દૂધરાજ (The Paradise Flycatcher) : ભારતની શોભારૂપ, પરી જેવું સુંદર પંખી. તેનું શાસ્ત્રીય નામ Terpsiphone paradisi  ફળ મોનાર્ચિની છે. હિંદીમાં તેને ‘શાહ બુલબુલ’, ‘દૂધરાજ’, ‘હુસેની બુલબુલ’, માદાને ‘સુલતાના બુલબુલ’ એવાં વિવિધ નામોએ ઓળખવામાં આવે છે. તે અંગ્રેજીમાં rocket bird, window bird અને robin birdના નામે ઓળખાય છે. તલવાર જેવી લાંબી પૂંછડીને કારણે ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં તેને ‘તરવરિયો’ અને ભીલ લોકોની બોલીમાં તેને ‘તેજિયો ગોવાળ’ કહે છે.

તે નાચણ પંખીના કુળનું પંખી છે. એનાં કદ, કલગી અને દેખાવ બુલબુલ જેવાં છે, પણ તે બુલબુલની જાતનું નથી. તેનો રંગ સાવ જુદો જ હોય છે. 22 સેમી. લાંબા આ પંખીના નરને માથું, કલગી અને ડોક ચળકતા વાદળી રંગની ઝાંયવાળા કાળા રંગનાં અને બાકીનો ભાગ સફેદ રંગનો હોય છે. તેની પીઠ, પાંખો અને પૂંછડીના સફેદ રંગમાં ઝાંખી કાળી રેખાઓ હોય છે. પૂંછડી ચડાઊતરી પીંછાંવાળી હોય છે. તે ઉપરાંત પૂંછડી રૂપે તેનાં વચલાં બે પીંછાં લંબાઈને 25 સેમી. જેટલાં પાછળ લટકતાં ફરફરે છે. માથાની કલગી અણીદાર અને લાંબી હોય છે. ચાંચ અને આંખફરતી કિનાર ઘેરી વાદળી તો કોઈ વાર કાળી હોય છે. આમ નર પંખી રૂપાળો લાગે છે.

માદાને લાંબી પૂંછડી નથી હોતી. તેની પીઠ, પૂંછડી અને પાંખો બધું જ સુંદર ઘેરા નારંગી રંગનું હોય છે. માથે આસમાની ને નારંગી રંગ વચ્ચે આસમાની કાંઠલો હોય છે, જે આગળ વધતાં સફેદ રંગમાં ફેરવાય છે. માદાને પણ કલગી હોય છે. આ પંખી તુર્કસ્તાન અને અફઘાનિસ્તાનથી માંડીને ભારત, મ્યાનમાર અને પૂર્વ એશિયા સુધી વસ્તી ધરાવે છે.

દૂધરાજ

એનો વસવાટ ઝાડીવાળા, ઝરણાના પ્રદેશમાં વાંસથી ઢંકાયેલાં નાળાં હોય એવા પાંખા પાનખર જંગલમાં હોય છે. ઊડતાં જીવડાંની પાછળ હવામાં ચપળતાથી દાવપેચ ખેલતો નર ચંચળતાથી વળાંકો લેતો હોય, ગુલાંટો મારતો હોય, તેની રિબન જેવી પૂંછડી હવામાં જાતજાતની આકૃતિઓ રચતી હોય ત્યારે તે ર્દશ્ય જોનારને મુગ્ધ કરી દે છે. તે ઊડવામાં એટલો કુશળ હોય છે કે ભાગ્યે જ પકડાતાં વાણિયા અથવા ‘ડ્રૅગન ફ્લાય’ નામનાં મોટાં જીવડાંને હવામાં જ પકડીને આરોગી જાય છે. તેનો મુખ્ય ખોરાક બધી જાતની માખીઓ ને ફૂદાં જેવાં ઊડતાં જીવડાં છે.

તેનો અવાજ કર્કશ હોવા છતાં નર અને માદા પ્રજનનકાળમાં ખુશનુમા મધુર સ્વરે ગાન કરે છે. તે સૌથી વધુ કાશ્મીરની ખીણમાં પ્રજનન કરતાં જોવા મળે છે. તે 2થી 5 મીટર ઊંચે ફંટાતી ડાળખીઓના મૂળમાં ઘાસનાં ઝીણાં તણખલાં અને રેસાઓ ગૂંથી વાટકી કે કપ જેવો ઘાટીલો માળો બનાવે છે. માળાને બહારની બાજુએ કરોળિયાનાં જાળાં અને ઈંડાંની ખાલી કોથળીઓ વડે પ્લાસ્ટર કરે છે. તેમાં આછા મલાઈ રંગનાં ગુલાબી અને માથે રતાશપડતાં ભૂરાં છાંટણાંવાળાં 3થી 5 ઈંડાં મૂકે છે. નર અને માદા બંને તેમને સેવે છે.

બળદેવભાઈ કનીજિયા

રા. ય. ગુપ્તે