દેસાઈ, ઝિયાઉદ્દીન અબ્દુલહૈ

March, 2016

દેસાઈ, ઝિયાઉદ્દીન અબ્દુલહૈ (જ. 18 મે 1925, ધંધૂકા, જિ. અમદાવાદ; અ. 24 માર્ચ 2002) : નિવૃત્ત નિયામક, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, દિલ્હી. અરબી, ફારસી અને ઉર્દૂના લેખક, સંશોધક અને ઇતિહાસવિદ. પિતા શિક્ષક. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ધંધૂકામાં.

અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી 1946માં ફારસી મુખ્ય વિષય સાથે બી.એ.(ઑનર્સ)ની પરીક્ષા મુંબઈ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન મેળવી પાસ કરી અને આર. એચ. મોદી પ્રાઇઝમૅન બન્યા. ગુજરાત કૉલેજમાં ફેલો તરીકે નિમાયા. 1948માં તે જ વિષયમાં એમ. એ. પણ પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાને આવી પાસ થયા અને ચાન્સેલર મેડલ તથા જાફર કાસમ મોસા સુવર્ણચંદ્રક મેળવ્યા.

કૉલેજકાળ દરમિયાન તેમના વિદ્વાન પ્રાધ્યાપક મોહમ્મદ ઇબ્રાહીમ દારના માર્ગદર્શનથી સંશોધન તરફ રુચિ વધી. અનુસ્નાતક અભ્યાસ દરમિયાન વ્યાખ્યાતા બનવાની તક મળી. 1958માં ફારસી ભાષાના અભ્યાસ માટે ઈરાન ગયા. 1959માં તેહરાન યુનિવર્સિટીની ડી. લિટ્.ની ઉપાધિ માન સાથે પ્રાપ્ત કરી. વિષય હતો ‘‘અકબરનો દરબારી કવિ ફૈઝી : તેના મસ્નવી કાવ્ય –‘નલદમન’ના ખાસ સંદર્ભ સાથે’’.

મુંબઈ અને રાજકોટની કૉલેજોમાં થોડો સમય અધ્યાપક રહ્યા પછી 1953માં ‘આર્કિયૉલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા’ની અભિલેખવિદ્યા (epigraphy) શાખામાં જોડાયા. ઇતિહાસ, અભિલેખવિદ્યા અને લિપિવિજ્ઞાનમાં ઊંડો રસ ધરાવતા હોવાથી તેમની નિષ્ઠા અને સજ્જતાને લીધે નિયામકના ઉચ્ચ હોદ્દા ઉપર પહોંચેલા અને ત્યાંથી 1983માં નિવૃત્ત થયેલા.

અનેક દેશોમાંથી ફારસી અને અરબી ભાષાના અભિલેખો મેળવી, ઐતિહાસિક સંદર્ભો પ્રસ્થાપિત કરી તેમને પ્રસિદ્ધ કરવામાં ઝિયાઉદ્દીન દેસાઈએ ભારે જહેમત ઉઠાવેલી. સંસ્થાના સામયિક ‘એપિગ્રાફિયા ઇન્ડિકા’નું સંપાદન વર્ષો સુધી કરેલું. તેમાં સંશોધનને ઉપકારક અગત્યની માહિતી પ્રસિદ્ધ કરવાનું પ્રશંસાપાત્ર કામ કર્યું તે તેમણે કરેલી ઇતિહાસક્ષેત્રે મહત્વની સેવા ગણાઈ છે.

1982માં ‘એપિગ્રાફિકલ સોસાયટી ઑવ્ ઇન્ડિયા’ તરફથી સર્ટિફિકેટ ઑવ્ ઑનર; 1983માં ફારસી સ્કૉલરો માટેનો ‘પ્રેસિડન્ટ્સ ઍવૉર્ડ’, 1984માં ‘ડૉ. એલ.પી ટેસિટોરી ગોલ્ડ મેડલ’; 1993માં ‘સર જદુનાથ સરકાર સુવર્ણચંદ્રક’; 1993માં ‘સંસ્કાર ઍવૉર્ડ’; 1995માં ‘ગુજરાત ઉર્દૂ એકૅડેમી ઍવૉર્ડ’ ઇત્યાદિ અનેક પુરસ્કારોથી દેસાઈનું સન્માન થયેલું છે.

