દેસાઈ, ગોપાળદાસ અંબાઈદાસ; દરબાર

March, 2016

દેસાઈ, ગોપાળદાસ અંબાઈદાસ; દરબાર (જ. 19 ડિસેમ્બર 1887, વસો, તા. નડિયાદ; અ. 5 ડિસેમ્બર 1951, રાજકોટ) : ગુજરાતના અગ્રણી સ્વાતંત્ર્ય-સૈનિક તથા પ્રગતિશીલ રાજવી. મોસાળ વસોમાં દત્તક લેવાયા. નાનાના અવસાન પછી તેઓ ઢસા, રાયસાંકળી તથા વસોની જાગીરના માલિક બન્યા. તેમનાં પ્રથમ પત્ની ચંચળબાના અવસાન બાદ લીંબડીના દીવાન ઝવેરભાઈ નાથાભાઈ દેસાઈની પુત્રી ભક્તિબા સાથે 1912માં તેમનાં લગ્ન થયાં હતાં.

ગોપાળદાસ અંબાઈદાસ દેસાઈ

ગોપાળદાસને આદર્શ રાજવી બનાવવામાં અને ઉમદા સંસ્કાર આપવામાં જાણીતા કેળવણીકાર તથા સમાજસુધારક મોતીભાઈ અમીનનો ફાળો મહત્ત્વનો હતો. રાજકુમાર થયા કે તરત જ રાજાઓ માટેની શિક્ષણસંસ્થા ‘ગરાસિયા કૉલેજ, વઢવાણ કૅમ્પ’માં તેઓ દાખલ થયા. ત્યાં સ્વદેશી વસ્તુઓ વાપરવાના આગ્રહને લીધે પ્રિન્સિપાલ સ્પ્રીટ સાથે સંઘર્ષ થયો. તેમનું માધ્યમિક શિક્ષણ તથા કૉલેજ-શિક્ષણ વડોદરા ખાતે થયું હતું. 1911માં જાગીરના માલિક બન્યા તે ટાણે તેમને કૉલેજ- શિક્ષણ અધવચ્ચે છોડવું પડ્યું હતું.

વડોદરા કૉલેજમાં અભ્યાસ કરતા હતા (1907–1911) ત્યારે શ્રી અરવિંદના પરિચયમાં આવેલા. તેઓ ‘ફ્રીમેસન’ નામની સંસ્થાના સભ્ય પણ હતા, છતાં તેમણે ભારતીય સંસ્કાર અને ખમીર છોડ્યાં ન હતાં. ગાંધીજીના વિચારોની તેમના પર ઊંડી છાપ પડી હતી, જેને પરિણામે તેઓ રાજવીમાંથી પ્રખર રાષ્ટ્રવાદી બન્યા હતા.

પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન બ્રિટિશ સરકારે ભારતના દરેક રાજવી પાસેથી યુદ્ધ માટેનો ફાળો ફરજિયાત ધોરણે ઉઘરાવ્યો હતો જે આપવાની ગોપાળદાસે ના પાડી હતી. 1919માં રોલેટ ઍક્ટ સામે તેમની જાગીરમાં હડતાળ પડી હતી.

ઢસા અને રાયસાંકળીના તાલુકદાર તરીકે વહીવટ કરતા હતા ત્યારે ચાલીસ હજારની આવક જતી કરીને 1921માં ગાંધીજીની હાકલને માન આપી ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામમાં ઝુકાવનાર તેઓ એકમાત્ર રાજવી હતા. તેઓ પોતાના જમાનાની ર્દષ્ટિએ પ્રગતિશીલ, બાહોશ, હિંમતવાન અને પ્રજાવત્સલ રાજવી હતા.

તેમણે ગણોતનિયંત્રણ, ખેડે તેની જમીન, વેઠનાબૂદી વગેરે સુધારાઓનું અમલીકરણ કર્યું હતું, ખેડૂતોનાં દેવાં માફ કર્યાં હતાં; પોતાના નાનકડા તાલુકામાં મફત પ્રાથમિક શાળાઓ શરૂ કરી હતી. 1915માં વસોમાં મૉન્ટેસોરી પદ્ધતિનું બાલમંદિર શરૂ કરવામાં દરબારસાહેબે અગત્યની ભૂમિકા ભજવી હતી. નડિયાદમાં વિઠ્ઠલ કન્યાવિદ્યાલય તથા રાજકોટમાં વલ્લભ કન્યાવિદ્યાલયની સ્થાપનામાં પણ તેમણે પહેલ કરી હતી.

તેઓ સમાજસુધારક, ક્રાંતિકારી નેતા, ત્યાગમૂર્તિ તેમજ પ્રજાસેવક હતા. 1910થી 1922 સુધીમાં મોતીભાઈ અમીનના પ્રયાસોથી વસોમાં તેમણે કરેલાં કાર્યો બીજાં રાજ્યો માટે આદર્શરૂપ હતાં.

અસ્પૃશ્યતાનિવારણની ગાંધીજીની ઝુંબેશને તેમણે સ્વીકારી હતી. તે વખતે એજન્સીમાં શિક્ષણવિભાગના વડા કવિ શ્રી ન્હાનાલાલના પ્રમુખપદે, એમણે 1920માં અંત્યજ પરિષદ ભરી હતી. આ પરિષદમાં હાજરી આપવા ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકર, નરહરિભાઈ પરીખ અને મગનલાલ ગાંધીને મોકલ્યા હતા. પાટીદાર કોમમાં ગોળપદ્ધતિ, પૈઠણ, પડદાપદ્ધતિ, બાળલગ્ન, વૈધવ્ય જેવા કુરિવાજોને દૂર કરવા માટે પણ તેમણે ઝુંબેશ ચલાવેલી.

