દેસાઈ, મગનભાઈ પ્રભુદાસ (જ. 11 ઑક્ટોબર 1899, ધર્મજ, જિ. ખેડા; અ. 1 ફેબ્રુઆરી 1969, અમદાવાદ) : ગાંધી વિચારધારાના પ્રખર હિમાયતી, શિક્ષણકાર અને પત્રકાર. જન્મ પાટીદાર કુટુંબમાં. તેમના પિતા પ્રભુદાસ નડિયાદની મ્યુનિસિપાલિટીમાં નોકરી કરતા હતા. તેમની માતા હીરાબહેન (સૂરજબહેન) તથા પિતા ધાર્મિક વૃત્તિનાં હતાં. મગનભાઈને માતાપિતાની ધર્મભાવના વારસામાં મળી હતી. નાની વયે તેમનું લગ્ન ડાહીબહેન સાથે થયું હતું.

મગનભાઈ પ્રભુદાસ દેસાઈ

મગનભાઈએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નડિયાદમાં લીધું. 1917માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષામાં તે ત્રીજે સ્થાને હતા. તેઓ બી.એ.નો અભ્યાસ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં કરતા હતા તે દરમિયાન ગાંધીજીના પ્રભાવ હેઠળ બી.એ.ની પરીક્ષા આપતાં પહેલાં અભ્યાસ છોડીને 1921માં અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા અને ત્યાંથી સ્નાતક થયા.

મગનભાઈએ બોરસદ વિનયમંદિરમાં શિક્ષક તરીકે, ગૂજરાત વિદ્યાપીઠના મહાવિદ્યાલયમાં ગણિતના ફેલો તરીકે, સાબરમતી સત્યાગ્રહ આશ્રમની રાષ્ટ્રીય શાળામાં શિક્ષક તરીકે તથા 1928થી ગૂજરાત વિદ્યાપીઠમાં ગણિતના અધ્યાપક તરીકે સેવાઓ આપી.

193૦માં સવિનય કાનૂનભંગની લડત વખતે મગનભાઈએ ખેડા, ભરૂચ અને સૂરત જિલ્લામાં લોકમત કેળવવાનું કામ કર્યું. જાન્યુઆરી, 1932માં બ્રિટિશ સરકારે ગૂજરાત વિદ્યાપીઠને ગેરકાનૂની જાહેર કરી અને મગનભાઈને જેલમાં પૂર્યા. એક વર્ષ (જાન્યુઆરી, 1935થી જાન્યુઆરી 1936) માટે જમનાલાલ બજાજની વિનંતીથી ગાંધીજીએ મગનભાઈને વર્ધા મહિલા આશ્રમના સંચાલન અને શિક્ષણ માટે મોકલ્યા હતા. 1936માં તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં પાછા આવ્યા અને ઑગસ્ટ, 1937થી 196૦ સુધી તેમણે ગૂજરાત વિદ્યાપીઠના મહામાત્ર તરીકે સેવા આપી.

ગાંધીજીના શિક્ષણ અંગેના વિચારોના પ્રચારાર્થે મગનભાઈએ ઑક્ટોબર, 1939માં ‘શિક્ષણ અને સાહિત્ય’ સામયિક શરૂ કર્યું. તેના તંત્રી તરીકે તે એપ્રિલ, 1961 સુધી રહ્યા. ‘હિંદ છોડો’ આંદોલનને લીધે 1942થી 1944ના સમયગાળા દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠની પ્રવૃત્તિઓ અટકી ગઈ હતી. મગનભાઈએ જેલમાંથી આ આંદોલન વખતે કૉંગ્રેસ દ્વારા આચરવામાં આવેલી ભાંગફોડની પ્રવૃત્તિની ટીકા કરી. પાછળથી ગાંધીજીએ પણ મગનભાઈએ કરેલી ટીકાને સમર્થન આપ્યું હતું. 1946થી 1953 સુધી મગનભાઈ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બૉર્ડના પ્રમુખ રહ્યા હતા. 1946માં તે નવજીવન ટ્રસ્ટના સભ્ય બન્યા. 1947માં તે ગૂજરાત વિદ્યાપીઠમાં નવા સ્થપાયેલા મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના આચાર્ય થયા.

