દેસાઈ, જયંત (જ. 1909, સૂરત; અ. 1976) : હિન્દી ચલચિત્રોના ગુજરાતી દિગ્દર્શક. પિતા ઝીણાભાઈ. સૂરતમાં ચલચિત્રપ્રદર્શક તરીકે એમણે ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. રંગૂનની લંડન ફિલ્મ્સ તથા કૃષ્ણ સ્ટુડિયો અને શારદા સ્ટુડિયો માટે પટકથાઓ લખી. 1929માં ‘રજપૂતાણી’ના નિર્માણમાં ચંદુલાલ શાહના સહાયક થયા. 1930માં નંદલાલ જશવંતલાલના ‘પહાડી કન્યા’ના દિગ્દર્શન સાથે એમણે નવા ક્ષેત્રમાં સફળ યાત્રા આરંભી. 1943 સુધી રણજિત સંસ્થા માટે પ્રમુખ કાર્યકર્તા રહ્યા. સ્વતંત્ર નિર્માણ તથા જ્યુપિટર સ્ટુડિયો માટે કાર્ય કરી 1943માં જ જયંત દેસાઈ પ્રોડક્શન્સ તથા હેમલતા પિક્ચર્સની સ્થાપના કરી. ચલચિત્રપ્રદર્શક અને વિતરક તરીકે પણ ક્ષેત્ર વિસ્તાર્યું (હિંદમાતા ટૉકીઝ, સ્ટાર થિયેટર, મુંબઈ). કુન્દનલાલ સાયગલનાં અંતિમ ચલચિત્રોનું દિગ્દર્શન તેમણે કર્યું. અભિનેત્રી નલિની જયવંત સાથેનું તેમનું લગ્ન લાંબું ટક્યું નહિ. પ્રમુખ ચલચિત્રો : ‘પહાડી ક્ધયા’, ‘જવાંમર્દ’ (1930), ‘લાલ સવાર’, ‘ભૂતિયા મહલ’ (1932), ‘ભોલા શિકાર’, ‘કૃષ્ણ સુદામા’ (1933), ‘સિતમગર’, ‘તૂફાનમેલ’, ‘વીર બભ્રુવાહન’ (1934), ‘મતલબી દુનિયા’, ‘રાજરમણી’, ‘રંગીલા રાજા’ (1936), ‘સંત તુલસીદાસ’ (1939), ‘આજ કા હિન્દુસ્તાન’ (1940), ‘તાનસેન’ (1943), ‘સમ્રાટ ચંદ્રગુપ્ત’, ‘તદ્બીર’ (1945), ‘હર હર મહાદેવ’ (1950), ‘દશાવતાર’ (1951), ‘શિવશક્તિ’ (1952), ‘હઝાર રાતેં’, ‘મનચલા’, ‘નયા રાસ્તા’ (1953), ‘શિવરાત્રિ’, ‘મિસ માલા’ (1954), ‘સતી મદાલસા’ (1955), ‘વસંતપંચમી’ (1956), ‘લક્ષ્મીપૂજા’ (1957), ‘જમાના બદલ ગયા’ (1961).

બંસીધર શુક્લ