દૂબ્વા, મેરી યુજિન (જ. 28 જાન્યુઆરી 1858, એડ્સન, નેધરલૅન્ડ; અ. 16 ડિસેમ્બર 1940, ડી બેડલીર) : ડચ શરીરજ્ઞ, નૃવંશશાસ્ત્રી અને ભૂસ્તરવિજ્ઞાની. તેમણે વાનર અને માનવ વચ્ચેની કડીસ્વરૂપ જાવામૅનના અવશેષો શોધી કાઢ્યા હતા.
તેમની કારકિર્દી ઍમસ્ટરડૅમ યુનિવર્સિટીના શરીરવિજ્ઞાનના વ્યાખ્યાતા તરીકે 1886થી શરૂ થઈ. તેમણે પૃષ્ઠવંશીઓમાં સ્વરપેટીની તુલનાત્મક અંત:સ્થ રચના વિશે સંશોધનો કર્યાં. પછી માનવના પૂર્વજોનાં સંશોધનોમાં ઉત્તરોત્તર રસ વધતો ગયો. તે ડાર્વિનના સિદ્ધાંતનો જોરદાર બચાવ કરનાર પ્રકૃતિવાદી અર્નેસ્ટ હિકલના પ્રભાવ નીચે હતા. હિકલે સૈદ્ધાંતિક આધાર પર માનવકુળના ઉદવિકાસનું વૃક્ષ બનાવ્યું, જેમાં માનવ અને પ્રાણીઓ વચ્ચેની ખૂટતી કડી (missing link) તરીકેના એક કાલ્પનિક સ્વરૂપ Pithecanthropus alalusનો સમાવેશ કર્યો. દૂબ્વાએ આ ‘ખૂટતી કડી’ શોધવાનો નિશ્ચય કર્યો.
તેઓ 1887માં મિલિટરી–સર્જન તરીકે ઈસ્ટ ઇન્ડિઝ ગયા અને સુમાત્રાના દ્વીપ પર તેમણે આદ્ય હોમોનીડના અવશેષોની શોધ માટે ગુફાઓમાં ખોદકામ શરૂ કર્યું. જાવાના દ્વીપ પર પણ તેમની આ સંશોધનપ્રવૃત્તિ ચાલુ રહી. તેમણે કેડન્ગ બ્રુબસ પાસે જમણા જડબાની ઉપરની દાઢનો અવશેષ અને ત્યારબાદ ખોપરીનો અવશેષ શોધી કાઢ્યો (1890) જેને તેમણે શરૂઆતમાં માનવસર્દશ (anthropoid) માની લીધાં. એક વર્ષ પછી તેમણે ડાબી જાંઘનાં અસ્થિનું સંપૂર્ણ અશ્મિ પ્રાપ્ત કર્યું. એક અનુભવી શરીરજ્ઞ તરીકે તેમણે તે અવશેષમાં માનવ જેવાં લક્ષણો છે તેમ તરત જ દર્શાવ્યું. આમ, આધુનિક માનવ કરતાં નાના કદનું મગજ, ભારેખમ ઊપસેલો ભ્રમરવિસ્તાર, ચપટું દબાયેલું કપાળ અને વાનર જેવાં લક્ષણો ધરાવતા આદિમાનવનો પુરાવો સૌપ્રથમ વાર તેમને પ્રાપ્ત થયો. દૂબ્વાએ આધુનિક માનવની જેમ ટટ્ટાર અંગવિન્યાસ ધરાવતા આ વિલુપ્ત પ્રકારનું Pithecanthropus erectus (વાનર-માનવ) એવું નામાભિધાન કર્યું, જે ઉદવિકાસ દરમિયાન સિમિયન પૂર્વજોમાંથી ઉદભવેલી વાનર અને આધુનિક માનવ વચ્ચેની અવસ્થા દર્શાવે છે. આ અવશેષો મધ્ય પ્લાયસ્ટોસીન(middle pleistocene)ના નિક્ષેપો(deposits)માં મળી આવ્યા હતા. જોકે આધુનિક મંતવ્ય પ્રમાણે આ અવશેષો 7.00 લાખ વર્ષ જૂના ગણાય છે.
તેમનાં આ વિસ્તૃત સંશોધનો 1894માં પ્રકાશિત થયા પછી તે 1895માં યુરોપ પાછા ફર્યા અને ઍમસ્ટરડૅમ યુનિવર્સિટીના ભૂસ્તરવિજ્ઞાનના પ્રાધ્યાપક બન્યા.
તેમણે હિકલે દર્શાવેલ ‘ખૂટતી કડી’ સાથે P. erectus બંધ બેસે છે, તેવી રજૂઆત કરી. ત્યારથી P. erectusને આદિમાનવની સૌપ્રથમ ચિરપ્રતિષ્ઠિત (classical) શોધો પૈકીની એક ગણવામાં આવે છે. રેમન્ડ ડાર્ટની જેમ દૂબ્વાને પણ તેમના આ પ્રદાન બદલ ખૂબ સખત વિરોધનો સામનો કરવો પડ્યો હતો. શરૂઆતમાં આ વિરોધ સામે તેમણે સંઘર્ષ કર્યો; પરંતુ પાછળથી ખૂબ કડવાશ સાથે તેમણે તેમની સંશોધનસામગ્રી નિષ્ણાતોથી સંતાડી રાખી. તેમનાં સંશોધનોને સ્વીકૃતિ મળવા લાગી ત્યારે તેમણે તેમનાં અગાઉનાં મંતવ્યોનું સમર્થન કર્યું. તેમને માનવઉદવિકાસની સૌથી મહત્વની કડીઓ પૈકીની એકના સંશોધકની પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ, પરંતુ તે પૂર્વે તેમનું મૃત્યુ થયું હતું.
બળદેવભાઈ પટેલ