દિવોદાસ અતિથિગ્વ : પૂર્વના વૈદિક સમયનો એક આગળપડતો રાજવી. એના પિતાનું નામ વધ્ય્ર (ઋ 6–61–1) હતું અને ભરતવંશમાંના તૃત્સુ કુટુંબના સુપ્રસિદ્ધ રાજવી સુદાસનો પિતામહ થતો હતો. સુદાસનો પિતા પિજવન દિવોદાસનો પુત્ર થતો હતો. દિવોદાસ તુર્વશો અને યદુઓનો વિરોધી હતો. એનો મોટો શત્રુ તો ‘દાસ’ વર્ગનો જાણીતો શંબર હતો. આ શંબર ગિરિવાસીઓનો નેતા હતો, જેને દિવોદાસે અનેક વાર પરાજિત કર્યો હતો (ઋ. 1–51–6, 6–26–3, 2–19–6). પોતાના પિતા વધ્ય્રની જેમ અગ્નિ સંબંધી કર્મકાંડના વિધિઓનો તે ઉત્સાહી પ્રોત્સાહક હતો. અગ્નિની અર્ચના દિવોદાસે કરી હતી એનો એક વાર ઋગ્વેદ(8–103–2)માં ઉલ્લેખ થયો પણ છે. ઇંદ્રના એક અંગરક્ષકે દિવોદાસને એના સાગરીતો આયુ અને કુત્સુ સાથે હરાવ્યો પણ હતો. (ઋ. 1–53–10, 2–14 –7, 6–18–13, 8–64–2). ભરદ્વાજોના ગાયક કુટુંબ સાથે દિવોદાસનો સારો સંબંધ હોવાનું પણ ઋગ્વેદ(1–112–13 ને 14, 1–116–18, 6–16–5, 6–31–4, 6–47–22 વગેરે, પંચવિંશ બ્રાહ્મણ 15–3–7)માં ઉલ્લિખિત થયું છે. ઋગ્વેદ (1–130–10)માં દિવોદાસની પ્રજાનો પણ નિર્દેશ થયેલો છે.

એક દિવોદાસ ભૈમસેનિ (ભીમસેનનો વંશજ) પણ ઋગ્વેદ (7–1–8)માં નોંધાયો છે. ઉપરના દિવોદાસને ‘અતિથિગ્વ’ વિશેષણ હતું (ઋ. 1–51–6, 1 –112–14, 1–130–7, 4–26–3, 6–47–22).

કે. કા. શાસ્ત્રી