દેવતાધ્યાય બ્રાહ્મણ : સામવેદનો બ્રાહ્મણગ્રંથ. તેનું કદ નાનું છે. તે દૈવતબ્રાહ્મણ તરીકે પણ જાણીતો છે. આ બ્રાહ્મણની ભાષ્યભૂમિકા-(1:7)માં સામવેદના આઠ બ્રાહ્મણગ્રંથોનો ઉલ્લેખ કરતાં સાયણાચાર્ય આ બ્રાહ્મણગ્રંથનો તેમાં ઉલ્લેખ કરે છે.
આ ગ્રંથ ચાર ખંડમાં વિભાજિત છે. પ્રત્યેક ખંડનું કંડિકામાં ઉપવિભાજન થયેલું છે. ઉપર જણાવ્યું તેમ આ બ્રાહ્મણગ્રંથ ઉપર ‘વેદાર્થ-પ્રકાશ’ નામક સાયણાચાર્યનું ભાષ્ય ઉપલબ્ધ છે. પ્રથમ ખંડમાં 26 કંડિકાઓ, દ્વિતીય ખંડમાં 12 કંડિકાઓ, તૃતીય ખંડમાં 24 કંડિકાઓ અને ચતુર્થ ખંડમાં 5 કંડિકાઓ છે. કુલ 67 કંડિકાઓ છે.
પ્રથમ ખંડમાં વિવિધ દેવતાઓનું વર્ણન આપવામાં આવ્યું છે. પ્રથમ કંડિકા અગ્નિ, ઇન્દ્ર, પ્રજાપતિ, સોમ, વરુણ, ત્વષ્ટા, આંગિરસ, પૂષા, સરસ્વતી અને ઇન્દ્રાગ્નિ – એ સામદેવતાઓનો ઉલ્લેખ કરે છે.
દેવતાઓની પ્રશંસા ગેય સામોનાં વિશિષ્ટ નામથી કરવામાં આવી છે. દ્વિતીય ખંડમાં છંદોના દેવતાઓ તથા તેમના રંગનું વર્ણન છે. તૃતીય ખંડમાં ગાયત્રી, ઉષ્ણિક્, કકુભ્, અનુષ્ટુપ્, પિપીલિકા, પિપીલિકામધ્યમા, બૃહતી, વિરાટ, પંક્તિ, ત્રિષ્ટુભ્, જગતી વગેરે છંદોનું નિર્વચન સાથે વર્ણન આપવામાં આવ્યું છે. ‘ગાયત્રી’ શબ્દનું નિર્વચન ‘ગૈ’ (= સ્તુતિ કરવી) ધાતુ ઉપર આપવામાં આવ્યું છે. આ ખંડમાં આપેલાં નિર્વચનો યાસ્કના નિરુક્ત (7.12)માં આપેલાં તે તે શબ્દોનાં નિર્વચનો સાથે ગાઢ સામ્ય ધરાવે છે. તેથી કહેવામાં આવ્યું છે કે આ નિર્વચનોનું પ્રેરણાસ્થાન યાસ્કનું નિરુક્ત છે; આથી આ બ્રાહ્મણ નિરુક્તનું ઉત્તરકાલીન બને છે. તેથી તેને ‘બ્રાહ્મણ’ ગણવું શક્ય નથી એમ એક મત પ્રદર્શિત કરવામાં આવ્યો છે.
ચતુર્થ ખંડમાં ગાયત્રીસામના આધારભૂત સાવિત્રી દેવતાનાં વિવિધ અંગોનું વ્યાખ્યાન ઉપાસના માટે કરવામાં આવ્યું છે. દા. ત., શિરને બ્રહ્મા તરીકે, લલાટને દ્યૌ તરીકે, ચંદ્ર અને સૂર્યને ચક્ષુ તરીકે, સરસ્વતીને જિહવા તરીકે વગેરે રૂપે વર્ણવવામાં આવ્યાં છે. ચતુર્થ ખંડ તેમજ આ નાનકડો બ્રાહ્મણગ્રંથ મંગલવાચક શબ્દોથી સમાપ્ત થાય છે.
શૈલીની ર્દષ્ટિએ આ ગ્રંથનાં વાક્યો અતિશય ટૂંકાં, સૂત્રો જેવાં છે. તેથી આ ગ્રંથ સંરચનાની ર્દષ્ટિએ કોઈ એક મોટા બ્રાહ્મણગ્રંથનો ભાગ હોય એમ અનુમાન કરવામાં આવ્યું છે. આ ‘દેવતાધ્યાય બ્રાહ્મણ’ અને ‘આર્ષેય બ્રાહ્મણ’, ઉપર જણાવ્યું તેમ, કોઈ એક મોટા બ્રાહ્મણગ્રંથના બે ભાગ હોય અને વળી આ બ્રાહ્મણગ્રંથનો ચતુર્થ ખંડ ઉપર્યુક્ત કોઈ એક મોટા બ્રાહ્મણગ્રંથનો અંતિમ ભાગ હોય.
આ બ્રાહ્મણગ્રંથ ભાષાશાસ્ત્ર, કોશવિજ્ઞાન અને છંદ:શાસ્ત્રની ર્દષ્ટિએ અગત્યનો છે.
સુરેશચંદ્ર કાંટાવાળા