દેવાસુર સંગ્રામ : દેવો અને અસુરો વચ્ચેનાં યુદ્ધો. આવાં યુદ્ધોનાં વર્ણનો વૈદિક સાહિત્ય તેમજ પુરાણોમાં અનેક રૂપે નિરૂપિત થયેલ છે. એ અમૃત (અમર્ત્ય) અને મૃત્યુ, જ્યોતિ તથા તમસ્, સત્ય અને અનૃત (અસત્ય) વચ્ચેના વિશ્વવ્યાપી અનંત સંઘર્ષનું પ્રતીક છે. આવા દૃશ્યમાં દેવ પ્રાણ, જ્યોતિ અને સત્યનો સંકેત કરે છે. અસુર મૃત્યુ, તમસ્, અનૃત વગેરેનો સંકેત કરે છે. આમાં દેવ-પ્રાણનો અસુર-ભૂતો પરનો વિજય પ્રત્યક્ષ થાય છે. દેવ અમર છે, અસુર મૃત્યુને આધીન છે. વળી દેવ અને અસુર બંને મનની શક્તિઓ છે. એક ઊર્ધ્વગામી અને જ્યોતિર્મય છે જ્યારે બીજી અધઃપતન આણનારી તમોમય છે. ઋગ્વેદનો ઇદ્રનો વૃત્ર સાથેનો સંઘર્ષ, બુદ્ધનું માર સાથેનું યુદ્ધ, શિવનાં મદન-દહન, અંધકવધ, તારકયુદ્ધ, વિષ્ણુનો મધુકૈટભવધ, દેવીનું મહિષસુરમર્દન વગેરે આ સંઘર્ષનાં દ્યોતક ઉદાહરણો છે. મથુરાકલાનું ગરુડ-નાગ યુદ્ધ પણ આનો જ સંકેત કરે છે.
પ્રવીણચંદ્ર પરીખ