દીવાનજી, આત્મારામ મોતીરામ

March, 2016

દીવાનજી, આત્મારામ મોતીરામ (જ. 7 ઑગસ્ટ 1873; અ. 24 ફેબ્રુઆરી 1936) : ગુજરાતી લેખક અને અનુવાદક. વતન સૂરત. દક્ષિણ ગુજરાતના વાલ્મીક કાયસ્થ. માધ્યમિક શિક્ષણ સૂરતમાં પ્રાપ્ત કરીને 1891માં એમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં મેળવ્યું અને 1896માં વિજ્ઞાન વિષય સાથે બી.એ.ની ઉપાધિ મેળવી. મુંબઈ પ્રાન્તના કેળવણી-ખાતામાં નોકરીની શરૂઆત કરી અને નાયબ શિક્ષણ-અધિકારી તરીકે સેવાઓ આપી. નિવૃત્તિ પછીનું જીવન એમણે સૂરતમાં સમાજસેવા અર્થે સમર્પિત કર્યું. ‘પશુના ઔષધનું શાસ્ત્ર’ (અનુવાદ 1905), ‘શરીર અને ઇન્દ્રિયવિજ્ઞાનશાસ્ત્ર’ (અનુવાદ 1905), ‘ભૂગોળવિદ્યાનાં મૂળતત્ત્વો’ ભાગ 1 અને 2 (1908 અને 1910), ‘ખગોળવિદ્યા’ (1914), ‘ગુજરાતનો ઇતિહાસ’ (1923), ‘રોમનો ઇતિહાસ’ (1929) વગેરે ગ્રંથો અનૂદિત કર્યા. ઉપરાંત ‘મિરાતે સિકંદરી’ નામના ફારસી ગ્રંથનો ગુજરાતીમાં અનુવાદ (1914) કરેલો. એમણે કેટલાંક પાઠ્યપુસ્તકો પણ લખ્યાં હતાં.

રસેશ જમીનદાર