દેવદાર : અનાવૃત બીજધારી વિભાગના પાઈનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cedrus deodara (Roxb.) Loud. syn. C. libani Barrel, var. deodara Hook. F. (સં. देवदारू; હિં., મ., બં, ગુ. દેવદાર) છે. તે વિશાળ, સદાહરિત અને સુંદર વૃક્ષ છે. તેની વિસ્તાર પામતી શાખાઓને લઈને તે વિશાળકાય બને છે. તે અતિદીર્ઘાયુષી હોય છે અને ઘેરા લીલા રંગનો પર્ણસમૂહ ધરાવે છે. તેનો ઘેરાવો સામાન્યત: 2.4થી 3.6 મી. જેટલો હોય છે; છતાં કેટલીક વાર આ વૃક્ષ લગભગ 75 મી. ઊંચાઈ ધરાવે છે અને તેનો ઘેરાવો 13.5 મી. જેટલો હોય છે. તે ભારતમાં ઉત્તર-પશ્ચિમ હિમાલયે કાશ્મીરથી શરૂ થઈ ગઢવાલ સુધી 1,200 મી.થી. 10,000 મી.ની ઊંચાઈ સુધી થાય છે અને 1,650 મી.થી 2,400 મી.ની ઊંચાઈ વચ્ચે તે સૌથી અગત્યનું શંકુવૃક્ષ (conifer) છે.

તે લાક્ષણિક રીતે જૂથોમાં થાય છે અને કેટલીક વાર તેનું ગાઢ જંગલ બને છે. અન્ય શંકુવૃક્ષો અને પહોળાં પર્ણોવાળાં વૃક્ષો સાથે તે મિશ્ર પણ હોય છે.

દેવદારનું વૃક્ષારોપણ તેની સીધેસીધી વાવણી દ્વારા અથવા જંગલ કે રોપણી દ્વારા તૈયાર થયેલા રોપની પ્રતિરોપણી (transplant) દ્વારા કરવામાં આવે છે. દક્ષિણ આફ્રિકામાં કાપણી (cutting) દ્વારા પણ તેનું સફળતાપૂર્વક પ્રસર્જન કરવામાં આવે છે, જોકે ભારતમાં આ પદ્ધતિનો ઉપયોગ થતો નથી.

દેવદારનાં તાજાં બીજ ઊંચી ફળદ્રૂપતા ધરાવે છે. તેની કાં તો છૂટી (brood cast) વાવણી થાય છે, અથવા સમોચ્ચ રેખીય (contour line) કે ખંડવાવણી (patch sowing) નવેમ્બરમાં કરવામાં આવે છે. અંકુરણ બીજી વસંતઋતુની શરૂઆતમાં થાય છે. છૂટી વાવણી માટે એક એકરે લગભગ 9.0થી 11.0 કિગ્રા. બીજ જરૂરી છે. સમોચ્ચરેખીય કે ખંડ વાવણીમાં તેનું પ્રમાણ 1/3 કે 1/4 જેટલું કરી શકાય છે.

રોપણી માટે 1.2 મી.ની ક્યારીઓ બનાવાય છે અને 10થી 15 સેમી.ના અંતરે વાવવામાં આવે છે. આ ક્યારીઓને જ્યાં સુધી અંકુરણ ન થાય ત્યાં સુધી પક્ષીઓથી યોગ્ય રીતે રક્ષણ આપવામાં આવે છે. પાણી અલ્પ પ્રમાણમાં આપવામાં આવે છે. મે અને જૂન સિવાય તે જરૂરી હોતું નથી. કુલુમાં અંકુરણ બાદ એક વર્ષે ક્યારીમાંથી ખેતરમાં કોઈ પણ વેધન (pricking) કર્યા સિવાય પ્રતિરોપણ કરવામાં આવે છે. દેવદાર માટેનું સામાન્ય અંતરણ (spacing) 1.5 મી. × 1.5 મી. છે. સમોચ્ચરેખીય વાવણીમાં બે રેખાઓ વચ્ચે 0.9 મી.થી 1.2 મી. અને બે પાસપાસેના રોપ વચ્ચેનું અંતર 2.4 મી.થી 3.0 મી. રાખવામાં આવે છે.

દેવદાર : 1. શંકુ સાથેની શાખા, 2. શંકુ, 3. બી

તેનું કાષ્ઠ તૈલી, સુંગધીદાર, હલકું (વિ. ગુ., 0.54), સીધું અને એક- સરખું દાણાદાર હોય છે અને તે મધ્યમ સૂક્ષ્મ-ગઠન (fine texture) ધરાવે છે. તેનું રસકાષ્ઠ (sapwood) સફેદ અને અંત:કાષ્ઠ આછું, પીળાશ પડતું બદામી રંગનું હોય છે અને ખુલ્લું થતાં તે બદામી રંગનું બને છે. તે સ્પષ્ટ વૃદ્ધિ-વલયો (growth rings) ધરાવે છે. તેનું ગ્રીષ્મકાષ્ઠ (summer wood) વધારે સઘન (dense) હોય છે અને વધારે ઘેરા રંગના પટ્ટા ધરાવે છે.

