દેશી રાજ્યો : ભારતમાં બ્રિટિશ હકૂમત દરમિયાન બ્રિટિશ શાસન સિવાયના પ્રદેશોમાં આવેલાં રાજ્યો. ભારત સ્વતંત્ર થયું ત્યારે ભારતનાં દેશી રાજ્યોની સંખ્યા 562ની હતી અને તે રાજ્યોનો કુલ વિસ્તાર 15, 49, 177, 42 ચોકિમી. એટલે ભારતના કુલ વિસ્તારનો આશરે 2/5 (40 ટકા) ભાગ થતો હતો. આ રાજ્યો વિસ્તાર, વસ્તી, આવક તથા અધિકારોની બાબતમાં એકબીજાથી ઘણાં ભિન્ન હતાં. પરંતુ તેમનામાં એકસમાન બાબત એ હતી કે તેમના પ્રદેશો અંગ્રેજોના નહોતા અને ત્યાંના લોકો બ્રિટિશ તાજની પ્રજા ગણાતા નહોતા. સૌથી નાનાં રાજ્યોમાં પણ અંગ્રેજ સરકારની અદાલતોને અધિકારો નહોતા. આ રાજ્યોની વસ્તી 7,89,96,854ની હતી અને તેમની વાર્ષિક આવક કુલ રૂપિયા 45 કરોડની હતી. તેમાંનાં વીસ મોટાં રાજ્યોનો વિસ્તાર 10,26,393.69 ચોકિમી. તથા વસ્તી 55,59,675ની હતી.

ભારતની સૌથી ઉત્તરે 2,18,779.89 ચોકિમી.નો વિસ્તાર ધરાવતા કાશ્મીરના વિશાળ રાજ્યની સરહદો એક બાજુ પામીર અને બીજી તરફ તિબેટ સુધી વિસ્તરેલી હતી. ઈ. સ. 1846માં શીખ મહારાજાના સામંત ડોગરા સરદાર ગુલાબસિંહે જમ્મુ અને કાશ્મીરનું સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. 1947માં તેની વસ્તી 44 લાખની હતી. છેલ્લા મહારાજા સર હરિસિંહનો રાજ્યાભિષેક 1925માં થયો હતો. રાજ્યમાં મુસલમાનોની વસ્તી મોટા પ્રમાણમાં હતી; પરંતુ દેશનું વિભાજન થયા બાદ પાકિસ્તાનમાંથી હિંદુઓ જમ્મુમાં આવવાથી ત્યાં હિંદુઓની બહુમતી થઈ.

સમગ્ર દક્ષિણના દ્વીપકલ્પના છેડે લાંબો સમુદ્રકાંઠો ધરાવતું ત્રાવણકોરનું પ્રાચીન અને મહત્વનું રાજ્ય હતું. ત્યાંનું પ્રાકૃતિક સૌન્દર્ય લોકોને આકર્ષે છે. ત્યાંના રાજાઓ દક્ષિણ ભારતના પ્રાચીન ચેરા વંશના રાજાઓના વંશજો હતા. 18મી સદીના પૂર્વાર્ધમાં રાજા માર્તંડ વર્માએ અનેક નાનાં રાજ્યો ભેગાં કરીને સમગ્ર ત્રાવણકોર રાજ્ય પોતાની સત્તા હેઠળ લાવીને વ્યવસ્થા સ્થાપી. તેણે પોતાનું રાજ્ય તેના કુટુંબના પાલક દેવ શ્રી પદ્મનાભને વિધિસર અર્પણ કર્યું. ત્યારથી તેણે અને તેના વારસદારોએ તે દેવના દાસ તરીકે રાજ્ય કર્યું હતું. ત્રાવણકોર અને કોચીન રાજ્યોનો વહીવટ પ્રગતિશીલ હતો. આ બંને રાજ્યો શિક્ષણને પ્રોત્સાહન આપતાં અને સાક્ષરતાની બાબતમાં ભારતમાં પ્રથમ સ્થાને હતાં.

