દેવાસ : મધ્યપ્રદેશનો એક જિલ્લો તથા જિલ્લાના મથકનું ગામ. ભૌગોલિક સ્થાન : 22° 30´ ઉ. અ. અને 76° 30´ પૂ. રે.. આઝાદી પછી 1948માં મધ્યભારતની રિયાસતોના સંઘની સ્થાપના થઈ. 1956માં મધ્યપ્રદેશની સ્થાપના થતાં દેવાસ તેનો જિલ્લો બન્યો. જિલ્લાનું ક્ષેત્રફળ 7,020 ચોકિમી. તથા તેની વસ્તી 15.63 લાખ (2011) છે. ઇંદોરથી તે 39 કિમી. અંતરે આવેલું છે. તે મુંબઈ–આગ્રા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર તેમ જ ઇંદોર–ઉજ્જૈન–ભોપાલ રેલમાર્ગ પર આવેલું છે.

દેવાસની ચામુંડા ટેકરી પરનાં મંદિરો

ત્યાં હાથસાળના એકમો તથા દવા, સાબુ વગેરેનું ઉત્પાદન કરતા એકમો વિકસ્યા છે. તે ઇન્દોર–ઉજ્જૈન વચ્ચેના વાહનવ્યવહારનું અગત્યનું કેન્દ્ર હોવા ઉપરાંત ખેતપેદાશોની ચીજવસ્તુઓના વ્યાપારનું મહત્વનું કેન્દ્ર છે. ત્યાંની ટેકરી પર દેવવાસિની માતાજીનું પ્રખ્યાત મંદિર છે. નગરમાં પ્રાચીન હિંદુ તથા જૈન મંદિરોના અવશેષો છે. ઇંદોર–ઉજ્જૈન રેલલાઇનની શરૂઆત થયા પછી આ નગરનો ઝડપી વિકાસ થયો છે. નગરમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની સંસ્થાઓ ઉપરાંત વિનયન, વાણિજ્ય તથા વિજ્ઞાનની વિદ્યાશાખાઓ ધરાવતી સરકારી કૉલેજ તથા કૃષિ-મહાવિદ્યાલય વગેરે સંસ્થાઓ છે. ત્યાંની કૉલેજો વિક્રમ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. ત્યાં સંગીત અકાદમી પણ છે. ભારત સરકાર હસ્તકની ચલણી નોટો છાપવાની ટંકશાળ ત્યાં છે.

1739માં તે મરાઠા શાસન હેઠળ આવ્યા પછી જ તેનું મહત્વ વધ્યું છે. તે દેશી રિયાસત હતું ત્યારે નગરના બે સ્વતંત્ર વહીવટી વિભાગ હતા જે નાની પાતી (વિભાગ) અને મોટી પાતી નામથી ઓળખાતા. તે બંનેનું પાટનગર દેવાસ હતું. 1922થી ત્યાં પ્રજાકીય શાસનવ્યવસ્થા દાખલ કરવામાં આવી હતી.

ઉત્તર હિંદુસ્તાની સંગીતના વિખ્યાત ગાયકો રજબઅલી ખાં-સાહેબ તથા કુમાર ગંધર્વ ત્યાંના નિવાસી હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે