દેવગડ : મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. દેવગડની ખાડી ઉપર 16° 23’ ઉ. અ. અને 73° 22’ પૂ. રે. ઉપર આવેલું લઘુ બંદર. તે વિજયદુર્ગથી દક્ષિણે 19 કિમી., મુંબઈથી દક્ષિણે 210 કિમી., માલવણથી 36.8 કિમી. અને કોલ્હાપુર રેલવેસ્ટેશનથી નૈર્ઋત્યે 129 કિમી. દૂર આવેલું છે. શહેરની ચારે બાજુ ટેકરીઓ આવેલી છે. તાલુકાનો ઘણોખરો વિસ્તાર સપાટ છે અને પશ્ચિમ કિનારાના મેદાનનો તે ભાગ છે.

અહીં ગુરુતમ દૈનિક તાપમાન  30.5° સે. અને લઘુતમ દૈનિક તાપમાન 23.9° સે. રહે છે. ઉનાળામાં ભેજનું પ્રમાણ વધુ હોય છે. દરિયાકિનારાને લીધે આબોહવા સમધાત રહે છે. સૌથી વધુ વરસાદ જુલાઈમાં પડે છે. નૈર્ઋત્યના મોસમી પવનો વરસાદ આપે છે.

આ તાલુકામાં ડાંગર, કઠોળ, તેલીબિયાં અને શણ મુખ્ય પાક છે. દરિયાકિનારે નારિયેળી તથા આંબા, કેળ, ફણસ, ચીકુ વગેરે ફળ આપતાં વૃક્ષો છે. અહીંની આફૂસ કેરી પ્રખ્યાત છે. તાલુકાના અંદરના ભાગમાં સાગ વગેરે ઇમારતી લાકડું આપતાં વૃક્ષો અને વાંસ મુખ્યત્વે છે.

લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. આ ઉપરાંત મચ્છીમારી  અને કાજુ ઉપર પ્રક્રિયા કરી તેની નિકાસ કરવામાં આવે છે. મીઠું પકવવાનો ગૌણ ધંધો પણ ચાલે છે.

મુંબઈથી કન્યાકુમારી જતો રાષ્ટ્રીય ધોરી માર્ગ આ શહેર નજીકથી પસાર થાય છે.

દેવગડ પાકા રસ્તાઓ દ્વારા માલવણ, કોલ્હાપુર, રત્નાગિરિ વગેરે શહેરો સાથે જોડાયેલું છે. મુંબઈથી વૈંગુર્લા જતી સ્ટીમર આ સુરક્ષિત બંદરે થોભે છે.

ઇમારતી લાકડું, રેતી, મીઠું અને પરચૂરણ માલની આયાત થાય છે. મચ્છી અને કેરીની નિકાસ થાય છે.

બંદરના પ્રવેશદ્વાર નજીક દેવગઢની દક્ષિણે દત્તાજીરાવ આંગ્રેએ બંધાવેલો કિલ્લો છે. તેનો દીવાદાંડી તથા વેધશાળા તરીકે ઉપયોગ થતો હતો. પછી ત્યાં અદ્યતન દીવાદાંડી બંધાઈ છે. દેવગઢનો ‘તામર’ તરીકે 1538નો ઉલ્લેખ મળે છે. 1818માં પેશ્વા પાસેથી અંગ્રેજોને દેવગડ મળ્યું હતું. અહીં વિવિધ ખાતાંઓની કચેરીઓ, શાળા, હૉસ્પિટલો વગેરે આવેલાં છે.

શિવપ્રસાદ રાજગોર