વિંધ્યાચળ પર્વતની દક્ષિણે દખ્ખણના પ્રદેશમાં હૈદરાબાદ અને વરાડના નિઝામનું રાજ્ય દક્ષિણ અને ઉત્તરના પ્રદેશોને જોડતી કડી સમાન વિશાળ પ્રદેશમાં પથરાયેલું હતું. ઈ.સ. 1724માં મીર કમરુદ્દીન ચિન કિલિચખાને હૈદરાબાદ રાજ્યની સ્થાપના કરી હતી. વસ્તી, આવક અને મહત્વની ર્દષ્ટિએ તે દેશમાં સૌથી આગળ પડતું રાજ્ય હતું. તેની વસ્તી એક કરોડ સાઠ લાખ અને વાર્ષિક આવક રૂપિયા 26 કરોડની હતી. તેનો વિસ્તાર 2,12,380.00 ચોકિમી. કરતાં વધારે હતો. તે રાજ્યને પોતાના સિક્કા, કાગળનું ચલણ અને ટિકિટો હતાં. તેની વસ્તીના 85 ટકા લોકો હિંદુ હતા; પરંતુ તેનાં રાજ્યવહીવટ, લશ્કર અને પોલીસમાં બધા મુસલમાનો હતા. છેલ્લા નિઝામ મીર ઉસમાન અલીખાન બહાદુર ઑગસ્ટ, 1911માં ગાદીએ બેઠા હતા.

દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યની પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરતું મૈસૂરનું પ્રગતિશીલ રાજ્ય આવેલું હતું. તેની સ્થાપના ઈ. સ. 1399માં થઈ હતી. હૈદરઅલીએ મૈસૂરનું રાજ્ય 1765માં પડાવી લીધું અને તેના પુત્ર ટીપુ સુલતાને 1799માં તે ગુમાવ્યું. ફરી વાર ત્યાં હિંદુ વંશની સ્થાપના થઈ. છેલ્લા મહારાજા શ્રી જયચામરાજેન્દ્ર વાડિયાર ઑગસ્ટ, 1940માં ગાદીએ બેઠા હતા. દેશમાં સૌથી સારો વહીવટ કરનાર રાજ્ય તરીકે મૈસૂરે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. સોનાની ખાણનો ઉદ્યોગ રાજ્યનો સૌથી મહત્વનો ઉદ્યોગ હતો. આ ઉપરાંત લોખંડ, પોલાદ, પૉર્સલિન, તેલ, સાબુ, ખાંડ અને વીજળીનાં સાધનોના ઉદ્યોગો રાજ્યમાં વિકસ્યા હતા. જળવિદ્યુતની યોજનાઓમાં મૈસૂર અગ્રેસર હતું.

રજપૂતાનાના વિશાળ વિસ્તારમાં પ્રાચીન રાજવંશોની સત્તા હેઠળ ઉદયપુર, જયપુર, જોધપુર અને બીકાનેર જેવાં મહત્વનાં રાજ્યો આવેલાં હતાં. ઉદયપુરનું રાજકુટુંબ ભારતના રજપૂત રાજાઓમાં પ્રથમ પંક્તિનું અને પ્રતિષ્ઠાવાળું ગણાતું. તેમણે મુસલમાનો સામે સૌથી વધુ વીરતાથી સંઘર્ષ કર્યો હતો અને મુસ્લિમ બાદશાહો સાથે કદાપિ પોતાની દીકરી પરણાવી નહોતી તે બાબતનું તેમને ગૌરવ હતું. ઈ. સ. 734માં ગેહલોટ વંશના બાપા રાવળે ચિતોડ અને મેવાડમાં રાજ્ય સ્થાપ્યું હતું. રાણા ઉદયસિંહે ઉદયપુર શહેર વસાવ્યું હતું. મહારાણા પ્રતાપ આ વંશનો પ્રતાપી રાજા થઈ ગયો.

જયપુરના મહારાજા રજપૂતોના કચવાહા કુળના વડા અને શ્રી રામચંદ્રજીના પુત્ર કુશના વંશજ હોવાનો દાવો કરતા હતા. બારમી સદીની શરૂઆતમાં તેજકરણે તે રાજ્ય સ્થાપ્યું હતું. મહારાજા સવાઈ જયસિંહે 1728માં જયપુર શહેરની સ્થાપના કરી હતી. જોધપુર(અથવા મારવાડ)ના મહારાજા રાઠોડ કુળના વડા હતા. કનોજના રાજા જયચંદના વંશજ  રાવ જોધાજીએ 1459માં જોધપુર રાજ્ય સ્થાપ્યું હતું.

