દેવળે, અચલા (જ. 12 નવેમ્બર 1955) : ખો ખોની રમતની ભારતની મહિલાખેલાડી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ટુકડીને સમગ્ર દેશની યુનિવર્સિટીઓની સ્પર્ધામાં વિજય અપાવવામાં મહત્વનું પ્રદાન કરનાર તથા રાષ્ટ્રીય સ્પર્ધામાં બે વખત ગુજરાતની ટુકડીને વિજય અપાવવામાં મહત્વની કામગીરી બજાવનાર અચલા દેવળેને ખો ખો ફેડરેશન તરફથી અપાતો લક્ષ્મીબાઈ ઍવૉર્ડ અને 1971માં અર્જુન ઍવૉર્ડ એનાયત થયો હતો. સ્ફૂર્તિ, ગતિ અને ચપળતાનો ત્રિવેણીસંગમ ધરાવતી અચલા દેવળેએ ખો ખોની રમતનો મહિલાઓમાં ફેલાવો કરવામાં તેમજ નવોદિત ખેલાડીઓને તાલીમ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

પ્રભુદયાલ શર્મા