સ્વતંત્રતાપ્રાપ્તિ પછી મગનભાઈએ ગાંધીવાદી મૂલ્યોને અનુલક્ષીને શિક્ષણ, ગૃહઉદ્યોગો, દારૂબંધી વગેરે ક્ષેત્રે ઝુંબેશ ચલાવી. પ્રાથમિક કક્ષાથી લઈને વિશ્વવિદ્યાલય સુધીનું શિક્ષણ માતૃભાષામાં જ આપવા પર તેમણે ભાર મૂક્યો હતો. 1952માં તેમને મુંબઈ રાજ્યની વિધાન પરિષદમાં સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમણે કિશોરલાલ મશરૂવાલા સાથે ‘હરિજન’ સામયિકોના સહતંત્રી તરીકે (માર્ચ, 1951થી ઑગસ્ટ, 1952) અને કિશોરલાલ મશરૂવાલાના અવસાન પછી (સપ્ટેમ્બર, 1952થી ફેબ્રુઆરી, 1956) તંત્રી તરીકે કામ કર્યું હતું. નવેમ્બર 1957માં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે તેમની વરણી થઈ હતી; પરંતુ 196૦માં તેમણે રાજીનામું આપ્યું, તેમ છતાં પાછળથી થોડાંક વર્ષ (1963, 1965–66) તેઓ યુનિવર્સિટીની વિનયન શાખાના વડા રહ્યા હતા. 1921થી ગૂજરાત વિદ્યાપીઠ સાથે મગનભાઈ સંકળાયેલા હોવા છતાં સાથીઓ અને ટ્રસ્ટીઓ સાથે સૈદ્ધાંતિક મતભેદ થતાં તેમણે જૂન, 1961માં તેમાંથી સેવક તરીકે રાજીનામું આપ્યું.

ગાંધી વિચારધારાના પ્રખર હિમાયતી અને શિક્ષણકાર તરીકે મગનભાઈ ગુજરાત યુનિવર્સિટી, ગૂજરાત વિદ્યાપીઠ, ખાદી અને ગ્રામોદ્યોગ, રાષ્ટ્રભાષા, દારૂબંધી, સર્વોદય, પ્રૌઢશિક્ષણ, રાજ્યભાષા પંચ, ગાંધીજીનો અક્ષરદેહ, સ્વાતંત્ર્યસંગ્રામના ઇતિહાસની સાધનસામગ્રી વગેરેને લગતી લગભગ 35 જેટલી સમિતિઓ સાથે  જોડાયેલા હતા. તેમણે શિક્ષણ, સંસ્કૃતિ, ઇતિહાસ, ગાંધીદર્શન, ધર્મ, રાજકારણ, અર્થકારણ, સમાજશાસ્ત્ર વગેરે વિવિધ વિષયો પર લેખો તથા પુસ્તકો લખ્યાં હતાં. તેમણે કેટલાંક પુસ્તકોનો અનુવાદ તેમજ સટીક અનુવાદ કર્યો હતો. તેઓ ઉત્તમ કક્ષાના પત્રકાર હતા. ગૂજરાત વિદ્યાપીઠ છોડ્યા પછી ઑગસ્ટ, 1961થી તેમના અવસાનના સમય સુધી તેઓ ‘સત્યાગ્રહ’ અઠવાડિકના તંત્રી રહ્યા હતા.

મગનભાઈએ લખેલાં પુસ્તકોમાં ‘દારૂનિષેધ અને સ્વરાજ’ (193૦), ‘સત્યાગ્રહની મીમાંસા’ (1934), ‘હિંદની અંગ્રેજ વેપારશાહી’ (1946), ‘અંગ્રેજી અને સાંસ્કૃતિક સ્વરાજ’ (1957), ‘રાજા રામમોહન રાયથી ગાંધીજી’ (1957), ‘મેકૉલે કે ગાંધી ?’ (196૦), ‘ગાંધીજીનો જીવનમાર્ગ’ (1966) જેવાં ઘણાં પુસ્તકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે અનુવાદ કરેલાં કેટલાંક પુસ્તકોમાં ‘સુખમની’ (1936), ‘અપંગની પ્રતિભા’ (1936), ‘જપજી’ (1938), ‘જેકિલ અને હાઈડ’ (1938), ‘જગતનો આવતી કાલનો પુરુષ’ (1939), ‘કલા એટલે શું ?’ (1945) વગેરેનો સમાવેશ થાય છે. સાથે ગુજરાતી જોડણીકોશની પાંચમી આવૃત્તિ (1967) તૈયાર કરવામાં તેમણે મહત્વનો ફાળો આપ્યો હતો. તેમણે ઉપનિષદો પર પણ ટીકા લખી હતી. તે ઉપરાંત તેમણે ભાષાનો પ્રશ્ન, આર્થિક આયોજન, ભાષા અને શિક્ષણ, વસ્તીનિયંત્રણ વગેરે વિષયો પર અંગ્રેજીમાં પુસ્તકો લખ્યાં હતાં.

ર. લ. રાવળ