દેવભૂતિ : ભારતીય સામ્રાજ્ય પર રાજ્ય કરનાર શૂંગ વંશનો છેલ્લો રાજા. મૌર્ય વંશના છેલ્લા રાજવી બૃહદ્રથના સેનાપતિ શૂંગવંશીય પુષ્પમિત્રે સ્વામીની હત્યા કરી ભારતીય સામ્રાજ્ય હસ્તગત કર્યું. એના પછી એનો પુત્ર અગ્નિમિત્ર, એનો સુજ્યેષ્ઠ, સુજ્યેષ્ઠનો વસુમિત્ર, એનો ઉદંક, ઉદંકનો પુલિંદક, એનો ઘોષવસુ, ઘોષવસુનો વજ્રમિત્ર, એનો ભાગવત અને એનો દેવભૂતિ થયો. દેવભૂતિએ શૂંગ વંશ પૂરો થયો. શૂંગ વંશના આ આઠ રાજવીઓએ માત્ર એકસો બાર વર્ષ રાજ્ય કર્યું. વ્યસનોમાં ડૂબેલા દેવભૂતિને એના કણ્વ વંશના મંત્રી વસુદેવે મારીને સત્તા હાંસલ કરી. (વિષ્ણુપુરાણ, 4–24–34થી 39.)

કે. કા. શાસ્ત્રી