દૂમા, ઝાં બાતીસ્ત આંદ્રે

March, 2016

દૂમા, ઝાં બાતીસ્ત આંદ્રે (જ. 14 જુલાઈ 1800, અલેસ, ફ્રાન્સ; અ. 10 એપ્રિલ 1884, કૅન્સ, ફ્રાન્સ) : ફ્રેન્ચ કાર્બનિક રસાયણવિદ. જીનીવામાં ઔષધાલયમાં નોકરી કરતાં કરતાં રસાયણ અંગેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું; તે દરમિયાન કેટલાક પ્રસિદ્ધ વૈજ્ઞાનિકોનું પ્રોત્સાહન મળવાથી તે પૅરિસ જઈ ત્યાંના ઇકૉલે પૉલિટેકનિકમાં મદદનીશ તરીકે જોડાયા અને 1835 સુધીમાં તે શ્રેયાન પદે પહોંચ્યા. શરૂઆતમાં તેમણે પરમાણુભાર વિશે કામ કર્યું. ફ્રેન્ચ રસાયણજ્ઞોના નેતા તરીકે બર્ઝેલિયસના કેટલાક પ્રચલિત ખ્યાલોનું ખંડન કરીને કાર્બનિક સંયોજનો વચ્ચેના સંબંધો નવા અભિગમથી સમજાવ્યા. તે તેમનું મુખ્ય પ્રદાન બની રહ્યું. આ અભિગમથી તેમણે કાર્બનિક સંયોજનોનું પ્રકાર વાર વર્ગીકરણ કર્યું. આ નવા અભિગમનો કૅક્યૂલે ઉપર ખૂબ પ્રભાવ પડેલો.

ઝાં બાતીસ્ત આંદ્રે દૂમા

દૂમા ટ્યૂલેરીસમાં વપરાતી મીણબત્તીઓ સળગાવતાં પેદા થતા ખાંસીકારક ધુમાડાનું નિરાકરણ લાવવા અંગે કાર્ય કરતા હતા. તેમણે શોધી કાઢ્યું કે મીણબત્તીઓને રંગવિહીન બનાવવા તેને ક્લોરિન વડે વિરંજિત કરવામાં આવતી; પરિણામે કાર્બનિક સંયોજનોની ક્લોરિન સાથેની પ્રક્રિયાઓ તેમણે શોધી કાઢી. આવી કેટલીક પ્રક્રિયાઓમાં હાઇડ્રોજનનું ક્લોરિન દ્વારા વિસ્થાપન થાય છે, પરંતુ નીપજ એે જ પ્રકારની મળે છે; દા. ત., એસેટિક ઍસિડ CH3COOHમાંથી ClCH2COOH, Cl2CHCOOH, Cl3CCOOH. આ પ્રકારનું સૂચન બર્ઝેલિયસના દ્વિત્વના સિદ્ધાન્ત(dualism)ની વિરુદ્ધ હતું પરંતુ દૂમા પોતાના વિસ્થાપનસિદ્ધાંતને વળગી રહ્યા (1834). આ જ અરસામાં લૉરેન્ટ, ગેર-હાર્ટ અને વુર્ત્ઝ (ફ્રાન્સ), લીબીગ અને હૉફમેન (જર્મની) તથા વિલિયમ્સન(ઇંગ્લૅન્ડ)નાં સંશોધનો પણ આ વિસ્થાપનસિદ્ધાંતને અનુરૂપ જણાયાં તેને પરિણામે બર્ઝેલિયસના સિદ્ધાંતનું ખંડન થયું.

1818માં તેમણે ચાર્લ્સ કોઇન્ડેટ સાથે ગલગ્રંથિ(thyroid)ના ઉપચાર તરીકે આયોડિનનો ઉપયોગ પ્રયોજ્યો.

1832માં પૅરિસ યુનિવર્સિટીના પ્રોફેસર બન્યા. તેમણે કાર્બનિક સંયોજનોમાંના નાઇટ્રોજનના પરિમાપન માટેની દહન-પદ્ધતિ વિકસાવી. 1834માં હેલોજન દ્વારા હાઇડ્રોકાર્બનના વિસ્થાપનનો સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો. આ ઉપરાંત 1834માં તેમણે યુજીન-મેલ્યિઓસ પૅલિગોટ સાથે મિથાઈલ આલ્કોહૉલ અલગ તારવ્યો તથા 1836માં આલ્કોહૉલની શ્રેણી પ્રસ્થાપિત કરી.

પોતાના લાક્ષણિક જુસ્સા તથા ઉત્સાહના કારણે તે વિજ્ઞાન તરફથી રાજકારણ તરફ આકર્ષાયા અને 1848 બાદ વિવિધ ખાતાંઓના પ્રધાનપદે રહ્યા હતા.

જ. પો. ત્રિવેદી