દીવાન, જીવણલાલ હરિપ્રસાદ

March, 2016

દીવાન, જીવણલાલ હરિપ્રસાદ (જ. 27 માર્ચ 1877, અમદાવાદ; અ. 18 ડિસેમ્બર 1952, અમદાવાદ) : સ્વાતંત્ર્યસૈનિક. કૉંગ્રેસ આગેવાન અને કેળવણીકાર. જીવણલાલે 1899માં બી. એ.ની પરીક્ષા પસાર કરી, ગુજરાત કૉલેજમાં દક્ષિણા ફેલો તરીકે કામ કર્યું. જૂન, 1901માં સૂરતની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા. ત્યાંથી અમદાવાદ બદલી થયા બાદ 1906માં એમ.એ. થયા. 1908માં પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ સ્થાપીને આચાર્ય થયા.

જીવણલાલ હરિપ્રસાદ દીવાન

અમદાવાદમાં 1917માં ઇન્ફ્લુએન્ઝાનો રોગચાળો થવાથી ભગુભાઈના વંડામાં દરદીઓની સેવા કરી. અસહકારની ચળવળ દરમિયાન 1920માં ગાંધીજી તથા વલ્લભભાઈ પટેલની સલાહ મુજબ કેળવણીખાતા સાથેનો સંબંધ તોડી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલને રાષ્ટ્રીય શાળા બનાવી. અમદાવાદ પ્રજાકીય કેળવણી મંડળની સ્થાપના કરી તેના મંત્રી બન્યા અને પ્રાથમિક શાળાઓનું સંચાલન સરકારથી સ્વતંત્ર ચલાવવાનું રાખ્યું. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં વલ્લભભાઈ પટેલ સાથે; તેમજ ગુજરાત પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના મંત્રી તથા શહેર કૉગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે તેમણે ઘણાં વર્ષ કામ કર્યું. કૉંગ્રેસનું અધિવેશન 1921માં અમદાવાદમાં મળ્યું ત્યારે સ્વયંસેવકોના વડા તરીકે ફરજ બજાવી. 1920માં દારૂની દુકાનો પર પિકેટિંગ તથા બિહાર ભૂકંપ રાહત ફંડના મંત્રી તરીકે સેવા કરી. સવિનય કાનૂનભંગની ચળવળ દરમિયાન 1930 અને 1932માં  કારાવાસ ભોગવ્યો. 1935–36માં અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપનામાં મહત્વનો ભાગ ભજવ્યો. તેઓ સોસાયટીના સ્થાપક સભ્યોમાંના એક હતા.

મુંબઈ યુનિવર્સિટીની સેનેટમાં જિલ્લા લોકલ બોર્ડના પ્રતિનિધિ તરીકે પાંચ વરસ માટે ચૂંટાયા. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ તથા જિલ્લા સ્કૂલ બોર્ડના અધ્યક્ષ તરીકે ફરજ બજાવી. ‘હિંદ છોડો’ આંદોલન (1942) શરૂ થતાં નાસિકની જેલમાં અટકાયતમાં રાખવામાં આવ્યા. ફેબ્રુઆરી, 1943માં જેલમાંથી છૂટ્યા બાદ, પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ તથા દીવાન બલ્લુભાઈ હાઈસ્કૂલના સંચાલનમાં ધ્યાન આપતા.

ચિનુપ્રસાદ વૈ. જાની