દૂબે, શ્યામચરણ (જ. 25 જુલાઈ 1922; અ. 1996) : ભારતના ખ્યાતનામ માનવશાસ્ત્રી. નાગપુર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે મધ્યપ્રદેશની ‘કુમાર જાતિ’ પર પોતાનો શોધનિબંધ લખ્યો અને તે માટે તેમને યુનિવર્સિટી તરફથી મૉરિસ મેમોરિયલ શિષ્યવૃત્તિ મળી હતી. વ્યાખ્યાતા તરીકે નાગપુર, લખનૌ અને ઉસ્માનિયા યુનિવર્સિટીમાં અધ્યાપન કર્યું. તે પછી લંડન અને કૉરનેલ યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. ભારત સરકારના ઍંથ્રોપૉલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા અને નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કૉમ્યુનિટી ડેવલપમેન્ટમાં સંશોધનના નિયામક તરીકે કાર્ય કર્યું. 1953માં વિયેના ખાતે વર્લ્ડ કૉંગ્રેસ ઑવ્ ઍંથ્રોપૉલૉજિકલ ઍન્ડ ઍથ્નૉ-ગ્રાફિકલ સાયન્સમાં તથા પૅરિસ ખાતે યુનેસ્કો તરફથી ‘માનવવિજ્ઞાન અને ટૅક્નૉલૉજિકલ ચેન્જ’ વિષયની જૂથચર્ચાઓમાં ભાગ લીધો. ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એડવાન્સ્ડ સ્ટડીઝ(સિમલા)ના નિયામક તથા સગર યુનિવર્સિટીના માનવશાસ્ત્રના પ્રાધ્યાપક તથા જમ્મુ યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે પણ સેવાઓ આપી હતી.

તેમણે માનવશાસ્ત્રમાં વિવિધ ક્ષેત્રોમાં આદિવાસી જાતિઓના અભ્યાસો, ગ્રામીણ અભ્યાસો, કુટુંબકલ્યાણ અને સામૂહિક વિકાસ અંગેની યોજનાઓના મૂલ્યાંકન સંદર્ભમાં તથા રાજકીય માનવશાસ્ત્ર પરત્વે ખાસ ખેડાણ કર્યું હતું. મધ્યપ્રદેશના છત્તીસગઢ પ્રદેશમાં, આંધ્રના તેલંગણમાં, પશ્ચિમ ઓરિસા અને ઉત્તર આંધ્રપ્રદેશમાં ક્ષેત્રકાર્ય કર્યું હતું. તેમનો મુખ્ય રસ સામાજિક સંરચના, ગ્રામપરિવર્તન તથા વ્યવહારલક્ષી માનવશાસ્ત્ર પરત્વે હતો. તેમનાં ‘ઇન્ડિયન વિલેજ’ (1955), ‘ઇન્ડિયાઝ ચેન્જિન્ગ વિલેજિઝ’ (1958), ‘ઇન્સ્ટિટ્યૂશન બિલ્ડિંગ ફૉર કમ્યુનિટી ડેવલપમેન્ટ’ (1968), ‘એક્સપ્લેનેશન ઍન્ડ મૅનેજમેન્ટ ઑવ્ ચેન્જ’ પુસ્તકો મહત્વનાં છે. તેમનો તેલંગણમાંના સમિરપેટ ગામનો અભ્યાસ અમેરિકન માનવશાસ્ત્રી રૉબર્ટ રેડફિલ્ડે કરેલા (1930) અભ્યાસના અનુસંધાનમાં મહત્વનો ગણાય છે. જ્ઞાતિ અને તેની નિયંત્રણવ્યવસ્થા, આધિપત્ય, નેતૃત્વ, ચૂંટણીની પ્રક્રિયા, પંચાયતી માળખાં તથા નવી યોજનાઓ દ્વારા ગ્રામપરિવર્તનનો જે પ્રયત્ન થઈ રહ્યો છે તેની વાસ્તવિક સ્થિતિનો તેમણે સુંદર ચિતાર આપ્યો છે. ભારતીય માનવશાસ્ત્રમાં નોંધપાત્ર પ્રદાન કરવા બદલ તેમને એસ. સી. રૉય સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ સેન્ટ્રલ એડવાઇઝરી કમિટી ફૉર ટ્રાઇબલ રિસર્ચ ઍન્ડ એડવાઇઝરી કમિટી ફૉર અથ્રોપૉલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયાના અધ્યક્ષ હતા.

અરવિંદ ભટ્ટ