જોધપુરના રાવ જોધાજીના પુત્ર રાવ બીકાજીએ 1465માં બીકાનેરનું રાજ્ય સ્થાપ્યું. છેલ્લા મહારાજા સર સાદુલસિંહજી 1942માં ગાદીએ બેઠા હતા.

મહાન મરાઠા સામ્રાજ્યના અવશેષ સમાન ગ્વાલિયર તથા ઇન્દોરનાં રાજ્યો મધ્ય ભારતમાં આવેલાં હતાં. ગ્વાલિયરની સ્થાપના રણુજી મહારાજે કરી હતી. મહાદજી સિંધિયાના સમયમાં તે રાજ્યની જાહોજલાલી શિખરે પહોંચી હતી. આર્થિક ર્દષ્ટિએ તે સમૃદ્ધ રાજ્ય હતું. છેલ્લા મહારાજા જિયાજીરાવ પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા હોવાથી બંધારણસભા તથા લોકોના પ્રતિનિધિઓની વચગાળાની સરકારને તેમણે ટેકો આપ્યો હતો. ઇન્દોર રાજ્યની સ્થાપના મલ્હારરાવ હોળકરે કરી હતી. તેમની પુત્રવધૂ મહારાણી અહિલ્યાબાઈ આદર્શ વહીવટ અને પવિત્રતા માટે પ્રખ્યાત હતાં.

સૌરાષ્ટ્રના 56,980.00 ચોકિમી.ના વિસ્તારમાં આશરે 40 લાખની વસ્તી અને નાનાં મોટાં 222 રાજ્યો આવેલાં હતાં. તેમાં જૂનાગઢ, નવાનગર, ભાવનગર, ધ્રાંગધ્રા, પોરબંદર, ગોંડલ, રાજકોટ વગેરે મોટાં રાજ્યો હતાં. સૌરાષ્ટ્રનાં 46 નાનાં રાજ્યોનું દરેકનું ક્ષેત્રફળ 5.18 ચોકિમી. અથવા તેનાથી ઓછું અને તેમાંનાં આઠ રાજ્યોનું દરેકનું ક્ષેત્રફળ 1.295 ચોકિમી. જેટલું હતું.

પૂર્વ પંજાબમાં પતિયાળા, નાભા, જિંદ અને ફરીદકોટ – આ ચાર શીખ રાજ્યો હતાં. બાકીના કપુરથલાના રાજા અહલુવાલિયા કુટુંબના તથા મલેરકોટલાના શાસકો શેરવાણી અફઘાનો હતા.

ગુજરાતમાં રાજપીપળા, દેવગઢબારિયા, છોટાઉદેપુર, લુણાવાડા વગેરે રાજ્યોના રાજાઓ ચૌહાણ, સોલંકી, સિસોદિયા વગેરે કુળના રજપૂતો હતા. બાલાસિનોર, ખંભાત, સચિન, રાધનપુર અને પાલણપુરના શાસકો મુસ્લિમ હતા. મરાઠા લશ્કરના સરદાર પિલાજીરાવ ગાયકવાડે ગુજરાતમાં વડોદરાને પાટનગર રાખી રાજ્ય સ્થાપ્યું હતું. સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના (1875–1939) સમયમાં રાજ્યે નોંધપાત્ર પ્રગતિ કરી અને તેની સમૃદ્ધિ વધી. આ રાજ્યનો વિસ્તાર 21,331.24 ચોકિમી. અને વાર્ષિક આવક રૂપિયા સાત કરોડ હતી. દેશમાં પ્રગતિશીલ રાજ્ય તરીકે તેની પ્રતિષ્ઠા હતી.

પ્રથમ વિભાગનાં મોટાં રાજ્યો આંતરિક વહીવટની પૂર્ણ સત્તા ધરાવતાં હતાં. તેઓ પોતાના કાયદા ઘડતાં અને તેમની પ્રજા ઉપર મૃત્યુ-દંડની સજા કરવા સુધીની સત્તા ભોગવતાં. તેમની વડી અદાલતોએ કરેલી સૌથી વધારે સજા સામે પણ અપીલ થઈ શકતી નહિ. ગવર્નર જનરલ ઇન કાઉન્સિલને દયા માટેની અરજી કરી શકાતી, પરંતુ વાસ્તવમાં તેનો હેતુ સિદ્ધ થતો નહિ. બીજા વિભાગનાં રાજ્યો બ્રિટિશ સરકારની મંજૂરી વિના કેટલાક કાયદા ઘડી શકતા નહિ.

