દેવબાવળ : દ્વિદળી વર્ગના સીઝાલ્પિનિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Parkinsonia aculeata Linn. (સં. રામબબૂલ, કિડ્કિંરાટ; હિં. વિલાયતી કિકિરાત, વિલાયતી બબૂલ; મ. દેવબાવળી, ગુ. દેવબાવળ, રામબાવળ, પરદેશી બાવળ) છે. તે એક મોટો કાંટાળો ક્ષુપ કે નાનું વૃક્ષ છે અને ઉષ્ણકટિબંધીય અમેરિકાનો મૂલનિવાસી છે. તે ભારતના શુષ્ક ભાગોમાં લગભગ બધે જ થાય છે. તેની છાલ લીલી કે બદામી, પાતળી અને લીસી હોય છે. પર્ણો દ્વિપીંછાકાર (bipinnate) સંયુક્ત હોય છે. પ્રથમ પત્રાક્ષ મજબૂત કાંટામાં ફેરવાયેલો હોય છે. દ્વિતીય પત્રાક્ષ 15–30 સેમી. લાંબો, 1–3 જોડમાં, ચપટો અને લીલો હોય છે; જેને દાંડીપત્ર કહે છે. તેના પર આવેલી પર્ણિકાઓ અત્યંત નાની, અંડાકાર કે પ્રતિભાલાકાર (oblanceolate) હોય છે. પુષ્પો પીળાં, સુગંધિત અને શિથિલ કક્ષીય કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. શિંગો પાતળી, મણકામય હોય છે અને વધારેમાં વધારે 10 સેમી. જેટલી લંબાઈ ધરાવે છે. બીજ સામાન્યત: 4–7, લંબચોરસ, લીસાં અને ઘેરાં બદામી કે કાબરચીતરાં (mottled) હોય છે.
ઘણી વાર તેને તેનાં સુંદર પુષ્પો માટે અને વાડ બનાવવા માટે ઉગાડવામાં આવે છે. તેની વૃદ્ધિનો દર ઝડપી હોય છે. આ હેતુ માટે કાળજીપૂર્વકની છાંટણી અને કેળવણી કરવામાં આવે છે. તે પુનર્વનીકરણ (refforestaction) માટે ઉપયોગી છે અને શુષ્ક પ્રદેશના બાહ્ય પટ્ટાઓમાં વાવવામાં આવે છે. જમીનનું ધોવાણ થતું કે રણ આગળ વધતું અટકાવવા તે જમીનમાં ખાસ ઉગાડવામાં આવે છે. પ્રસર્જન બીજ, રોપણ કે મૂળ અથવા પ્રરોહના કટકાઓ દ્વારા કરવામાં આવે છે.
તેની તરુણ શાખાઓનો ઘેટાં-બકરાંના ચારા માટે ઉપયોગ થાય છે. વનસ્પતિના બધા જ ભાગોનો જ્વરહર (antipyretic) તરીકે ઉપયોગ થાય છે. પર્ણો સ્વેદક (diaphortic) અને ગર્ભપાતી (abortifacient) ગુણધર્મો ધરાવે છે.
બીજ (વજન, 7.5 ગ્રા./100) ખાદ્ય હોય છે અને તેઓ મુખ્ય પ્રોટીન તરીકે આલ્બુમિન અને ગ્લુટેલિન તથા લગભગ 28 % શ્લેષ્મ (પ્રોટીન-મુક્ત આધારે) ધરાવે છે. બીજ દ્વારા 1.65 % સોનેરી રંગનું મેદીય તેલ ઉત્પન્ન થાય છે. તેની શિંગ ખાવાથી નુકસાન થાય છે.
આયુર્વેદ અનુસાર, દેવબાવળ તૂરો, કડવો, શીતળ, ઉષ્ણ, ગ્રાહી અને સોજા ઉતારનાર છે અને કફ, પિત્ત, તૃષા, રક્તદોષ, દાહ, તાવ, ઊલટી, મેહ અને વિષનો નાશ કરે છે. તેનો લેપ લોહીવિકારજન્ય સોજા પર લગાડાય છે. પ્રમેહના દર્દમાં તેની ડાળીની આંતરછાલ વપરાય છે. હડકાયેલા કૂતરાના વિષ પર તાજાં મૂળનો ઉપયોગ થાય છે. પાકી શિંગ વધુ ખાવાથી કબજિયાત થાય છે.
તેનું કાષ્ઠ સફેદથી માંડી જાંબલી–બદામી રંગનું, સંકુલિત કણયુક્ત (close-grained), સખત અને ભારે (વજન 833 કિગ્રા./ઘનમી.) હોય છે. તેનો ઉપયોગ બળતણ તરીકે અને સારો કોલસો બનાવવામાં થાય છે. છાલમાંથી સફેદ, ટૂંકા અને બરડ રેસા ઉત્પન્ન થાય છે, જેમને કાગળ બનાવવાના માવામાં મિશ્ર કરવામાં આવે છે.
બળદેવપ્રસાદ પનારા
બળદેવભાઈ પટેલ