દેવચકલી (Indian Robin) : ગાનપ્રિયતાને લીધે, ભારતીય રૉબિનનું બિરુદ પામનાર, પૅસેરિફૉર્મિસ શ્રેણી, મસ્સિકિપિડે કુળના ટર્ડિને ઉપકુળનું પક્ષી. દેખાવ ચકલીના જેવો. સામાન્યપણે ઝુંડમાં રહેનાર આ પક્ષી વસંત ઋતુની શરૂઆત થતાં માનવવસ્તીમાં પ્રવેશી, ઘરની કે ઝાડની ટોચે બેસી, કોમળ મીઠી સિસોટી જેવા અવાજથી માનવીનું ધ્યાન ખેંચે છે. ખાસ કરીને સંવનનકાળ દરમિયાન તેનું ગાન તરત જ પારખી શકાય છે.

આ પક્ષીની લંબાઈ આશરે 16 સેમી. નરનો રંગ મુખ્યત્વે કાળો. માદા ઝાંખા ધુમાડિયા રંગની. ચાંચ અને પગ કાળાં. બંનેની પાંખમાં સફેદ પટી. દેવચકલીનો દેહ ઝાડની અંધારી ઘટામાં ભળી જવાથી તે જવલ્લે જ શિકારી પક્ષીની નજરે પડે છે. આમ પર્યાવરણના રંગમાં દેવચકલીનો રંગ ભળી જાય છે અને દુશ્મનોથી સુરક્ષિત રહે છે. આવા રૂપવિન્યાસને રક્ષણાત્મક રંગ-આવરણ (protective colouration) કહે છે.

આ પક્ષીની બીજી એક ખાસિયત તે પૂંછડી અક્કડ ઊભી રાખવાની ટેવ. પ્રજનનકાળ દરમિયાન નર અને માદા એકેક જોડીમાં સ્વતંત્ર ફર્યા કરે છે. આવી ટેવને કારણે જ તેમને પિંજરામાં અલગ રાખવાં પડે છે કારણ કે અન્ય પક્ષીઓનો સહચાર તેઓ સહી શકતાં નથી.

દેવચકલી ખાસ કરીને ઉત્તર ભારત, ગુજરાત અને કચ્છમાં વિશેષ જોવા મળે છે. તે ડુંગરાઓમાં, બગીચાઓમાં અને વાડીઓમાં કાંટાળા છોડની આસપાસ ભ્રમણ કરે છે. આ પક્ષી અનાજને તો અડકતું જ નથી. તેનો ખોરાક જીવાતનો હોય છે અને તેને અનુરૂપ તેની ચાંચ પાતળી, સરળ, લાંબી, અને કોમળ હોય છે. સૂક્ષ્મ જીવાતની સાથે સાથે તીડ, ઇયળો, અને અળસિયાંનું પણ ભક્ષણ કરે છે. આ માંસાહારી પક્ષીનો પ્રિય ખોરાક, ઊધઈ છે, આથી જ તો વહેલી સવારે ઊધઈના રાફડા પર બેઠેલું, નાનું પક્ષી દેખાય તો સમજવું કે દેવચકલી જ હોવાની !

સંવનનકાળમાં જ સંગીતના સૂર રેલાવી નર ફેરફૂદડી ફરે છે. પૂંછડીનો પંખો રચી, તે માદાને રીઝવવા પ્રયત્ન કરે છે. તેનો આ પ્રણય-ઉન્માદ લાંબો સમય, 15થી 20 મિનિટ ટકી રહે છે. માર્ચ મહિનાની શરૂઆત થતાં જ દેવચકલી માળો બાંધવાનું કાર્ય શરૂ કરે છે. વૃક્ષોના પોલાણમાં, ખુલ્લા ઢાળિયામાં, જમીનની બખોલમાં, ઘરના ગોખલાઓમાં માળા માટેની સુરક્ષિત જગ્યા શોધી ઘાસનાં તણખલાં, લીમડાની સળીઓ, માથાના વાળ વગેરે ગોઠવી પડિયા જેવો છીછરો માળો રચે છે. અંદરના ભાગમાં ઘણી વખત ગારનું લીંપણ પણ જોવા મળે. કેટલાક પ્રકૃતિવિદોએ ઍનિમા માટેના ડબ્બામાં કે વૃક્ષોને પાણી પાવાના કટાયેલા ઝારામાં પણ દેવચકલીએ માળો બાંધેલો હોવાનું નોધ્યું છે.

દેવચકલી

સામાન્ય રીતે માદા 3થી 4 ઘેરા તપખીરિયા રંગની છાંટવાળાં, લીલાશ પડતાં સફેદ રંગનાં ઈંડાં મૂકે છે. ઈંડાંનો સેવનકાળ માત્ર 10થી 12 દિવસ જેટલો હોય છે. બચ્ચાંની સંભાળ (રક્ષણ અને પોષણ) નર અને માદા બંને સહિયારી કરે છે. ભારતીય પરંપરા મુજબ, દેવચકલીને શુકનિયાળ પક્ષી ગણવામાં આવે છે.

દિલીપ શુક્લ