દેસાઈ, ગોવિંદભાઈ હાથીભાઈ (જ. 9 નવેમ્બર 1864; અ.) : ગાયકવાડ સરકારના સંનિષ્ઠ અધિકારી અને ઇતિહાસલેખક. તેઓ ચરોતરના લેઉઆ પાટીદાર હતા. પ્રાથમિક શિક્ષણ નડિયાદ તાલુકાના આંકલાવ ગામે અને માધ્યમિક શિક્ષણ નડિયાદમાં લીધું હતું. ઉચ્ચ શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં મેળવીને 1886માં બી.એ. અને 1888માં એલએલ.બી.ની પદવીઓ સંપાદન કરી. બીજે જ વર્ષે વડોદરા રાજ્યમાં મુન્સફ તરીકે જોડાયા અને ક્રમશ: વિવિધ હોદ્દાઓ સંભાળતાં છેલ્લે રાજ્યના નાયબ દીવાન તરીકે વહીવટ સંભાળ્યો.
સતત ચાલીસ વર્ષ સુધી એમણે વડોદરા રાજ્યમાં વહીવટી સેવાઓ આપીને રાજ્યના વિકાસમાં યથાશક્તિ યોગદાન આપ્યું. સરકારે એમને ‘રાવબહાદુર’નો ખિતાબ આપ્યો હતો. વડોદરા એમની કર્મભૂમિ બની રહી. રાજ્યની જવાબદારી સંભાળવાની સાથે એમણે નવરાશના સમયમાં લેખનપ્રવૃત્તિ ચાલુ રાખી, જેના પરિણામે તેમણે ગુજરાતી ભાષાને અઢાર જેટલા ગ્રંથોથી સમૃદ્ધ કરી : ‘બેંજામિન-ફ્રૅન્કલિનનું જીવનચરિત’ (1894), ‘ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ’ (1896), ‘ગુજરાતનો અર્વાચીન ઇતિહાસ’ (1897), ‘જિંદગીનું સાફલ્ય’ (1898), ‘નીતિશાસ્ત્રનાં મૂળતત્વો’ ભાગ 1 અને 2 (1901–2), ‘ઘરમાં રમવાની રમતો’ (1902), ‘વડોદરા રાજ્ય સર્વસંગ્રહ’ ભાગ 1થી 4 (1917–18) વગેરે. આમાં ગુજરાતના ઇતિહાસના ગ્રંથો અને સર્વસંગ્રહના ગ્રંથો એમનું ચિરંજીવ પ્રદાન ગણાય છે.
રસેશ જમીનદાર