દૂધપીતીનો રિવાજ : સાધારણ રીતે બાળ પુત્રીને ખાનગીમાં ગળું ટૂંપીને, એને ભૂખે મારીને  કે માના સ્તન પર કોઈ ઝેરી પદાર્થ ચોપડીને સ્તનપાન કરાવીને મારવામાં આવતો અત્યંત ઘૃણિત રિવાજ. આ રિવાજ મુખ્યત્વે રાજપૂતાના, વારાણસી, કાઠિયાવાડ અને કચ્છ, જબલપુર અને સાગર, પંજાબમાં જેલમ અને રાવલપિંડી જિલ્લાઓમાં તેમજ મંડી, જમ્મુ અને કાશ્મીર જેવાં કેટલાંક દેશી રાજ્યોમાં પ્રચલિત હતો. રાજપૂતોમાં પોતાનાથી ઊતરતા દરજ્જાની વ્યક્તિઓને પોતાની કન્યાઓ આપવા કરતાં તેમને દૂધપીતી કરવાનું વધુ પસંદ કરતા. આ રિવાજ કુદરતી કાયદાથી વિરુદ્ધ હતો અને ધર્મનું એને કોઈ સમર્થન નહોતું. વસ્તુતઃ હિંદુ સમાજમાં સ્ત્રીઓની દુઃખદ સ્થિતિ, ભારરૂપ દહેજ-પદ્ધતિ, લગ્નોમાં કરવા પડતા ફરજિયાત ભારે ખર્ચ, ચારણોની અકલ્પ્ય માગણીઓ, યોગ્ય પતિઓ મેળવવામાં પડતી મુશ્કેલીઓ, રાજપૂતોમાં પ્રવર્તતી માન-અભિમાનની લાગણીઓ, કન્યાદાન એ માતાપિતાની ધાર્મિક ફરજ હોઈ માબાપ પર રહેતો સતત બોજ વગેરે આ કુપ્રથાની પાછળનાં મહત્વનાં કારણો હતાં. આ પ્રથાને  નાબૂદ કરવા અંગે બ્રિટિશ નીતિ સ્પષ્ટ અને ચોક્કસ હતી, પરંતુ આ પ્રથા મોટે ભાગે દેશી રાજ્યોમાં પ્રચલિત હોઈને ત્યાંથી તેને નાબૂદ કરવા આગ્રહ રાખ્યો. 1795માં બંગાળે રેગ્યુલેશન 21 પાસ કરીને દૂધપીતી કરવાને ખૂનનો ગુનો ગણવામાં આવ્યો. અંગ્રેજોની સખ્તાઈને લઈને ધીમે ધીમે દેશી રાજ્યોમાંથી આ પ્રથા નાબૂદ થવા લાગી અને 1851 સુધીમાં લગભગ આ પ્રથાનો અંત આવ્યો.

પ્રવીણચંદ્ર પરીખ