પ્રકાષ્ઠ(timber)નું વાયુસંશોષણ (air seasoning) સરળતાથી થાય છે. ઝડપી શુષ્કનથી સપાટી પર ચીરા પડે છે અને તે ફાટી જાય છે. દેવદાર ભારતનાં તમામ શંકુકાષ્ઠમાં સૌથી મજબૂત છે. તે લગભગ સાગ જેટલું મજબૂત હોય છે. તે સારા પ્રમાણમાં સખત હોય છે. તેલની હાજરીને કારણે સંશોષિત અંત:કાષ્ઠ વધારે ટકાઉ હોય છે અને તેના પર ઊધઈ કે ફૂગનું આક્રમણ ભાગ્યે જ થાય છે. પ્રકાષ્ઠને પરિરક્ષકો(preservatives)ની ચિકિત્સા આપી શકાય છે, પરંતુ તેમનો પ્રવેશ અને શોષણ અલ્પ હોય છે.

પ્રકાષ્ઠના સાગના ગુણધર્મોના સંદર્ભમાં ટકાવારીમાં દર્શાવેલ તુલનાત્મક ઉપયુક્તતા આ પ્રમાણે છે : વજન, 80; પાટડાનું સામર્થ્ય, 80; પાટડાની ર્દઢતા, 80; સ્તંભ તરીકેની ઉપયુક્તતા, 80; પ્રઘાતઅવરોધ-શક્તિ (shock-resisting ability), 60; આકાર-જાળવણી, 85; વિરૂપણ (shear), 90; કઠોરતા, 70. પ્રકાષ્ઠને વહેરવાનું અને તેના પર હાથ કે યંત્ર પર કામ કરવાનું સહેલું છે. કાષ્ઠમાં તેલ હોવાથી પ્રલેપન (painting) અને વાર્નિશ માટે તે યોગ્ય નથી.

તેનો મુખ્ય ઉપયોગ રેલવે-સ્લીપરો બનાવવામાં થાય છે. પ્રક્રિયા નહિ કરાયેલ સ્લીપરોનું સરેરાશ આયુષ્ય 15 વર્ષનું હોય છે. તે બાંધકામમાં પ્રકાષ્ઠ તરીકે મહત્વનું છે. તેનો પાટડા કે સ્તંભ, બારી-બારણાંની ફ્રેમ, પુલ, ગાડી કે ભારખાનાંના ડબ્બા, રાચરચીલું અને વીજળીના થાંભલા બનાવવામાં ઉપયોગ થાય છે.

તેના લાકડામાંથી ટર્પેન્ટાઇન તેલ બને છે. દેવદારની કાષ્ઠ, તેલિયો અને સરળ એમ 3 જાતો છે. આયુર્વેદ અનુસાર તેલિયો દેવદાર તીખો, સ્નિગ્ધ, ગરમ, કડવો તથા લઘુ છે. તે કફ, વાત, પ્રમેહ, હરસ, મળસ્તંભ (કબજિયાત), આમદોષ, તાવ, આફરો, દમ, શ્વાસ, ઉધરસ, સોજો, ચળ, હેડકી, તંદ્રા-મૂર્ચ્છા, રક્તદોષ તથા પીનસ રોગ મટાડે છે. કાષ્ઠ દેવદાર ગરમ, કડવો તથા રુક્ષ છે. તે કફ અને વાયુનાં દર્દો તથા લેપ દ્વારા મોં ઉપરની કાળાશનો નાશ કરે છે. સરળ દેવદાર તીખો, કડવો, મધુર, ગરમ, લઘુ, કોષ્ઠશોધક તથા સ્નિગ્ધ છે. તે ત્વચારોગો, વાયુ, કર્ણરોગ, વ્રણ, સોજો, ચળ, કંઠરોગ, નેત્રરોગ, ઉધરસ, પરસેવો, રાક્ષસપીડા તથા જૂનો નાશ કરે છે. દેવદાર કફનિ:સારક, મૂત્રલ, હૃદયોત્તેજક છે અને સ્વેદજનન, વ્રણશોધન, રક્તવિકારો તથા સોજા મટાડે છે.

બળદેવભાઈ પટેલ

બળદેવપ્રસાદ પનારા