તેમની ન્યાયવિષયક સત્તાઓ મર્યાદિત હતી. ગંભીર ગુનાઓના કેસ પેાલિટિકલ એજન્ટ કે રેસિડન્ટ ચલાવતા. તેમના આંતરિક વહીવટમાં બ્રિટિશ સરકાર દરમિયાનગીરી કરી શકતી. અન્ય નાનાં રાજ્યોમાં કારોબારી, ધારાકીય તથા ન્યાયવિષયક સત્તાઓ રાજાઓ (ઠાકોરો) અને પોલિટિકલ એજન્ટ વચ્ચે વહેંચાયેલી હતી. આવાં સૌરાષ્ટ્રનાં નાનાં રાજ્યો હતાં. બધાં રાજ્યોને સલામી તથા બિનસલામી રાજ્યોમાં પણ વહેંચવામાં આવ્યાં હતાં.

દેશી રાજ્યો બ્રિટિશ સરકારની મંજૂરી અને શરતો મુજબ લશ્કર રાખી શકતાં હતાં. બ્રિટિશ સરકાર બહારના હુમલા, આંતરિક અશાંતિ, બળવો કે અરાજકતા સામે રાજ્યોનું રક્ષણ કરતી. તે સમયે ઘણાં રાજ્યોમાં વેઠની પ્રથા તથા કેટલાંક રાજ્યોમાં ગુલામીની પ્રથા પ્રચલિત હતી.

બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને શરૂમાં માત્ર વેપારમાં રસ હતો. 18મી સદીની મધ્યમાં કંપની એક રાજકીય સત્તા નહોતી. ઈ. સ. 1740 પછી ફ્રેન્ચ ગવર્નર દુપ્લેએ કોરોમંડલ કિનારે ઇંગ્લિશ કંપનીને રાજકીય સત્તા પ્રત્યે ધ્યાન દોરવાની ફરજ પાડી. અંગ્રેજોએ પોતાના મુખ્ય હરીફ મરાઠાઓને હરાવીને 1818માં ભારતમાં પોતાની સત્તાને સર્વોપરી બનાવી. તે પહેલાં વેલેસ્લી(1798–1805)ના સમય સુધી ભારતમાં બ્રિટિશ સત્તા બીજાં રાજ્યોની સમકક્ષ ગણાતી હતી. પરંતુ વેલેસ્લીએ સહાયકારી યોજના દ્વારા સૌપ્રથમ વાર બ્રિટિશ સર્વોપરીતાનો ખ્યાલ ઊભો કર્યો. આ યોજના સ્વીકારનાર દેશી રાજ્યને કંપની સરકારની પરવાનગી વિના બીજા રાજ્ય સાથે લડાઈ કે સંધિ કરવાની મનાઈ હતી. તેમાં જોડાનાર રાજ્યનું બાહ્ય આક્રમણ તથા આંતરિક અરાજકતામાંથી રક્ષણ કરવાની જવાબદારી કંપની સરકારે સ્વીકારી. તે માટે દેશી રાજ્યે પોતાના પ્રદેશમાં પોતાના ખર્ચે કંપની સરકારનું સૈન્ય રાખવાનું હતું. આ યોજનાથી દેશી રાજ્યો બ્રિટિશ સત્તાને અધીન બન્યાં. વડોદરા, ઇન્દોર, ગ્વાલિયર, નાગપુર, હૈદરાબાદ, ઉદયપુર, જયપુર, જોધપુર વગેરે રાજ્યોને આ યોજનામાં જોડાવાની ફરજ પાડવામાં આવી.