ફારસીના અધ્યાપક, ફારસી અને અરબી પુરાલેખના નિષ્ણાત અને ‘ઇન્ડિયન કાઉન્સિલ ફૉર હિસ્ટૉરિકલ રિસર્ચ’, નવી દિલ્હીના વરિષ્ઠ સભ્ય ઉપરાંત ‘એપિગ્રાફિયા ઇન્ડિકા : અરૅબિક ઍન્ડ પર્શિયન સપ્લિમેન્ટ’ ના તંત્રી તરીકે, ‘ઇન્ડો-ઈરાનિકા’ અને ‘ઇસ્લામિક કલ્ચર’ના સલાહકાર જેવી વિવિધ સેવાઓ તેમણે બજાવી છે. રાષ્ટ્રીય સંગ્રહસ્થાન, રાષ્ટ્રીય દફતરસંગ્રહ, મહારાષ્ટ્ર રાજ્ય ઉર્દૂ એકૅડેમી, ગુજરાત રાજ્ય સંગ્રહસ્થાન સમિતિ અને ‘ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી’, દિલ્હી વગેરેમાં વિવિધ હોદ્દાઓ પર રહીને ઉપયોગી સેવા બજાવેલી છે.

પરિષદોમાં હાજરી આપવા તેમણે અનેક વાર વિદેશનો પ્રવાસ કરેલો. પાકિસ્તાન, બાંગ્લાદેશ, રશિયા, તાશ્કંદ, દોશબ્બા, આઝરબાયજાન, જ્યૉર્જિયા, ઈરાન, અમેરિકા, ઇંગ્લૅન્ડ વગેરે દેશોમાં એમણે પરિસંવાદમાં ભાગ લીધેલો. અમેરિકાની મિનેસોટા યુનિવર્સિટીમાં પ્રવચન, આયોવા યુનિવર્સિટીમાં સૂચિપત્ર તૈયાર કરવાનું અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં પરિસંવાદમાં ભાગ લઈ ફતેહપુર સિક્રી અંગે પોતાનું મંતવ્ય રજૂ કરવાનું કાર્ય કર્યું હતું.

ઈરાન સોસાયટી, ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસ, ગુજરાત ઇતિહાસ પરિષદ, એપિગ્રાફિકલ સોસાયટી ઑવ્ ઇન્ડિયા વગેરે સંસ્થાઓના તેઓ આજીવન સભ્ય હતા. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની પરિષદો કે પરિસંવાદોમાં વિભાગીય પ્રમુખ તરીકે તેઓ વરાયા હતા.

ફારસી સાહિત્ય, મધ્યકાલીન ભારતીય ઇતિહાસ, કલા, સ્થાપત્ય, અભિલેખ-વિદ્યા, સિક્કાશાસ્ત્ર, ઉર્દૂ ભાષા અને સાહિત્ય વગેરે વિષયોને લગતા તેમના 300 જેટલા  લેખો પ્રસિદ્ધ સામયિકોમાં મુદ્રિત થયેલા છે. અંગ્રેજી, ઉર્દૂ અને ગુજરાતી – એ ત્રણેય ભાષાઓમાં લખવાની એમને એકસરખી ફાવટ હતી.

દેસાઈનાં મહત્વનાં પુસ્તકોમાં ‘મૉસ્ક્સ ઑવ્ ઇન્ડિયા’, ‘ઇન્ડો- ઇસ્લામિક આર્કિટેક્ચર’, ‘સેન્ટર્સ ઑવ્ ઇસ્લામિક લર્નિંગ ઇન ઇન્ડિયા’, ‘પર્સો-એરૅબિક એપિગ્રાફી ઑવ્ ગુજરાત’, ‘લાઇફ ઍન્ડ વર્કસ ઑવ્ ફૈઝી’, ‘દફતરવિદ્યા’, ‘પર્શિયન ઍન્ડ અરૅબિક ઇન્સ્ક્રિપ્શન્સ ફ્રૉમ ધ મ્યુઝિયમ્સ ઑવ્ ગુજરાત સ્ટેટ’, ‘તાજમહાલ’ (એચ. કે. હૉલ સાથે), ‘ઇનાયતખાન્સ શાહજહાં’ નામે અંગ્રેજીમાં કરેલો અનુવાદ, ‘મૉન્યુમેન્ટલ ઇસ્લામિક કૅલિગ્રાફી ઑવ્ ઇન્ડિયા’ (સહલેખક), ‘એ ટૉપોગ્રાફિકલ લિસ્ટ ઑવ્ અરૅબિક, પર્શિયન ઍન્ડ ઉર્દૂ ઇન્સ્ક્રિપ્શન્સ ઑવ્ સાઉથ ઇન્ડિયા’, ‘ફતેહપુર સિક્રી’, ‘તાજમહાલ : ઍન ઇલ્યૂમિન્ડ ટૂમ્બ’ (સહલેખક બેગલે), ‘ઝખીરતુલ ખ્વાનીન’ (અનુવાદ) વગેરેનો સમાવેશ થાય છે. ‘હિસ્ટરી ઑવ્ ડેક્કન’ વૉલ્યુમ બેમાં અભિલેખવિદ્યા અને સ્થાપત્ય વિશે તથા ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ખંડ 5 અને 6 માં અભિલેખવિદ્યા અને મુદ્રાશાસ્ત્ર વિશે એમનાં લખાણો પ્રસિદ્ધ થયેલાં છે.

મોહિયુદ્દીન બોમ્બેવાલા