દેસાઈ, ચંદુલાલ મણિલાલ

March, 2016

દેસાઈ, ચંદુલાલ મણિલાલ (જ. 26 સપ્ટેમ્બર 1882, અમદાવાદ; અ. 30 ઑગસ્ટ 1968, ભરૂચ) : સ્વાતંત્ર્યસૈનિક, સમાજસેવક, ગાંધીજીના અનુયાયી, પત્રકાર અને કવિ. તેમના પિતા મણિલાલ પાલનપુર રાજ્યના ચીફ મેડિકલ ઑફિસર હતા. માતા ધનલક્ષ્મી ધાર્મિક વૃત્તિ ધરાવતાં. ચંદુલાલે પ્રાથમિક શિક્ષણ પાલનપુર તથા અમદાવાદમાં લીધું. 1906માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરીને અમદાવાદની ગુજરાત કૉલેજમાં જોડાયા. આ દરમિયાન ‘વિધવા’ નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો. 1902માં અમદાવાદમાં ભરાયેલ કૉંગ્રેસના અધિવેશનમાં તેમણે સ્વયંસેવક તરીકે ફરજ બજાવી. તેમનાં લગ્ન ચંદ્રમણિબહેન સાથે થયાં અને ચારેક વર્ષમાં પ્લેગના રોગથી પત્નીનું અવસાન થયું. ચંદુલાલે પુનર્લગ્ન નહિ કરવાનો નિર્ણય કર્યો. ટિળક અને અરવિંદ ઘોષનાં લખાણોથી પ્રભાવિત થઈ સ્વાતંત્ર્ય-સંગ્રામમાં જોડાવા વિચાર્યું; પરંતુ પિતાની ઇચ્છા મુજબ ઇંગ્લૅન્ડ જઈને દંતવિદ્યાનો અભ્યાસ કરી, અનુભવ મેળવી 1914માં ભારત પાછા ફર્યા. વલ્લભભાઈ પટેલ, વીર સાવરકર વગેરે તેમના મિત્રો હતા અને તેઓ તત્કાલીન વિશ્વની ઘટનાઓની રસપ્રદ ચર્ચાઓ કરતા. મુંબઈમાં તેમણે દવાખાનું શરૂ કર્યું અને તેમાં સારી કમાણી થવા છતાં દેશભક્તિથી પ્રેરાઈ, વ્યવસાય છોડીને કૉંગ્રેસના કાર્યકર બન્યા.

ચંદુલાલ મણિલાલ દેસાઈ

ભરૂચ જઈ, ચંદુલાલે સેવાશ્રમ ટ્રસ્ટની રચના કરી, લોકસેવાના હેતુથી દાંતનું દવાખાનું શરૂ કર્યું. 1920–22ની અસહકારની ચળવળ દરમિયાન તેમણે પોતાની બધી મિલકત રાષ્ટ્રને સમર્પી દીધી. ત્યારબાદ જનરલ હૉસ્પિટલનું આયોજન કરી, દાન ઉઘરાવી ‘ભગુભાઈ મફતલાલ હૉસ્પિટલ’ના વિશાળ મકાનમાં 125 પથારીવાળી હૉસ્પિટલનું તે સમયના ભારતના પ્રમુખ રાજેન્દ્રપ્રસાદના હસ્તે માર્ચ, 1952માં ઉદઘાટન કરાવ્યું.

દેસાઈએ હોમરૂલ લીગની ચળવળમાં ભાગ લીધો હતો. અસહકારની ચળવળ શરૂ થતાં તેમણે અસહકારના કાર્યક્રમનો લોકોમાં પ્રચાર કર્યો. વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ 1923માં નાગપુર ઝંડા સત્યાગ્રહ શરૂ થતાં, ચંદુલાલ 45 સ્વયંસેવકોની ટુકડીની આગેવાની લઈને નાગપુર ગયા, ધરપકડ વહોરી. દરેકને એક વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી. બારડોલી સત્યાગ્રહ દરમિયાન ચંદુલાલે વાલોડ મહાલની છાવણી સંભાળી. તેમણે તે મહાલનાં 29 ગામોમાં ખેડૂતોની સભાઓને સંબોધીને જમીનોની હરાજી, મિલકતની જપ્તી, દંડ, લાઠીમાર અથવા કેદની સજાથી ન ગભરાવા સમજાવી તેમનું મનોબળ ર્દઢ કર્યું. પ્રવચનોમાં તેમણે લોકોને જણાવ્યું કે ‘શૂરવીરો માથું આપે, પણ નાક ન આપે’. તેમની હિંમત અને સેવાથી પ્રભાવિત થઈને કલ્યાણજી મહેતાએ તેમને ‘છોટે સરદાર’નો ખિતાબ અપ્યો. સમય જતાં તેઓ સમસ્ત ગુજરાતમાં એ નામથી પ્રસિદ્ધ થયા. સવિનય કાનૂનભંગની ચળવળમાં તેમણે 21 સત્યાગ્રહીઓની આગેવાની લઈ વેડચ ગામે મીઠાના કાયદાનો ભંગ કર્યો તેથી તેમની ધરપકડ થઈ. અઢી વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી. ગાંધી-ઈર્વિન કરાર બાદ જેલમુક્ત થયેલા ચંદુલાલની 1932માં ફરીથી ધરપકડ થઈ. નાસિકની જેલમાં તેમને રાખવામાં આવ્યા. 1940–41ના વ્યક્તિગત સત્યાગ્રહ તથા ‘હિંદ છોડો’ ચળવળમાં તેમની ધરપકડ કરીને અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. નાકરની લડતમાં હજારો ખેડૂત કુટુંબોએ હિજરત કરી હતી. તેમના પુનર્વસવાટની રાહત સમિતિના પ્રમુખ તરીકે દેસાઈએ ઘણી સારી કામગીરી બજાવી. તેમણે 1929માં ‘વિકાસ’ નામનું ગુજરાતી સાપ્તાહિક શરૂ કર્યું. તેમાં સ્વતંત્રતાસંગ્રામનો હેવાલ, ખાદી, દારૂબંધી, અસ્પૃશ્યતાનિવારણ, ગાંધીજીના વિચારો, દેશનેતાઓનાં પ્રવચનો વગેરે પ્રગટ કરવામાં આવતું.

ચંદુલાલ ‘વસંત વિનોદી’ ઉપનામથી કાવ્યો લખતા. તેમણે ‘કુમારિકા’ કાવ્યસંગ્રહ તથા ‘ટહુકાર’ નામનો દેશભક્તિનાં ગીતોનો સંગ્રહ પ્રગટ કર્યો હતો. તેમણે થાયમોસિન નામની દાંતની દવા બનાવી. તેની રૉયલ્ટીના વાર્ષિક રૂપિયા પાંચ હજાર સેવાશ્રમમાં પ્રતિવર્ષ આપી દેતા. તેઓ સાદું જીવન જીવતા. તેમને સત્તા અને સંપત્તિનો લોભ ન હતો. સ્વાતંત્ર્ય બાદ તેમણે ચૂંટણીમાં ઉમેદવારી કરી નહોતી.

રસેશ જમીનદાર