લૉર્ડ ડેલહાઉસીએ (1848–56) સતારા, ઝાંસી, સાંબલપુર, જૈતપુર, કરોલી, નાગપુર, અવધ વગેરે રાજ્યો ખાલસા કર્યાં. 1857માં થયેલા વિપ્લવના પરિણામે ભારતમાં કંપનીના શાસનનો અંત આવ્યો અને બ્રિટિશ તાજનું શાસન સ્થપાયું. આ વિપ્લવમાં મોટાભાગના રાજાઓ જોડાયા નહિ. વળી કેટલાકે તો વિપ્લવ દબાવી દેવામાં કંપનીને મદદ કરી. તેથી દેશી રાજ્યો સાચવી રાખવામાં અંગ્રેજોને ચોક્કસ લાભ જણાયો. બ્રિટિશ સરકારે તેની નીતિમાં કરેલું પરિવર્તન 1858ના રાણી વિક્ટોરિયાના જાહેરનામામાં વ્યક્ત થયું. તેમાં ખાતરી આપવામાં આવી કે બ્રિટિશ સરકાર કોઈ પણ રાજ્યને ખાલસા કરશે નહિ. રાજાઓ સાથે કરેલી સંધિઓનું પાલન કરવામાં આવશે તથા રાજાઓનો મોભો અને પ્રતિષ્ઠા જાળવવામાં આવશે. દત્તક લેવાનો રાજાઓનો અધિકાર માન્ય રાખવામાં આવ્યો. પ્રથમ વાઇસરૉય લૉર્ડ કેનિંગે 1861માં અગત્યનાં 160 રાજ્યોને સનદો આપી, છતાં ગંભીર પ્રકારની ક્ષતિ અથવા ગેરવ્યવસ્થાને કારણે કોઈ પણ રાજાને પદભ્રષ્ટ કરવાની જોગવાઈ પણ હતી. વડોદરાના મલ્હારરાવ ગાયકવાડને 1875માં આવાં કારણોને લીધે પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. બ્રિટિશ સરકારની દેશી રાજ્યો ઉપરની સર્વોપરીતા સંપૂર્ણ હતી. તે બાબતની કેનિંગે રાજાઓને કરેલા સંબોધનમાં સ્પષ્ટતા કરી હતી. આંતરિક બાબતોમાં દરમિયાનગીરી ન કરવા છતાં, પોલિટિકલ  ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દેશી રાજ્યો ઉપર અંકુશ રાખતા હતા. ગાદીએ બેસનાર દરેક વારસદાર માટે સર્વોપરી સત્તાની મંજૂરી લેવી અનિવાર્ય હતી. રાજાની સગીર વય દરમિયાન બ્રિટિશ સરકાર કાઉન્સિલ નીમીને વહીવટ ચલાવતી. લૉર્ડ કર્ઝને ઈ. સ. 1900માં એક પરિપત્રમાં જણાવ્યું હતું કે કોઈ પણ રાજા વાઇસરૉયની પરવાનગી વગર પરદેશ જઈ શકશે નહિ. દરેક રાજ્યનો સલામીનો દરજ્જો નક્કી કરવામાં આવ્યો હતો તથા પ્રત્યેક રાજ્યનું લશ્કર તથા શસ્ત્રો રાખવાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી.

વધતી જતી રાજકીય જાગૃતિ સામે રાજાઓને સંગઠિત કરીને તેમનો સહકાર લેવાના ઇરાદાથી બ્રિટિશ સરકારે 1919ના મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડના સુધારામાં રાજાઓનું મંડળ રચવાની ભલામણ કરી. 8 ફેબ્રુઆરી, 1921ના રોજ ડ્યૂક ઑવ્ કૉનૉટે દિલ્હીમાં નરેન્દ્ર-મંડળ(Chamber of Princes)નું ઉદઘાટન કર્યું. તે માત્ર એક સલાહકાર સંસ્થા હતી. તેમાં 108 સલામી રાજ્યોને સભ્યપદ આપવામાં આવ્યું, 127 રાજ્યોને તેમાં 12 સભ્યો ચૂંટીને મોકલવાનો હક મળ્યો જ્યારે 327 નાનાં રાજ્યોને પ્રતિનિધિત્વ મળ્યું નહિ. હૈદરાબાદ, ત્રાવણકોર, વડોદરા, મૈસૂર, કોચીન તથા ઇન્દોર જેવાં મોટાં રાજ્યો તેમાં જોડાયાં નહિ. તેથી તે કોઈ ઉપયોગી કાર્ય કરી શક્યું નહિ.

