દેવાનંદ સ્વામી (જ. 1803, બળોલ; અ. 1854, મૂળી) : સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટ સંતકવિઓ પૈકીના એક. વ્યાધના તારા સમા તેજસ્વી સંતકવિ. પૂર્વાશ્રમનું નામ દેવીદાન ગઢવી. પિતા જીજીભાઈ રત્નુ. માતા બહેનજીબા. જ્ઞાતિ મારુચારણ. તેઓ બળોલમાં પધારેલા ભગવાન સ્વામિનારાયણની સેવામાં જોડાયા. પછીથી દેવીદાન તેમની પાસેથી મહાદીક્ષા પામી દેવાનંદ સ્વામી બન્યા. બ્રહ્માનંદ સ્વામી પાસે કાવ્યશાસ્ત્ર–પિંગળશાસ્ત્ર શીખ્યા. મૂળી મંદિરના નિર્માણમાં સેવા કરી. બ્રહ્માનંદ સ્વામી પછી તેમણે મૂળી મંદિરની મહંતાઈ જીવનપર્યંત નિભાવી.
એમણે સરળ ભાવનીતરતી મધુર પદાવલીઓથી ભક્તહૃદયોને ભાવાર્દ્ર કર્યાં. તેમણે રચેલાં પદોમાંથી 1,200 પદો પ્રકાશિત થયાં છે. તેમણે ગુજરાતી ઉપરાંત વ્રજ અને રાજસ્થાની ભાષામાં પણ કીર્તનો રચ્યાં છે. કેટલીક વાર એક જ કીર્તનમાં કડીએ કડીએ વિવિધ ભાષાઓ પ્રયોજી છે. એમનાં પદોનો ઉપાડ મનોહર છે. વૈરાગ્યબોધ અને ઉપાલંભના ભોજાભગતના ચાબખાનું સ્મરણ કરાવતા ‘માણસનો અવતાર મોંઘો નહિ મળે ફરી’ અને ‘તારા માથે નગારાં વાગે મોતનાં રે’ જેવાં તેમનાં પદોમાં સચોટ વેધકતા છે. તેમના ‘કર પ્રભુ સંગાથે ર્દઢ પ્રીતડી રે’, ‘જનમ સંગાથી વિસાર્યા જગદીશને’ વગેરે પદો રાવણહથ્થા જોડે ગાતા ભરથરીના ને ટહેલિયા ભટ્ટોના કંઠે ચડ્યા અને સંપ્રદાયની બહાર પણ ખ્યાતિ પામ્યાં. તેમનાં સેંકડો પદોએ મધ્યકાલીન ગુજરાતી કવિતાને અને સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યને સમૃદ્ધ કર્યાં છે.
વિવિધ રાગિણીઓના તેઓ કુશળ ગાયક હતા. તેમની સિતાર સાંભળવા ધ્રાંગધ્રાના રાજા મૂળીએ પધારતા. અર્વાચીન ગુજરાતી કવિતાના પુરોધા કવીશ્વર દલપતરામના તેઓ કાવ્યગુરુ હતા. કવીશ્વર તેમની પાસે ‘છંદશૃંગાર’ નામનું પિંગળશાસ્ત્ર અને ‘ભાષાભૂષણ’ નામનો અલંકારગ્રંથ શીખ્યા હતા. તેમણે કવીશ્વરને છંદ, અલંકાર, શીઘ્ર કવનરીતિ, કલ્પનાચાતુરી વગેરેના પાઠ પઢાવ્યા હતા.
સાધુ રસિકવિહારીદાસ