દુર્ગ (નગર) : ભારતમાં છત્તીસગઢ રાજ્યનો જિલ્લો તથા તે જિલ્લાનું મહત્વનું ઔદ્યોગિક નગર. તે 20° 13´થી 22° ઉ. અ. અને 80° 47’થી 82° 02’ પૂ. રે. વચ્ચેનો 8702 ચોકિમી જેટલો વિસ્તાર ધરાવે છે. નાગપુરથી તે 230 કિમી. પૂર્વે સીઓનાય નદીને પૂર્વ કાંઠે વસેલું છે.

અહીંના પ્રાચીન કાળના માટીના બનેલા કિલ્લાને કારણે જિલ્લા અને શહેરનું નામ દુર્ગ પડ્યું છે. 1741માં મરાઠાઓએ છતીસગઢ પર આક્રમણ કર્યું ત્યારે તેમણે આ કિલ્લાનો ઉપયોગ કર્યો હતો. 1948માં છતીસગઢનાં નાનાં રાજ્યો આ જિલ્લામાં વિલીન થયાં. તેની પૂર્વ દિશાએ રાયપુર જિલ્લો, અગ્નિ તરફ ધામતરી જિલ્લો, પશ્ચિમે રાજનંદગાંવ જિલ્લો, દક્ષિણે કાંકેર જિલ્લો, વાયવ્યે કાબીરધામ જિલ્લો અને ઉત્તરે બિલાસપુર જિલ્લો આવેલા છે.

સમુદ્રથી દૂર હોવાથી તેની આબોહવા વિષમ છે. તેનું સરાસરી દૈનિક ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 30.2° સે. અને 21.4° સે. વચ્ચે રહે છે. ઉનાળામાં ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 48° સે. અને 22° સે. વચ્ચે રહે છે. વરસાદનું વાર્ષિક સરેરાશ પ્રમાણ આશરે 1,181 મિમી. છે.

આ જિલ્લો સપાટ છે અને ચારે બાજુ સાતપુડાની ટેકરીઓથી ઘેરાયેલો છે. ઘઉં, કોદરા, કપાસ, ડાંગર, શેરડી, અળશી, તેલીબિયાં મુખ્ય પાકો છે. જંગલમાંથી બીડી માટેનાં ટીમરુનાં પાન, ઇમારતી અને બળતણ માટેનું લાકડું, મધ, ગુંદર અને વૈદકીય ઔષધિઓ મળે છે. આ જિલ્લાનાં જંગલોમાં સાગ, સાલ, વાંસ, ટીમરુ, બાવળ વગેરે વૃક્ષો જોવા મળે છે.

જિલ્લામાં લોખંડની સમૃદ્ધ ખાણો છે. તે ઉપરાંત ચૂનાના પથ્થરો, રેતિયા પથ્થરો, હેમેટાઈટ, સ્ટીએરાઈટ અને માટી મળે છે.

ભૂતપૂર્વ સોવિયેત સંઘ (1917–90)ના સહકારથી ભિલાઈ ખાતે 10 લાખ ટન પોલાદનું ઉત્પાદન કરતું કારખાનું સ્થપાયું છે. તેનું વિસ્તૃતીકરણ થાય ત્યારે તેમાં પોલાદનું ઉત્પાદન 30 લાખ ટન થવા સંભવ છે. આ સિવાય અહીં લાકડાં વહેરવાની અને ડાંગર ભરડવાની મિલો, કાપડની એક મિલ, તેલના ઘાણા, કાંસું તથા અન્ય ધાતુનાં વાસણો બનાવવાના એકમો તથા બીડીનાં કારખાનાં છે. હાથસાળ ઉપર કાપડ વણવાનો ગૃહઉદ્યોગ વિકાસ પામ્યો છે.

તે રેલવે તથા રસ્તાઓ દ્વારા નાગપુર, રાયપુર, બિલાસપુર, જમશેદપુર વગેરે મહત્વનાં નગરો સાથે જોડાયેલું છે.

જિલ્લાની અને દુર્ગ શહેરની વસ્તી અનુક્રમે 33.4 લાખ અને 7.2 લાખ (2011) છે. મોટાભાગની વસ્તી ગામડાંમાં વસે છે. આ જિલ્લામાં દુર્ગ, ધંડીલોહારા અને ભિલાઈ શહેરો છે. આ સિવાયનો ગ્રામવિસ્તાર છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. દુર્ગ શહેરમાં રવિશંકર યુનિવર્સિટી સાથે સંલગ્ન 3 કૉલેજો છે.

શિવપ્રસાદ રાજગોર