હિંદી વજીર લૉર્ડ બર્કનહેડે ડિસેમ્બર, 1927માં સર હારકોર્ટ બટલરના અધ્યક્ષપદે રાજાઓ સાથેના સંબંધોની તપાસ કરી ભલામણો કરવા એક સમિતિ નીમી. તેની ભલામણો રાજાઓને આપખુદ વહીવટ ચાલુ રાખવામાં સહાય કરનારી તથા રાજ્યોની પ્રજાના પ્રશ્નોની અવગણના કરતી હોવાથી રાષ્ટ્રીય નેતાઓએ તેની કડક શબ્દોમાં ટીકા કરી. મોતીલાલ નહેરુના અધ્યક્ષપદે નિમાયેલી નેહરુ સમિતિએ દેશી રાજ્યો સહિતનું ભારતનું સમવાયતંત્ર રચવાની માગણી કરી.

ઈ. સ. 1935ના હિંદ સરકારના ધારામાં બ્રિટિશ પ્રાંતો અને દેશી રાજ્યોના બનેલા સમવાયતંત્રની યોજના રજૂ કરવામાં આવી. તે પ્રમાણે કેન્દ્રમાં નીચલા ગૃહમાં 375માંથી 125 બેઠકો દેશી રાજ્યોને તથા ઉપલા ગૃહમાં  260માંથી 104 બેઠકો દેશી રાજ્યોને ફાળવવામાં આવી. દેશી રાજ્યોની બેઠકો નિમણૂક દ્વારા ભરવાની હતી તથા તેમાં જોડાવાનું રાજ્યો માટે મરજિયાત હતું; પરંતુ રાજ્યો પૂરતી સંખ્યામાં જોડાયાં નહિ, તેથી સમવાયતંત્રનો અમલ થઈ શક્યો નહિ. ઈ. સ. 1930થી રાષ્ટ્રવાદી ચળવળોમાં દેશી રાજ્યોની પ્રજાએ નોંધપાત્ર ભાગ લીધો. તેના પરિણામે ત્યાં પ્રજામંડળો સ્થપાયાં અને આંદોલનો શરૂ થયાં. કાશ્મીરથી ત્રાવણકોર તથા સૌરાષ્ટ્રથી ઓરિસા સુધીનાં રાજ્યોની પ્રજાએ જવાબદાર રાજ્યતંત્ર માટે લડત ઉપાડી. ઈ. સ. 1938માં હરિપુરામાં મળેલા કૉંગ્રેસના અધિવેશને દેશી રાજ્યોના લોકોની લડતોમાં ટેકો જાહેર કર્યો તથા લોકોને સુધારા આપવા રાજાઓને અપીલ કરી.

દ્વિતીય વિશ્વયુદ્ધના પ્રયાસોમાં રાજાઓનો સહકાર મેળવવા સરકારે ભાવિ બંધારણમાં રાજાઓનો દરજ્જો જાળવવાની તેમને ખાતરી આપી. 1946ની કૅબિનેટ મિશન યોજનામાં જણાવવામાં આવ્યું કે ભારતને સ્વતંત્રતા મળશે, ત્યારથી દેશી રાજ્યો પરનું બ્રિટિશ સાર્વભૌમત્વ દૂર થશે અને તે નવી સરકારને સુપરત કરવામાં આવશે નહિ. પરંતુ નવી સરકાર અને દેશી રાજ્યો મંત્રણા દ્વારા પરસ્પરના સંબંધો નક્કી કરશે. 1947ના હિંદ સ્વાતંત્ર્યધારા મુજબ 15મી ઑગસ્ટ, 1947થી દેશી રાજ્યો પરનું બ્રિટિશ સાર્વભૌમત્વ રદ કરવામાં આવ્યું અને તે દિવસથી બ્રિટિશ સરકાર તથા દેશી રાજ્યો વચ્ચેના સર્વે સંધિ-કરારોનો અંત આવ્યો. ત્યારબાદ દેશી રાજ્યોનું જૂન, 1948 સુધીમાં ભારતના સંઘ સાથે વિલીનીકરણ કરવામાં આવ્યું.

જયકુમાર ર. શુક્લ