દેવનૂર, મહાદેવ (જ. 1948, દેવનૂર, તા. નન્નમગુડ, કર્ણાટક) : કન્નડ સાહિત્યકાર. તેમની ટૂંકી નવલકથા ‘કુસુમબાલે’ને સાહિત્ય અકાદમીનો 1990ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે. કન્નડ ભાષામાં એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી અમેરિકાની આયોવા યુનિવર્સિટીમાં ‘ક્રિએટિવ રાઇટિંગ’ વિશે અભ્યાસ કર્યો. તે પછી મસૂરી ખાતેના ‘સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇંડિયન લૅંગ્વેજિઝ’માં થોડો સમય અધ્યાપક રહ્યા.
બેન્દ્રે તથા કુવેમ્પુના લેખનનો તેમના પર પ્રભાવ છે. 1975માં ટૂંકી વાર્તાઓના પ્રથમ સંગ્રહ ‘દ્યાવાનૂરુ’ પ્રકાશિત થયો. ટૂંકી નવલકથા ‘ઓડલાલા’નું પ્રકાશન 1981માં થયું. એ નવલને ભારતીય ભાષા પરિષદ ઍવૉર્ડ મળ્યો છે. નવશિક્ષિતો માટે પણ એક પુસ્તકનું પ્રકાશન થયું છે. તેમણે ‘ગાંધી ઍન્ડ માઓ’ પુસ્તકનું ભાષાંતર પણ કર્યું છે. કર્ણાટક સરકાર તરફથી કન્નડ રાજ્યોત્સવ પુરસ્કારના તેઓ વિજેતા છે. 2011માં એમને કેન્દ્ર-સરકારે ‘પદ્મશ્રી’થી નવાજ્યા હતા. 2010માં એમણે કન્નડ ભાષાને શાળા-કૉલેજોમાં સ્થાન ન આપવાના વિરોધમાં નૃપતુંગા ઍવૉર્ડનો અસ્વીકાર કર્યો હતો.
તેમની પુરસ્કૃત કૃતિ અનન્ય લઘુનવલ છે. તેમાં ઘટનાલક્ષી તથા લોકસંસ્કૃતિલક્ષી ‘કૉલાજ’ વડે એવા સાંસ્કૃતિક પરિવેશનું જીવંત ચિત્રણ કર્યું છે જેમાં અકિંચન તથા લાંબા સમયથી કચડાતા રહેલા લોકો જીવતા હોય. તેમાં પ્રયોજાયેલી ભાષામાં અભિનવ મૌલિકતા રહેલી છે; કેમ કે તેમાં શાસ્ત્રીય તથા બોલચાલની ઔપચારિક ભાષા એક જ ઢાંચામાં ઢળાયેલી અનુભવાય છે. માનવીય ગૌરવનું સબળ પુન:સમર્થન કરવા બદલ આ કૃતિ કન્નડમાં લખાયેલ ભારતીય સાહિત્યમાં વિશિષ્ટ યોગદાનરૂપ ગણાઈ છે.
મહેશ ચોકસી