધાર રાસ તથા રાસમાલા’ (સંપા. 192૦), ‘નયકર્ણિકા’ (સંપા. ગુજરાતી તથા અંગ્રેજી આવૃત્તિ, 191૦ તથા 1915 કે 1916), ‘જૈન કાવ્યપ્રવેશ’ (સંપા. 1912), ‘જૈનાચાર્ય શ્રી આત્માનંદજી જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ’ (સંપા. 1936), ‘સમ્યક્ત્વના સડસઠ બોલની સજ્ઝાય’ (સંપા. 1912), ‘સુજસવેલી ભાસ’ (સંપા. 1934), ‘સ્વામી વિવેકાનંદના પત્રો’ (અનુ. 1912), ‘જિનદેવદર્શન’ (191૦), ‘સામાયિક સૂત્ર’ (1911) વગેરે એમના અન્ય ગ્રંથો છે. આ ઉપરાંત, ‘બૌદ્ધ અને જૈન મતના સિદ્ધાંતો અને ઇતિહાસ’ વિશેનો  એમનો સુદીર્ઘ ઇનામી નિબંધ (1914) અપ્રકાશિત છે. સામયિકોમાં એમનાં સંખ્યાબંધ સંપાદનો ને લખાણો દટાયેલાં પડ્યાં છે.

જયંત કોઠારી