દુર્લભ ચલણ (hard currency) : જે ચલણની માંગ વિદેશી હૂંડિયામણ-બજારમાં વધતી જતી હોય અને પરિણામે અન્ય દેશોનાં ચલણોમાં તેની કિંમત વધતી જતી હોય તે ચલણ. તેને દુર્લભ, મજબૂત કે સધ્ધર ચલણ પણ કહેવાય.

દુર્લભ ચલણની ઘટના એક ઐતિહાસિક ઘટના ગણાય. બીજા વિશ્વયુદ્ધ પછીનાં કેટલાંક વર્ષો દરમિયાન અમેરિકાનો ડૉલર એક દુર્લભ ચલણ બન્યો હતો. બીજા યુદ્ધમાં તારાજ થયેલા દેશો કેવળ અમેરિકામાંથી જ આયાતો કરી શકે તેમ હતા. યુદ્ધમાં યુરોપના વિકસિત દેશોને વત્તાઓછા પ્રમાણમાં વિનાશ સહન કરવો પડ્યો હોવાથી, પૂર્વે તેઓ જે નિકાસો કરતા હતા તે કરવાની ક્ષમતા તેમણે કામચલાઉ ધોરણે ગુમાવી હતી. તેથી જે અન્ય દેશો યુરોપના એ દેશોમાંથી યુદ્ધ પહેલાં આયાતો કરતા હતા તેમને પણ તેમની જરૂરિયાત સંતોષવા માટે અમેરિકા તરફ વળવું પડ્યું હતું. યુદ્ધને કારણે સર્જાયેલી આ અસાધારણ પરિસ્થિતિમાં અમેરિકાની નિકાસોમાં મોટો વધારો થયો હતો, જ્યારે તેની આયાતોમાં એવો મોટો વધારો થયો ન હતો. તેથી થોડાં વર્ષો માટે ડૉલર એક દુર્લભ ચલણ બન્યો હતો.

શાંતિલાલ બ. મહેતા