દૂધ, લહૂ, ઝહર (1971) : ડોગરી વાર્તાકાર મદનમોહન શર્મા-(જ. 1934)નો ટૂંકી વાર્તાઓનો સંગ્રહ. તેમાંની બાર વાર્તાઓમાંથી આઠ વાર્તામાં લપાતા-છુપાતા વેશે આવતા મૃત્યુનો વિષાદ છે; બીજી બે વાર્તામાં મૃત્યુથી જન્મતા આઘાતની વાત છે અને બીજી બે હળવી શૈલીમાં લખાઈ છે. એ બધી વાર્તાની વસ્તુમાંડણી કસબપૂર્વક થયેલી છે, પરંતુ એ તમામમાં નૈતિક અધ:પતન તથા દુરાચારનું માદક વાતાવરણ આલેખાયું છે. લેખકનો ઉદ્દેશ વાચક સમક્ષ માનવીય કમનસીબી પ્રગટ કરવાનો હોય તો તે કાર્ય તેમણે પોતાનાં નિમ્ન મધ્યમવર્ગીય પાત્રો પરત્વેની સંવેદના ખોયા સિવાય સુપેરે પાર પાડ્યું છે. સાત વાર્તાઓ પ્રથમ પુરુષની કેફિયત રૂપે છે, આથી તેમાં અંગત જીવનપ્રસંગોની સમસ્યા અને નિખાલસ કબૂલાત રસ પૂરે છે. તેમની શૈલીમાં ઘેરી અને હલબલાવી મૂકે તેવી માનવીય અસહાયતા તથા સળગી ઊઠેલાં સમણાંની વાતો છે. લેખક જે કોઈ માનવીય નબળાઈ આલેખે છે તેમાં તેની મનોવૈજ્ઞાનિક સાર્થકતા દર્શાવ્યા વિના રહેતા નથી. વિષય, ગુણવત્તા, સ્વરૂપ અને શૈલી – એ તમામ ર્દષ્ટિએ આ વાર્તાઓનો પોતાનો નિરાળો વર્ગ છે.

આ સંગ્રહને સાહિત્ય અકાદમીનો 1974ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો.

મહેશ ચોકસી