દેવબંદ વિચારધારા

March, 2016

દેવબંદ વિચારધારા : મુસ્લિમ સમાજની સુધારણાની પ્રવૃત્તિ. 1857ના વિપ્લવમાં મુસ્લિમોએ લીધેલ સક્રિય ભાગ તથા સર સૈયદ અહમદખાને અંગ્રેજોતરફી દર્શાવેલ વલણના પ્રત્યાઘાત રૂપે મુખ્યત્વે દેવબંદ શાખાનો ઉદય થયો.

1857ના વિપ્લવમાં સક્રિય ભાગ લેનાર મુસ્લિમ નેતાઓના એક જૂથે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના શામલી ગામે બ્રિટિશ શાસન સામે સામુદાયિક આંદોલન ચલાવવાનું આયોજન કર્યું હતું. તેના અનુસંધાનમાં તેમણે સહરાનપુર જિલ્લાના દેવબંદ ગામે એક સંસ્થાની સ્થાપના કરી (1867), જે દેવબંદ શાખા તરીકે જાણીતી થઈ. તેના મુખ્ય આગેવાનો મુહમ્મદ કાસિમ (1837–1880) તથા રસીદ અહમદ ગાંગોહી (1828–1905) હતા. શિક્ષણ દ્વારા મુસ્લિમ સમાજની સુધારણા તથા હિન્દ પ્રત્યે વફાદારી એ આ શાખાનાં મુખ્ય ધ્યેય હતાં. આ બાબતમાં પ્રસિદ્ધ મુસ્લિમ સંત અને વિદ્વાન શાહ વલીઉલ્લાહ આ શાખાના પ્રેરણાસ્રોત હતા. સંસ્થાના મુખ્ય ઉદ્દેશો આ પ્રમાણેના હતા : (1) મુસ્લિમો ઇસ્લામના મૂળ સિદ્ધાંતો પ્રમાણે જીવન જીવે તે માટે તેમને સંગઠિત કરવા. (2) પ્રલોભન, દબાણ તેમજ રાજ્યના આશ્રય કે કૃપા વગર અલ્લાહની બંદગી કરવી. (3) શાહ વલીઉલ્લાહના ઉપદેશોને ચુસ્તપણે અનુસરવું. (4) સરકાર તેમજ ઉમરાવો સાથેનો સહકાર સંસ્થા માટે નુકસાનકારક સમજવો. (5) વહીવટમાં લોકશાહી પદ્ધતિ સ્થાપવા ઉમરાવશાહી અને આપખુદ નીતિથી દૂર રહેવું.

શૈક્ષણિક ક્ષેત્રે દેવબંદ શાખાએ દર્સ-એ-નિઝામીએ નિશ્ચિત કરેલો અભ્યાસક્રમ પોતાની શાળાઓ માટે અપનાવ્યો, જે પારંપરિક શાસ્ત્રો પર આધારિત હતો. દેવબંદ શાળાઓ સરકારી અંકુશથી સંપૂર્ણપણે મુક્ત હતી. તેના આયોજકોને અંગ્રેજી શિક્ષણ, પાશ્ચાત્ય સંસ્કૃતિ તથા અંગ્રેજ શાસન પ્રત્યે નફરત હતી. આથી તેમના વિદ્યાર્થીઓને સરકારી નોકરીઓમાં કોઈ તક ન હતી. શાળાઓના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ કરકસરભરેલું સાદું જીવન જીવતા અને તેઓ દેશને સ્વતંત્ર કરી મુસ્લિમોની શૈક્ષણિક, ધાર્મિક તથા નૈતિક પ્રગતિ થાય તે માટે સક્રિય હતા. દિલ્હી, લખનૌ અને ખૈરાબાદની જુદી જુદી શિક્ષણ-પદ્ધતિઓનું એકીકરણ કરવામાં દેવબંદ શાખાએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

દેવબંદ શાખા શૈક્ષણિક ક્ષેત્રની  સાથોસાથ રાજકીય ક્ષેત્રે પણ સક્રિય હતી. 1859–60માં ગળી ઉગાડનાર ખેડૂતોનાં થયેલાં બંડો, 1875–76માં દખ્ખણમાં ખેડૂતોનાં થયેલાં રમખાણો, ખેડૂતો તથા કારીગરોની થઈ રહેલી કંગાળ સ્થિતિ વગેરે પ્રત્યે દેવબંદ શાખાના પ્રવર્તકો ચિંતિત હતા. ઇજિપ્ત, તુર્કસ્તાન, ઈરાન, આફ્રિકાના દેશો વગેરેમાં પાશ્ચાત્ય સામ્રાજ્યના વધતા પ્રસરણ તથા અંકુશથી પણ દેવબંદ શાખાના નેતાઓ ખૂબ નારાજ હતા, કારણ કે આની વિપરીત અસર ભારતની પ્રજા અને વિશેષત: મુસ્લિમ પ્રજા પર દેખાતી હતી. આથી આ દેશો તેમજ ભારતને પાશ્ચાત્ય સંસ્કૃતિ તથા પાશ્ચાત્ય શાસનથી મુક્ત કરવાની જરૂર તેમને જણાઈ.

