દેશપાંડે, શશી (જ. 1938, ધારવાડ, કર્ણાટક) : કર્ણાટકનાં જાણીતાં અંગ્રેજી નવલકથાકાર અને વાર્તાકાર. તેમની ઉત્તમ નવલકથા ‘ધૅટ લૉન્ગ સાઇલન્સ’ માટે તેમને 1990ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

પ્રખ્યાત લેખક પરિવારમાં જન્મ. મુંબઈમાં ભણ્યાં. અર્થશાસ્ત્ર, કાયદો અને સાહિત્યમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. તેમણે ભારતીય વિદ્યાભવનમાંથી પત્રકારત્વમાં ડિપ્લોમા મેળવ્યો છે. એમણે થોડા સમય ‘ઑન લુકર’ માટે કામ કર્યું હતું. 1970માં લેખનકાર્યનો પ્રારંભ. 1978માં એમનો પહેલો વાર્તાસંગ્રહ પ્રસિદ્ધ થયો હતો.

શશી દેશપાંડે

જુદાં જુદાં સામયિકોમાં તેમની વાર્તાઓ પ્રગટ થઈ છે. તેમનાં 4 વાર્તાસંગ્રહો, 5 નવલકથાઓ અને બાલસાહિત્યનાં 4 પુસ્તકો પ્રગટ થયાં છે. તેમણે ‘ર્દષ્ટિ’ ફિલ્મની પટકથા પણ લખી છે. તેમની અંગ્રેજી નવલકથા ‘રૂટ્સ ઍન્ડ શૅડોઝ’ માટે તેમને 1984માં તિરુપતિ રંગમ્માલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે. તેમની કૃતિ ‘ધ ડાર્ક હોલ્ડ્ઝ નો ટેરર્સ’નો જર્મન અને રશિયન ભાષામાં અનુવાદ થયો છે. વળી તેમની પુરસ્કૃત કૃતિ ‘ધૅટ લૉન્ગ સાઇલન્સ’નો જર્મન, ફ્રેંચ અને ડચ ભાષાઓમાં અનુવાદ થયો છે.

તેમની આ પુરસ્કૃત કૃતિમાં નારીના ભાગ્યનું અને તેની મુક્ત પ્રશંસાનું સંવેદનશીલ આલેખન છે. એક વ્યાપક અને સાર્થક વિષયવસ્તુના સાહસિક અને સંવેદનશીલ નિરૂપણને કારણે આ કૃતિ અંગ્રેજીમાં લખાયેલા આ પ્રકારના ભારતીય સાહિત્યમાં મહત્વનું પ્રદાન ગણાય છે. ‘ઇફ આઈ ડાય ટુડે’ (1982), ‘કમ અપ ઍન્ડ બી ડેડ’ (1983) ‘સ્મૉલ રેમેડીઝ’ (2000), ‘ધ બાઇન્ડિંગ વાઇન’ (2000),‘મુવિંગ ઑન’ (2004) અને ‘એ મૅટર ઑફ ટાઇમ’ (2011) એમનાં નોંધપાત્ર પ્રકાશનો છે. 2009માં તેમને પદ્મશ્રીથી સન્માનવામાં આવ્યાં.

બળદેવભાઈ કનીજિયા