દેસાઈ, જયા (જ. 2 એપ્રિલ 1933, ધર્મજ; અ. 23 ડિસેમ્બર 2010, લંડન) : ઇંગ્લૅન્ડના ગુજરાત મૂળનાં પ્રખ્યાત મજૂર સંગઠન નેતા.
તેમણે યુ.કે.ની ગ્રુનવિક ફૅક્ટરીમાં કામદારો સાથે થતા વંશીય ભેદભાવ અને પગારની અસમાનતા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. બે વર્ષ સુધી ચાલેલી લડતને કારણે તેઓ બ્રિટનમાં પ્રસિદ્ધિ પામ્યાં.
22 વર્ષની ઉંમરે સૂર્યકાંત સાથે લગ્ન થયાં. જેઓ ફૅક્ટરીના માલિક હતા. 1956માં પૂર્વ આફ્રિકાના તાન્ઝાનિયામા ગયાં. નવા સ્વતંત્ર થયેલા પૂર્વ આફ્રિકાના દેશોની નીતિઓને કારણે ઘણા બધા લોકો બ્રિટનમાં સ્થળાંતરિત થયા. 1967માં જયાબહેન તેમના પરિવાર સાથે બ્રિટનમાં આવ્યાં. તેમણે સીવણ મશીન કામદાર તરીકે કામ શરૂ કર્યું. પછી તેમણે ગ્રુનવિક ફિલ્મ પ્રોસેસિંગ લૅબોરેટરીમાં કામ કર્યું. ગ્રુનવિકમાં એશિયન દેશોની મહિલાઓને કામદાર તરીકે ભરતી કરવામાં આવતી હતી. તેમને ઓછો પગાર આપવામાં આવતો હતો. ભારે મજૂરી કરવાનું કામ આપવામાં આવતું. તેમને રેસ્ટરૂમમાં જવું હોય તોપણ પરવાનગી લેવી પડતી. ઇચ્છા ન હોય તોપણ ફરજિયાત ઓવરટાઇમ કરાવવામાં આવતો હતો.
20 ઑગસ્ટ, 1976ના રોજ જયાબહેનને ઓવરટાઇમ કરવાની અગાઉથી જણાવ્યા વગર સૂચના આપી તેથી તેમણે ઓવરટાઇમ કરવાની ના પાડી અને તેમના પુત્ર સુનિલ સાથે નીકળી ગયાં. તેમણે મૅનેજરને કહ્યું કે આ ફૅક્ટરી નથી, પ્રાણીસંગ્રહાલય છે. અહીં કેટલાક વાંદરાઓ છે જે તમારી આંગળીના ટેરવે નાચે છે, બાકી સિંહો છે. અમે સિંહ છીએ.
મૅનેજર સાથે થયેલી બોલાચાલી કામદારોમાં ફેલાઈ ગઈ. થોડા દિવસોમાં વિરોધ કરતા કામદારો ધરણા ઉપર બેઠા અને પ્લેકાર્ડમાં લખ્યું હતું – ‘ગ્રુનવિક પ્રાણીસંગ્રહાલય છે.’ યુનિયનને મંજૂરી નહોતી. શ્વેત મૅનેજમેન્ટ ધમકીઓ અને અપમાનથી કામદારોને દબાવતા હતા.
જયાબહેનનો પુત્ર સુનિલ મજૂર પક્ષના આગેવાન જેક ડ્રોમીને મળ્યો. તેમણે એપેક્સ યુનિયન સાથે સંપર્ક કરાવ્યો. એપેક્સે હડતાળને ટેકો આપ્યો આથી કામદારોને હડતાળનો પગાર અને કાયદાકીય સલાહ પણ મળ્યાં. એક વર્ષ પૂરું થતાં 20,000થી વધુ લોકો હડતાળના સમર્થનમાં આવ્યા. સામૂહિક ધરણાં રોકવા માટે પોલીસે ધરપકડ શરૂ કરી. તત્કાલીન વડાપ્રધાને સમાધાન માટે લૉર્ડ જસ્ટિસ સ્કારમૅનની નિમણૂક કરી. ન્યાયાધીશે હડતાળને વાજબી ઠેરવી. યુનિયનને માન્યતા આપવાની ભલામણ કરી. બરતરફ કરાયેલા કામદારોને પુનઃ નોકરીમાં લેવા કહ્યું, પણ ફૅક્ટરીમાલિકે અહેવાલને અવગણ્યો. યુનિયનોએ પીછેહઠ કરતાં હડતાળ સમેટવી પડી.
એ પછી જયાબહેને બીજે નોકરી કરી અને પછી હેરો કૉલેજમાં અધ્યાપન કર્યું. તેમણે 60 વર્ષની ઉંમરે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી.
જયાબહેને કામદારોની સ્વતંત્રતા માટે શરૂ કરેલ હડતાળની નોંધ પૂરા બ્રિટનમાં લેવામાં આવી. 14 ડિસેમ્બર, 2016ના રોજ બીબીસી રેડિયો ફોરના વુમન્સ અવર દ્વારા 2016ના પાવર લિસ્ટમાં તેમની પસંદગી કરવામાં આવી હતી. ડેવિડ મેન્સેલે તૈયાર કરેલ જયાબહેનનું પૉર્ટ્રેટ 2017માં નૅશનલ પૉર્ટ્રેટ ગૅલરી, લંડને ખરીદ્યું. 2017માં જયાબહેન અને સાથી કામદારોની હડતાળ પર આધારિત નાટક ‘વી આર ધ લાયન્સ મિસ્ટર મૅનેજર’ ટાઉનસેન્ડ થિયેટર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ નાટક નીલ ગોર દ્વારા લખવામાં આવ્યું હતું. યુનિવર્સિટી ઑફ લિંકનના ડૉ. સુંદરી અનિથા અને યુનિવર્સિટી ઑફ લીડ્સના પ્રો. રુથ પિયર્સન દ્વારા જયાબહેન વિશે એક કૉમિક સ્ટ્રીપ બનાવવામાં આવી. 2021માં બ્રિટિશ ભારતીય ફિલ્મનિર્માતાએ જયાબહેન અને ગ્રુનવિક હડતાળ અંગે ટૂંકી ડૉક્યુમેન્ટરી બનાવી હતી. આ ડૉક્યુમેન્ટરી યૂ-ટ્યૂબ પર 7 ફેબ્રુઆરી, 2021ના રોજ ‘સ્ટ્રાઇકર્સ ઇન સારીસ’ નામે પ્રસારિત કરવામાં આવી હતી.
કામદારોના અધિકારો માટે લડત ચલાવી જાગૃતિ લાવવા માટે 2007માં GMB જનરલ ટ્રેડ યુનિયન દ્વારા જયાબહેનને સુવર્ણચંદ્રકથી સન્માનવામાં આવ્યાં હતાં.
અનિલ રાવલ
