દેસાઈ, મણિભાઈ ભીમભાઈ (જ. 27 એપ્રિલ 192૦; અ. 14 નવેમ્બર 1993, પુણે) : ગાંધીવાદી રચનાત્મક કાર્યકર. સ્વાતંત્ર્યસૈનિક. વતન કોસમાડા, જિલ્લો સૂરત. પિતા ખેતી કરતા. માતાનું નામ રામીબહેન. મૅટ્રિકની પરીક્ષા પસાર કરી 1938માં. સૂરતમાં વિજ્ઞાનની કૉલેજમાં જોડાયા; પરંતુ ગાંધીજીના પ્રભાવથી, છેલ્લા વર્ષમાં અભ્યાસ છોડી, 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં જોડાયા. ભૂગર્ભમાં રહી ભાંગફોડની પ્રવૃત્તિમાં ભાગ લીધો. પછી ગાંધીજીના આદેશ મુજબ બહાર આવી પકડાઈ ગયા. સરકારે તેમને અટકાયતમાં રાખ્યા. એપ્રિલ, 1944માં જેલમાંથી મુક્ત થયા બાદ, 1945માં બી.એસસી. થયા. તે જ વર્ષે ગાંધીજીની સલાહ અનુસાર રચનાત્મક પ્રવૃત્તિઓ શરૂ કરી. મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ઉરુળીકાંચનમાં નિસર્ગોપચાર કેન્દ્ર સ્થાપ્યું. ગ્રામજનોની સેવા માટે તેમણે અપરિણીત રહેવાની પ્રતિજ્ઞા લીધી. ત્યારથી તેમણે ગ્રામવિસ્તારમાં અનેક યોજનાઓ આરંભી તેનું સફળ સંચાલન કર્યું. તેમણે થેઉર ગામે ખાંડનું સહકારી કારખાનું અને ભાવરાપુરમાં સંયુક્ત સહકારી કૃષિ મંડળીની સ્થાપના કરી. તેમણે પુણે જિલ્લાના હવેલી તાલુકામાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં જલવિતરણ-યોજના શરૂ કરાવી. તેમણે એક ગૌશાળાની સ્થાપના કરી. ત્યાંની જર્સી ગાયો દૂધ-ઉત્પાદનક્ષેત્રે ઉત્તમ ગણાય છે. તેમણે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓના વિકાસ માટે વાંસદામાં આમ્રકુંજ, મહિલાઓની ઉન્નતિ માટે કુટુંબનિયોજન અને સાક્ષરતા સહિત વિવિધ યોજનાઓ અમલમાં મૂકી. તેમણે ‘ધ ભારતીય ઍગ્રો-ઇન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશન’(બાયફ–BAIF)ની ઑગસ્ટ, 1965માં સ્થાપના કરી, જેના નેજા હેઠળ પશુસંવર્ધન, પશુસ્વાસ્થ્ય રસી-ઉત્પાદન, ઘાસચારો, પાણી અને જમીનસંરક્ષણ જેવી યોજનાઓ હાથ ધરવામાં આવી. આ સંસ્થા દ્વારા રેશમ-ઉત્પાદનના પ્રયોગો કરવામાં આવ્યા. તેમણે 5૦૦ નાના ખેડૂતોની સહકારી સોસાયટી દ્વારા ખાંડનું કારખાનું સ્થાપ્યું. આ સોસાયટી દ્વારા શાળાઓ બંધાવી, દવાખાનાં ખોલ્યાં, તથા સમાજસેવાનાં કાર્યો કર્યાં. આ ઉપરાંત મણિભાઈએ નિસર્ગોપચાર, પર્યાવરણ, લોકશિક્ષણ, વનીકરણ, ટેકનિકલ શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરી છે. તેમણે સરકારે આપેલી 58 હેક્ટર જમીનમાં, લઘુતમ માત્રામાં પાણી વાપરીને, દસ હજાર વૃક્ષો વૈજ્ઞાનિક રીતે ઉછેરવામાં સફળતા મેળવી હતી. તેમણે ગ્રામોદ્યોગ, અસ્પૃશ્યતા-નિવારણ, દારૂબંધી, ગોસંવર્ધન અને આદિવાસી સેવા જેવાં અનેક કાર્યો કર્યાં.
4૦૦થી વધુ ગાયોનાં મડદાં ચીરી, ગાયના શરીરની સંપૂર્ણ રચનાનો અભ્યાસ કરી તેઓ ગાયોના ધન્વંતરિ બન્યા. ગાંધીજીની વિચારસરણીના પરિવ્રાજક તરીકે તેમણે વિદેશોનો પ્રવાસ કર્યો છે. ભારતમાં દ્રાક્ષની વૈજ્ઞાનિક ખેતી દ્વારા તેમણે મબલખ પાક લણીને વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો.
મણિભાઈને ગ્રામોત્થાન તથા સમાજવિકાસ માટે ભારત સરકાર તરફથી 1968માં ‘પદ્મશ્રી’, મહારાષ્ટ્રની મહાત્મા ફૂલે કૃષિ વિદ્યાપીઠ તરફથી 1977માં ‘ડૉક્ટર ઑવ્ સાયન્સ’, 1982માં ફિલિપાઇન્સ તરફથી અપાતો ‘રૅમન મૅગ્સેસે ઍવૉર્ડ’ તથા ગાંધીજીની વિચારસરણી અનુસાર ગ્રામસેવા માટે ‘જી. જે. વાટુમલ મેમોરિયલ ઍવૉર્ડ’, 1983માં ગ્રામોન્નતિમાં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના વિનિયોગ અર્થે ‘જમનાલાલ બજાજ ઍવૉર્ડ’, 1984માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ‘ડૉક્ટર ઑવ્ લિટરેચર’ની ઉપાધિ, 1986માં બાયૉઍનર્જી ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી માટે બાયૉઍનર્જી સોસાયટી ઑવ્ ઇન્ડિયા તરફથી ‘મૅન ઑવ્ ધ ઇયર ઍવૉર્ડ’, 1988માં પશુપાલન અને ડેરીના સંદર્ભમાં ગ્રામવિકાસ માટે ‘વસંતરાવ નાયક ઍવૉર્ડ’ તથા 1989માં ગ્રામોન્નતિ માટે ‘વિશ્વગુર્જરી નૅશનલ ઍવૉર્ડ’ વગેરે સન્માન પ્રાપ્ત થયેલાં.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે