દેવગઢબારિયા

March, 2016

દેવગઢબારિયા : દાહોદ જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને આઝાદી પૂર્વેનું દેશી રાજ્ય. ખીચી ચૌહાણ વંશના ડુંગરસિંગે એક ટેકરી ઉપર કુલદેવતાની સ્થાપના કરી હતી અને તે ટેકરી નજીક નગર વસાવ્યું હતું, જે દેવગઢ તરીકે ઓળખાતું હતું. અહીં બારૈયાની વસ્તી વધારે હોવાથી આ નગર દેવગઢબારિયા તરીકે જાણીતું થયું.

તે 22° 42´ ઉ. અ. અને 73° 55´ પૂ. રે. ઉપર આવેલું છે. તાલુકાનું કુલ ક્ષેત્રફળ 1,144 ચોકિમી. છે. તેમાં એક શહેર અને 186 ગામો આવેલાં છે.

આ તાલુકાની ઉત્તરે લીમખેડા અને પૂર્વે ધાનપુર તાલુકા આવેલા છે જ્યારે દક્ષિણે વડોદરા અને પશ્ચિમે પંચમહાલ જિલ્લા આવેલા છે.

તાલુકામાં ઘણોખરો ભાગ ડુંગરાળ છે. જોકે પશ્ચિમનો ભાગ લગભગ સપાટ છે. પૂર્વ તરફનો ઉચ્ચપ્રદેશ 234.89થી 395.76 મી. ઊંચો છે.

આ તાલુકાની સૌથી મોટી નદી પાનમ છે, જે 118 કિમી. લાંબી છે. આ નદી ઉપર જંબુસર સહિત આઠેક ગામો છે. પાનમ ઉપર બંધ બાંધીને સિંચાઈ માટે તેનો ઉપયોગ થાય છે.

આ તાલુકો સમુદ્રથી દૂર હોવાથી તેની આબોહવા વિષમ છે, પરંતુ તેના વિસ્તારમાં જંગલો અને ડુંગરો હોવાને કારણે તાપમાન સામાન્ય રીતે બેથી ત્રણ સે. ઓછું રહે છે.

ડુંગરો અને જંગલોને કારણે વરસાદ – વાર્ષિક સરેરાશ 1,027 મિમી. પડે છે.

આ પ્રદેશમાં ખરાઉ પાનવાળાં જંગલો છે. સાગ, સાદડ, ખેર, ટીમરુ, સીસમ, મહુડો, ધાવડો, ખાખરો, બોરડી, કરંજ, જાંબુ, કેગાર, કલમ, ગૂગળી વગેરે વૃક્ષો છે. આ જંગલો દ્વારા ઇમારતી અને બળતણનું લાકડું, મધ, ગુંદર વગેરે મળે છે. દીપડો, જરખ, નીલગાય, શિયાળ, સસલું, હરણ વગેરે વન્ય પશુઓ છે. તાલુકામાં દૂધ સહકારી મંડળીઓ છે.

આ તાલુકામાં ભૂખરા અને ગુલાબી રંગના ગ્રૅનાઇટ પથ્થરો, કપચી માટેના ક્વાર્ટઝાઇટ પથ્થરો, કૅલ્શાઇટ ચૂનાખડકો, ઈંટ અને નળિયાં માટેની માટી તથા થોડા પ્રમાણમાં ગ્રૅફાઇટ મળે છે.

તાલુકામાં મકાઈ, ડાંગર, ઘઉં, જુવાર અને બાજરી તથા તુવેર, ચણા અને અડદ વવાય છે. કપાસ, મગફળી, તલ, તમાકુ, શેરડી, એરંડા રોકડિયા પાકો છે. અહીંની જમીનને કૂવા દ્વારા સિંચાઈનો લાભ મળે છે.

દેવગઢબારિયા તાલુકા અને શહેરની વસ્તી અનુક્રમે 2,08,197 અને 19,201 (2001) જેટલી હતી. દેવગઢબારિયા એસ.ટી. દ્વારા છોટાઉદેપુર, વડોદરા, ગોધરા, દાહોદ વગેરે શહેરો સાથે જોડાયેલું છે. તાલુકામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા વિનયન અને વાણિજ્ય કૉલેજો છે.

ઇતિહાસ : પતાઈ રાવળના વંશજ ડુંગરસિંગે ચાંપાનેરના પતન પછી અહીંના ભીલોને હરાવીને પંદરમી સદીના અંતમાં દેવગઢબારિયાની સ્થાપના કરી હતી. માનસિંહના મરણ પછી એક બલૂચી સિપાઈએ આ રાજ્ય પડાવી લીધું હતું, જે રાજકુમારે પુખ્તવયનો થતાં પાછું જીતી લીધું હતું (1782). 1803 પછી રાજ્યે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું રક્ષણ સ્વીકાર્યું હતું. 1908માં ગાદી પર આવેલા રણજિતસિંહે રાજ્યની પ્રગતિમાં સારો ફાળો આપ્યો હતો. આઝાદી બાદ 1948માં મુંબઈ રાજ્ય સાથે આ દેશી રાજ્યનું જોડાણ થયું. 1956માં તે ગુજરાત રાજ્યનો તાલુકો બન્યું.

શિવપ્રસાદ રાજગોર