દેશપાંડે, મધુસૂદન નરહર (જ. 11 નવેમ્બર 1920, રહિમતપુર, જિ. સતારા) : ભારતના પ્રસિદ્ધ પુરાતત્વવિદ. તેમણે 1942માં મુંબઈ વિશ્વવિદ્યાલય અંતર્ગત ફર્ગ્યુસન કૉલેજમાંથી અર્ધમાગધી ભાષા લઈ પ્રથમ વર્ગમાં સ્નાતકની પદવી મેળવી હતી. તેમના સંશોધન તરફના ખેંચાણને કારણે પુરાતત્વના પિતામહ અને ડેક્કન કૉલેજ, પુણેના સર્વેસર્વા એવા ડૉ. એચ. ડી. સાંકળિયા પાસે જૈન સાહિત્ય પર આધારિત ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ તેમણે શરૂ કર્યો. પરંતુ તે પછી તુરત જ તક્ષશિલા ખાતે ડૉ. સર મૉર્ટિમર વ્હીલર દ્વારા ચલાવવામાં આવતા પુરાતત્વ વિદ્યાલયમાં ક્ષેત્રીય પુરાતત્વની તાલીમ માટે તેમને પસંદ કરવામાં આવ્યા. તાલીમ પછી 1946માં તેમની પસંદગી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણમાં અધિકારીની જગ્યા પર થઈ. સૌપ્રથમ સહાયક અધીક્ષક પુરાતત્વવિદની જગ્યા પર જોડાઈ 30મી ડિસેમ્બર, 1978ના રોજ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના સર્વોચ્ચ પદ, મહાનિર્દેશક પરથી નોંધપાત્ર સિદ્ધિઓ સાથે નિવૃત્ત થયા. તે સહૃદયી હોવાને કારણે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણમાં ‘અજાતશત્રુ’ અને ‘ધર્મરાજા’ તરીકે જાણીતા હતા.
પુરાતત્વનાં અનેક ક્ષેત્રોમાં તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. સર્વપ્રથમ સ્વ. વી.ડી.કૃષ્ણમૂર્તિ પાસેથી તેમણે આદ્ય ઇતિહાસની તાલીમ લીધી અને ત્યારબાદ આદ્ય ઐતિહાસિક સર્વેક્ષણ માટે સ્વ. એચ.ડી.સાંકળિયા સાથે જોડાયા. 1947–48થી શરૂ કરેલ સર્વેક્ષણ દરમિયાન તેમણે અનેક આદ્ય ઐતિહાસિક તથા ઐતિહાસિક સ્થળોની નોંધ કરી જે અન્વયે 1952 તથા 1957માં બાહસ તથા ટેકવાળામાં ઉત્ખનન હાથ ધર્યું.
સર્વેક્ષણમાં તેમનું સૌથી વિશેષ નોંધપાત્ર પ્રદાન 1965માં લાહોલ સ્પિતિ ખીણમાં તેમણે શોધી કાઢેલા બૌદ્ધ વિહાર તાબોનાં ભીંતચિત્રો છે. અંજતાનાં ભીંતચિત્રો પરનો તેમનો અભ્યાસ અદભુત હતો. તેમના જ્ઞાનનું પ્રભુત્વ તેમના વક્તવ્યમાં છલકાતું. ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પણ ‘પ્રોટોકોલ’ અને ‘સિક્યોરિટી’ના નિયમોને અવગણીને અજંતાનાં ચિત્રો પર તેમનું વિદ્વત્તાપૂર્ણ વક્તવ્ય સ્થળ પર ધ્યાનથી સાંભળતા. ખડકમાં નિર્મિત શૈલમંદિરોનો તેમનો અભ્યાસ નિરંતર ચાલુ જ રહેતો. પિત્તલખોરાનાં શૈલગૃહોની શોધનું શ્રેય પણ તેમને ફાળે જ જાય છે.
દિનકર મહેતા