ગાંધીજીએ વઢવાણની જાહેર સભામાં ટિળક સ્વરાજ ફાળા માટે ટહેલ નાખી ત્યારે તાલુકદાર હોવા છતાં તેઓ હિંમતથી સભામાં હાજર રહ્યા અને ગાંધીજીની ઝોળીમાં રત્નજડિત સોનાનો કીમતી તોડો નાખ્યો. ગાંધીજીએ તેમને બોલાવી શાબાશી આપી. આમ ગુલામીના પ્રતીક સમાન તોડો નાખી તેમણે બ્રિટિશ સરકારની વફાદારી પણ ફગાવી દીધી. એક વાર મુંબઈના તે વખતના ગવર્નર રાજકોટ ગયા ત્યારે દરબારસાહેબ તેમને મળવા ગયા નહિ. તેમણે નિર્ભયપણે જણાવ્યું કે ખેડા જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખની રજા વિના તેઓ આવી શકશે નહિ અને આવે તોપણ ખાદીનાં કપડાંમાં આવશે અને ગાંધીજીની ન્યાયી માંગણી ન સ્વીકારવા બદલ બ્રિટિશ સરકારની ટીકા કરશે. તેમનું આવું વર્તન સરકારને અપમાનજનક લાગ્યું અને 17મી જુલાઈ, 1922ના રોજ તેમની જાગીર જપ્ત કરવાનો હુકમ કર્યો. દરબારસાહેબ ત્યારથી તાલુકદાર મટીને આઝાદીની લડતમાં પૂર્ણ સમયના સૈનિક બની ગયા.

દરબારસાહેબે સ્વરાજસંગ્રામનાં બધાં આંદોલનોમાં તથા ગાંધીજી અને સરદાર પટેલની રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. 1923નો નાગપુર ઝંડા સત્યાગ્રહ, 1924નો બોરસદ સત્યાગ્રહ, 1927નું ગુજરાતનું રેલસંકટ, 1928નો બારડોલી સત્યાગ્રહ, 1930ની સવિનય કાનૂનભંગની ચળવળ, 1934માં પ્લેગ-ઉપદ્રવ, 1940નો વ્યક્તિગત સત્યાગ્રહ, 1942ની ‘હિંદ છોડો’ લડત – આ બધાંમાં દરબારશ્રી અને ભક્તિબા મોખરે રહ્યાં હતાં. લીંબડી અને રાજકોટ સત્યાગ્રહમાં પણ તેમણે ભાગ લીધો હતો. જેલવાસ દરમિયાન આદર્શ કેદી તરીકે તેમણે નામના મેળવી હતી. દરબારશ્રી ખાદી, ગ્રામોદ્યોગ, અસ્પૃશ્યતાનિવારણ, સ્ત્રીશિક્ષણ, આંતરજાતીય વિવાહ, હુન્નર-તાલીમ, કોમી એકતા જેવા ગાંધીજીના આદર્શોના અમલીકરણ માટે સદા જાગ્રત હતા. ગાંધીજીએ જ તેમને ‘દરબાર’નું બિરુદ આપેલું. ભક્તિબા પણ મીઠુબહેન પીટીટ, કસ્તૂરબા ગાંધી, મણિબહેન પટેલ અને શારદાબહેન મહેતાની સાથે સ્ત્રીઉદ્ધારની પ્રવૃત્તિઓમાં તેમજ સ્વાતંત્ર્યની લડતમાં અગ્રેસર હતાં. તેમણે મણિબહેન પટેલ સાથે મળી ભગિની પરિષદો ભરી હતી.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં એમણે પ્રાણ પૂર્યા હતા. તેઓ બોરસદ નગરપાલિકા અને ખેડા જિલ્લા લોકલ બોર્ડના પ્રમુખ હતા. તેઓ ભારતની બંધારણ સભાના સભ્ય પણ હતા. વડોદરા રાજ્ય પ્રજામંડળ તથા કાઠિયાવાડ રાજકીય પરિષદનાં પ્રમુખપદ તેમણે શોભાવ્યાં હતાં. 1938માં હરિપુરા કૉંગ્રેસના અધિવેશન વખતે સ્વાગત સમિતિના અધ્યક્ષ હતા. તે વખતનું તેમનું ટૂંકું પ્રવચન ગાંધીજીએ પણ વખાણ્યું હતું.

આઝાદી પૂર્વે ગુજરાતમાંની દેશી રિયાસતોમાં પ્રજામંડળોની ચળવળમાં ગોપાળદાસે અગત્યનો ભાગ ભજવ્યો હતો. આઝાદી પછી ભારતીય સંઘમાં દેશી રિયાસતોના વિલીનીકરણમાં પણ તેમણે તેમની વગનો ઉપયોગ કર્યો, જેને પરિણામે સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ હતી. જૂનાગઢના નવાબે ભારતીય સંઘમાં જોડાવાની ના પાડી ત્યારે તેમની સામે આરઝી હકૂમતની સ્થાપનામાં દરબાર ગોપાળદાસે અગ્રણી ભૂમિકા ભજવી હતી.

સ્વરાજ્યના ઉષ:કાળે 1947ના મે માસમાં એમને એમનો તાલુકો પાછો સોંપવા મુંબઈના મુખ્યપ્રધાન બાળાસાહેબ ખેર જાતે ઉપસ્થિત રહ્યા હતા.

મંગુભાઈ રા. પટેલ