દુર્ગા : હિંદુ ધર્મ મુજબ આદ્યશક્તિ પાર્વતી દેવીનું કાલી, ચંડી, ભૈરવી વગેરે જેવું ઉગ્ર રૂપ. દુર્ગાનો જન્મ આદ્યશક્તિથી થયો છે. ‘સુપ્રભેદાગમ’ નામના ગ્રંથમાં દુર્ગાને વિષ્ણુની નાની બહેન કહી છે.

વારાણસીમાં સ્થાપિત મહિષાસુરમર્દિની દુર્ગાની માટીની મૂર્તિની પ્રતિકૃતિ

શૈવ–આગમો દુર્ગાનાં નવ રૂપો ગણાવે છે; જેમાં (1) નીલકંઠી, (2) ક્ષેમંકરી, (3) હરસિદ્ધિ, (4) રુદ્રાંશદુર્ગા, (5) વનદુર્ગા, (6) અગ્નિદુર્ગા, (7) જયદુર્ગા, (8) વિંધ્યવાસિની દુર્ગા અને (9) રિપુમારી દુર્ગાનો સમાવેશ થાય છે. આગમો જણાવે છે કે નીલકંઠી ધન અને સુખ આપે છે, ક્ષેમંકરી તંદુરસ્તી આપે છે, હરસિદ્ધિ ઇચ્છેલું ફળ આપે છે, જયદુર્ગા સિદ્ધિ આપે છે અને રિપુમારી દુર્ગા શત્રુઓનો સંહાર કરે છે. જ્યારે વારાહપુરાણમાં દુર્ગાનાં નવ રૂપોમાં (1) શૈલપુત્રી, (2) બ્રહ્મચારિણી, (3) ચંદ્રઘંટા, (4) કૂષ્માણ્ડા, (5) સ્કંદમાતા, (6) કાત્યાયની, (7) કાલરાત્રી, (8) મહાગૌરી અને (9) સિદ્ધિદાત્રીને ગણાવવામાં આવ્યાં છે. પરિણામે શાક્તો અને તાંત્રિકો દુર્ગાની એક મૂર્તિ કે બીજાક્ષર કેન્દ્રમાં સ્થાપી તેની આજુબાજુ ચાર દિશાઓમાં ચાર અને ચાર કોણોમાં ચાર મળીને કુલ નવ દુર્ગાની મૂર્તિઓ કે બીજાક્ષરો મૂકી દુર્ગાની પૂજા કરે છે. ભારતમાં ચૈત્ર અને આસોની નવરાત્રીમાં દિવસમાં ત્રણ વાર દુર્ગાની પૂજા થાય છે અને દુર્ગાસપ્તશતીનો પાઠ કરાય છે. આઠમે કે નવમે દિવસે દસમા ભાગના પાઠને હોમીને નવચંડી વગેરે કરવામાં આવે છે અને કોળા(કૂષ્માણ્ડ)નું બલિદાન આપવામાં આવે છે. વળી શાક્ત સંપ્રદાયમાં નવ વર્ષની ઉંમરની રોહિણી નામથી ઓળખાતી કુમારી કન્યાને દુર્ગા તરીકે પ્રત્યક્ષ પૂજવામાં આવે છે.

દુર્ગાએ અનેક રાક્ષસોનો સંહાર કર્યો છે. દેવી-ભાગવત મુજબ દુર્ગ કે દુર્ગમ નામના અસુરનો સંહાર કરવાથી તેનું નામ દુર્ગા પડ્યું છે. જ્યારે માર્કણ્ડેયપુરાણ મુજબ મહિષાસુર, શુંભ, નિશુંભ વગેરે રાક્ષસોનો સંહાર દુર્ગાએ કર્યો છે. ખાસ કરીને મહિષાસુરમર્દિની દુર્ગાનું સ્વરૂપ અતિપ્રસિદ્ધ છે. એ નોંધપાત્ર છે કે ભારતમાં દુર્ગાનાં પ્રસિદ્ધ મંદિરો પર્વતનાં શિખરો પર આવેલાં છે.

બંગાળમાં નવરાત્રિના દિવસોમાં દુર્ગામહોત્સવથી અનેરો ઉત્સાહ વ્યાપી રહે છે. કલાકારો મહિષાસુરમર્દિની દુર્ગાની વૈવિધ્યપૂર્ણ પ્રતિમાઓ બનાવે છે; તેમની પૂજા કરે છે અને અંતિમ દિવસે તેમનું હુગલી આદિ નદીઓમાં વિસર્જન કરે છે. ‘દુર્ગાકલ્પદ્રૂપ’માં દુર્ગાના આરાધના-ઉપાસના વિશે વિગતે માહિતી મળે છે.

પ્ર. ઉ. શાસ્ત્રી