આ હેતુ સિદ્ધ કરવા માટે મુહમ્મદ કાસિમ પછી દેવબંદ શાખાના નિયુક્ત થયેલ અધ્યક્ષ રસીદ અહમદ ગાંગોહીએ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ સાથે સહકાર સાધવાની અને તેમાં જોડાવાની મુસ્લિમોને અપીલ કરી. તેમણે સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રીય હિતની પ્રાપ્તિ માટે મુસ્લિમો હિન્દુઓ સાથે સમજૂતી કરે એ કુરાન, શરિયત તથા ઇસ્લામના સિદ્ધાંતો મુજબ યોગ્ય છે.

રસીદ અહમદ ગાંગોહીના ઉપર્યુક્ત વિચારો તથા નિર્ણયથી દેવબંદ શાખા અને અલીગઢ મુસ્લિમ શાખા વચ્ચે ખાઈ ઉત્પન્ન થઈ, કારણ કે અલીગઢ મુસ્લિમ શાખાના સ્થાપક સર સૈયદ અહમદખાન અલીગઢ મુસ્લિમ કૉલેજના અંગ્રેજ આચાર્ય બેકના પ્રભાવ તળે ભારતમાં અંગ્રેજ શાસનને ટેકો આપતા હતા તથા મુસ્લિમોને કૉંગ્રેસમાં નહિ જોડાવા માટે અનુરોધ કરતા હતા.

દેવબંદ શાખાની વિચારસરણીના ટેકેદારોમાં અરબી તથા ફારસી ભાષાના સુપ્રસિદ્ધ વિદ્વાન શિબલી નૂમાની (1857–1914) મુખ્ય હતા. તેઓ સૈયદ અહમદખાનના નિમંત્રણથી અલીગઢ મુસ્લિમ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા હતા (1883), પરંતુ શિબલી સામ્રાજ્યવાદના વિરોધી તથા લોકશાહીના પુરસ્કર્તા હોવાથી તેમને સૈયદ અહમદખાનની અંગ્રેજ શાસનની તરફદારી કરતી નીતિ પ્રત્યે તીવ્ર મતભેદ થતાં તેમણે પોતાના પદનું રાજીનામું આપ્યું અને દેવબંદ શાખાનો પ્રચાર કર્યો.

શૈક્ષણિક ક્ષેત્રે શિબલી ઉદાર અને વાસ્તવિક વિચારસરણી ધરાવતા હતા. તેઓ પરંપરાગત શિક્ષણની સાથે અંગ્રેજી શિક્ષણને પણ આવશ્યક માનતા હતા. તેથી તેઓ દેવબંદ શાખાના નેતાઓને દેવબંદ શાળાઓમાં પરંપરાગત શિક્ષણની સાથે અંગ્રેજી શિક્ષણ પણ દાખલ કરવાનું સમજાવી શક્યા. આમ દેવબંદ શાખાને આધુનિક વળાંક આપવામાં શિબલીનો નોંધપાત્ર ફાળો હતો. દેવબંદ શાખા ઇસ્લામને માનવ માનવ વચ્ચે સમાનતા સ્થાપનાર, લોકશાહી તંત્રમાં શ્રદ્ધા ધરાવનાર, અન્ય ધર્મો પ્રત્યે સહિષ્ણુતા દાખવનાર તથા બળજબરીથી ધર્મનો પ્રચાર નહિ કરનાર ધર્મ ગણતી હતી. શિબલીએ આ વિચારસરણીને સંપૂર્ણ ટેકો આપ્યો તથા તેનો પ્રચાર પણ કર્યો.

દેવબંદ શાખાની સાથોસાથ શિબલીએ પણ કૉંગ્રેસની ભારતીય પ્રજાની કલ્યાણ કરવાની ભાવના તથા કામગીરીને બિરદાવી હતી. દેવબંદ શાખાની વિચારસરણી સાથે સંમત થતાં શિબલીએ કહ્યું કે ધાર્મિક ર્દષ્ટિએ મુસ્લિમો એક વૈશ્વિક સમાજના સભ્યો છે, સાથોસાથ તેઓ ભારતના નાગરિકો પણ છે, જેથી ભારત પ્રત્યેની વફાદારી તેમની ફરજ છે. એટલે તેમણે હિન્દુઓ સહિત ભારતની અન્ય કોમો સાથે સહકાર સાધીને એવા સ્વતંત્ર દેશનું નિર્માણ કરવું જોઈએ કે જેમાં હિન્દુ, મુસ્લિમ તથા અન્ય કોમો સુખે અને સ્વમાનભેર જીવી શકે. દેવબંદમાં વિશ્વના દેશોમાંથી ભણવા આવતા 1,500 વિદ્યાર્થીઓના રહેઠાણ માટે છાત્રાલય તથા 67,000થી વધારે અરબી, ફારસી તથા ઉર્દૂ ભાષાના ગ્ંરથો તથા હસ્તપ્રતોનું પુસ્તકાલય તૈયાર કર્યું હતું. ‘જમિયત-ઉલ-ઉલેમા એ હિન્દ’ સંસ્થાની સ્થાપના દેવબંદમાં થઈ હતી.

રમણલાલ ક. ધારૈયા