દીવાન, ગૌતમ (જ. 22 જુલાઈ 1940) : ટેબલ-ટેનિસની સ્પર્ધાનો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનારો ભારતીય ખેલાડી. 1956માં સોળ વર્ષની ઉંમરે ટેબલ-ટેનિસની રાષ્ટ્રીય સ્પર્ધામાં વિજય મેળવનારો તે સૌથી નાની વયનો ખેલાડી બન્યો. 1959માં સતત ત્રીજી વાર રાષ્ટ્રીય વિજેતા બનતાં અગાઉ કોઈએ મેળવી નહોતી એવી સિદ્ધિ હાંસલ કરી. દેખાવડા, મધ્યમ બાંધો ધરાવતા, જય-પરાજયને પચાવી જાણનારા ગૌતમ દીવાનને એના કુટુંબના સભ્યોએ ઉત્તમ સાથ આપ્યો હતો. એની માતા એની સ્પર્ધાઓ જોવા આવતી અને પોતાના પુત્રનો એકેએક જય-પરાજય યાદ રાખતી.

ગૌતમ દીવાન

ગૌતમ દીવાન રમતો હોય ત્યારે એની બહેનો હાજર રહીને ઉત્સાહ પ્રેરતી. રાષ્ટ્રીય સિંગલ સ્પર્ધામાં ગૌતમ દીવાને 1959, 1964 અને 1965માં રાષ્ટ્રીય વિજેતા બનીને છ વખત આવી સિદ્ધિ મેળવવાનો વિક્રમ સ્થાપિત કર્યો જે એ પછી કમલેશ મહેતાએ આઠ વખત વિજેતા બનીને તોડ્યો. 1956થી 1959 સુધી અને 1963થી 1965 સુધી તે ભારતનો  ટેબલ-ટેનિસનો પ્રથમ ક્રમનો ખેલાડી હતો. 1957માં મનીલામાં, 1960માં મુંબઈમાં અને 1964માં સૉલમાં યોજાયેલી એશિયાઈ ચૅમ્પિયનશિપ સ્પર્ધામાં ભારત તરફથી ભાગ લીધો. 1959, 1960 અને 1965માં વર્લ્ડ ચૅમ્પિયનશિપ સ્પર્ધામાં પણ રમ્યો. 1965માં ગૌતમ દીવાનને ટેબલ-ટેનિસના યોગદાન માટે અર્જુન ઍવૉર્ડ એનાયત થયો હતો.

પ્રભુદયાલ શર્મા