દેવગુપ્ત (ઈ. સ.ની સાતમી સદી) : પૂર્વ માળવાનો રાજા. તેનું નામ ‘હર્ષચરિત’માં અને હર્ષવર્ધનના અભિલેખોમાં આવે છે. તેના આધારે તેને ગુપ્ત રાજા માનવામાં આવે છે. દેવગુપ્ત મહાસેનગુપ્તનો જ્યેષ્ઠ પુત્ર હતો. ‘હર્ષચરિત’માં જણાવ્યા મુજબ, મહાસેનગુપ્તે પૂર્વ માળવામાં ગુપ્તકુળની સ્થાપના કર્યા બાદ દેવગુપ્ત તે પ્રદેશનો શાસક બન્યો. ગૌડ(બંગાળ)ના રાજા શશાંકે માળવાના દેવગુપ્ત સાથે મળીને કનોજના મૌખરી રાજા ગ્રહવર્મા વિરુદ્ધ સંઘ રચ્યો. મૌખરીઓ ઈશાનવર્માના સમયથી ગૌડના રાજાઓના દુશ્મનો હતા. તેઓ તત્કાલીન ગુપ્તો સામે લડતા હતા. તેમણે કનોજ પર ચડાઈ કરીને રાજા ગ્રહવર્માનો વધ કર્યો; કનોજ કબજે કરી તેની રાણી જયશ્રીને કેદ કરી. ગ્રહવર્માના મૃત્યુ બાદ, દેવગુપ્તે થાણેશ્વર પર ચડાઈ કરી; પરંતુ થાણેશ્વરના રાજા રાજ્યવર્ધને દેવગુપ્તને હરાવી, મારી નાખ્યો.

વિભૂતી વિ. ભટ્ટ