દેવપાલ (ગૌડનરેશ)

March, 2016

દેવપાલ (ગૌડનરેશ) (શાસન નવમી સદીમાં) : આ નામના ચાર રાજાઓ પૂર્વકાલીન ભારતના રાજકીય ઇતિહાસમાં થઈ ગયા : (1) પ્રતીહાર વંશનો 14મો રાજા, મહીપાલનો પુત્ર અને વિજયપાલનો ગુરુબંધુ, ઈસવી 10મી સદીનો પૂર્વાર્ધ, રાજધાની કનોજ – કાન્યકુબ્જ, (2) માળવાના પરમાર વંશનો 19મો રાજા, યશોવર્માનો પ્રપૌત્ર અને હરિશ્ચંદ્રનો પુત્ર, 10મી સદીનું ચોથું ચરણ, ધાર એમની રાજધાની, (3) કનોજના રાઠોડ વંશનો 7મો રાજા, ગોપાલનો પુત્ર અને ત્રિભુવનપાલનો લઘુબંધુ, ભીમદેવનો પિતા, 12મી સદીનો ઉત્તરાર્ધ અને (4) પાલ વંશનો 3જો રાજા અને ધર્મપાલનો પુત્ર, નવમી સદી.

ગૌડદેશના પાલ વંશના મહારાજ્યનો ત્રીજો રાજા દેવપાલ શક્તિશાળી અને સમૃદ્ધ હતો. પાલ વંશના રાજાઓ બૌદ્ધ હતા. દેવપાલે ત્રૈકૂટક ચૈત્યનો જીર્ણોદ્ધાર કર્યો. તેના સમયમાં બૌદ્ધ આચાર્ય લીલાવજ્ર થઈ ગયા. તેના સમયમાં શ્રી અને સંસ્કૃતિ વિશેષ સંપન્ન થયાં. પિતા ધર્મપાલની જેમ શક્તિશાળી દેવપાલે ઉત્તર ભારતમાં રાજકીય સત્તાનો અભ્યુદય કર્યો અને પ્રતીહાર રાજા ભોજદેવના અભ્યુદયનો હ્રાસ કર્યો. જોકે ભોજદેવે વળતા હુમલામાં દેવપાલને પરાજિત કરેલો અને મગધ કબજે કરેલું; છતાં ઉત્તર ભારતમાં દેવપાલની સત્તા ઘણી સુર્દઢ હતી. એણે દક્ષિણના દ્રવિડ રાજા અમોઘવર્ષનો પરાભવ કરેલો. દેવપાલે નાગભટ, રામભદ્ર અને ભોજના સમયમાં પ્રતીહાર રાજ્ય ઉપર સફળ આક્રમણ કરેલું. એણે કનોજની પેલે પાર હિમાલયના હૂણ રાજ્યને જીતી પશ્ચિમમાં છેક કંબોજ સુધી વિજયકૂચ કરી હતી. દક્ષિણમાં તેણે વિંધ્યાચળ પર્યંત સત્તા પ્રવર્તાવેલી. કામરૂપમાં થયેલા આલમ્ભ રાજ્યના રાજવંશના પલટા પાછળ ગૌડનરેશ દેવપાલના આક્રમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. પ્રાગ્જ્યોતિષ(આસામ)ના રાજાએ એનું આગમન થતાં દેવપાલનું સ્વામિત્વ સ્વીકારી લીધું. બૌદ્ધ ધર્મના અનુરાગી દેવપાલે સુવર્ણદ્વીપ(ઇન્ડોનેશિયા)ના શૈલેન્દ્ર રાજાને નાલંદા મહાવિહાર ને પાંચ ગામોનું દાન કરેલું. તિબેટ તરફથી બંગાળ ઉપર વારંવાર થતાં આક્રમણો અને પ્રતીહાર–રાષ્ટ્રકૂટો જેવા પ્રતિસ્પર્ધીના ઉપદ્રવ છતાં દેવપાલે પાલ વંશની સત્તા જાળવી રાખી હતી. એનું સૈન્ય સહુથી વિપુલ હતું. તેણે ઈ. સ. 810 થી 850 સુધી રાજ્ય કર્યું હતું.

રસેશ જમીનદાર