દિવેલાની વૈજ્ઞાનિક ખેતી

March, 2016

દિવેલાની વૈજ્ઞાનિક ખેતી : ભારતના અખાદ્ય તેલીબિયાંના પાકોમાં દિવેલાનું સ્થાન પ્રથમ છે. દિવેલનો ઉપયોગ દવાથી માંડીને વિવિધ ઉદ્યોગોમાં થાય છે.

દિવેલા : વાવેતર અને ઉત્પાદન

પ્રદેશ વાવેતરવિસ્તાર ઉત્પાદન મુખ્યત્વે

વવાય છે.

લાખ

હેક્ટર

ટકા લાખ

ટન

ટકા
દુનિયા 22થી 25 15થી 18 ભારત, બ્રાઝિલ,

આર્જેન્ટિના,

રશિયા, આફ્રિકા,

ચીન

ભારત 8થી 9 દુનિયાના

36 %

6થી 7 દુનિયાના

38 %

આંધ્રપ્રદેશ,

ગુજરાત, કર્ણાટક

ગુજરાત 3થી 4 ભારતના

40 %

5થી 5.5 ભારતના

80 %

ઉત્તર ગુજરાત
ઉત્તર

ગુજરાત

2.5થી

3.0

ગુજરાતના

83 %

3.7થી

4.0

ગુજરાતના

75 %

મુખ્યત્વે દિવેલમાંના ચીકાશના ગુણને લીધે તે એન્જિનોના ઊંજણમાં, રંગ-રસાયણ બનાવવામાં અને વિવિધ ઔદ્યોગિક બનાવટો જેવી કે, પ્લાસ્ટિક, સાબુ, છાપકામની શાહી, મીણ, રબર, કૉસ્મેટિક અને દવાઓ વગેરેમાં વપરાય છે. છોડના માવાનો ઉપયોગ હાર્ડબોર્ડ અને ન્યૂઝપ્રિન્ટની બનાવટમાં કરવામાં આવે છે. તેનો ખોળ જમીનની ફળદ્રૂપતા સુધારવા સેન્દ્રિય ખાતર તરીકે ખૂબ જ ઉપયોગી છે. ભારતમાં ઉત્પન્ન થતા દિવેલાથી સ્થાનિક જરૂરિયાત સંતોષવા ઉપરાંત તેની નિકાસથી વર્ષે લગભગ 70થી 100 કરોડ રૂપિયાનું હૂંડિયામણ મળે છે. દિવેલાનું મૂળ વતન આફ્રિકા અને ભારત માનવામાં આવે છે. તેના વાવેતરવિસ્તાર અને ઉત્પાદન અંગેની કેટલીક માહિતી નીચે મુજબ છે :

ખેતીપદ્ધતિ

 

ખાતરો કિગ્રા./હે.

નાઇટ્રોજન ફૉસ્ફરસ

નોંધ

 

બિનપિયત

અડધો

બનાસકાંઠા

ઉત્તર ગુજરાત

 

ભાલપ્રદેશ

પિયત

 

 

 

 

 

30          30

30          30

 

25           –

75          50

 

 

 

બધો ફૉસ્ફરસ અને

નાઇટ્રોજન વાવણી વખતે

બાકીનો નાઇટ્રોજન વાવેતર

પછી 40થી 50 દિવસે

ભેજની ઉપલબ્ધિ પ્રમાણે.

 

બધો ફૉસ્ફરસ અને અડધો

નાઇટ્રોજન વાવણી વખતે.

બાકીનો નાઇટ્રોજન એકથી

દોઢ માસના ગાળે સરખા બે હપતામાં.

દિવેલામાં વધુ ઉત્પાદન આપતી સંકર જાતો વિકસાવવામાં ગુજરાત દેશમાં તેમજ દુનિયામાં મોખરે છે. આ સંકર જાતો અને તેને અનુરૂપ ખેતીપદ્ધતિની ભલામણો અપનાવવાના કારણે રાજ્યની ઉત્પાદકતા  1960–65માં ફક્ત 305 કિગ્રા./હે. હતી તે વધીને અત્યારે 1,630 કિગ્રા./હે. જેટલી થયેલ છે, જે દેશમાં સૌથી વધુ અને રાષ્ટ્રીય સરેરાશ કરતાં લગભગ અઢીગણી છે. આ પાક પિયત કે બિન-પિયત બંને રીતે લેવાય છે. પરંતુ પિયતથી તેનું ઉત્પાદન બમણું કે તેથી પણ વધારે મેળવી શકાય છે.

જમીન અને આબોહવા : દિવેલાને સારા નિતારવાળી, મધ્યમ કાળી, ગોરાડુ અને રેતાળ જમીન ખૂબ જ માફક આવે છે. મધ્યમ અમ્લીય જમીનમાં પણ આ પાક લઈ શકાય છે. તેને જીવનકાળ દરમિયાન ઓછા ભેજ સાથે મધ્યમ (20° થી 26° સે.) ઉષ્ણતામાનવાળું હવામાન ઘણું માફક આવે છે. પાક વધુપડતી ઠંડી અને હિમ તે સહન કરી શકતો નથી.

પ્રાથમિક ખેડ અને ખાતર : પ્રાથમિક ખેડ પહેલાં હેક્ટરદીઠ 20થી 25 ગાડી સારું કોહવાયેલું છાણિયું ખાતર જમીનમાં નાંખી જમીનને એક હળની અને બેથી ત્રણ કરબની ખેડ કરી સમાર મારી જમીન તૈયાર કરાય છે. રાસાયણિક ખાતર જમીનના પૃથક્કરણનાં પરિણામોને આધારે આપવું વધુ હિતાવહ ગણાય છે.

સામાન્યત: રાસાયણિક ખાતરોની ભલામણ નીચે મુજબ હોય છે :

જ્યાં ગંધકની ઊણપ હોય ત્યાં હેક્ટરે 20 કિગ્રા. ગંધક, જિપ્સમના રૂપમાં અપાય છે. લીલો પડવાસ કરવાથી 60 % જેટલા ખાતરનો બચાવ કરી શકાય છે. ઉત્તર ગુજરાતમાં વધુ ઉત્પન્ન આપતી જીસીએચ–2 અને જીસીએચ –4 જાતો માટે લીલા પડવાસ પછી પણ હેક્ટરે 90 કિગ્રા. સુધી નાઇટ્રોજન આપી શકાય.

બીજને વાવતાં પહેલાં બીજજન્ય રોગોની ફૂગનો નાશ કરતી ફૂગનાશક દવા થાયરમનો કિલોગ્રામદીઠ 3 ગ્રામ પ્રમાણે બીજને પટ આપવાની ભલામણ કરવામાં આવે છે. બીજ ઊંચી ગુણવત્તાવાળું શક્યત: પ્રમાણિત હોવું જોઈએ.

બીજની પસંદગી અને બીજની માવજત : દિવેલાની હાલમાં ભલામણ કરવામાં આવેલી સંકર તથા સુધારેલી સ્થાયી જાતોની માહિતી નીચે પ્રમાણે છે :

જાત બહાર

પડ્યા

નું વર્ષ

પિતૃઓ ઉત્પાદન

કિગ્રા./હે.

ઓળખવા

માટેના

ગુણ

નોંધ
સંકર જાતો

જીએયુસી-

એચ–1

 

 

જીસીએચ–2

 

 

 

 

 

 

 

 

 

જીસીએચ–4

 

1973

 

 

 

1985

 

 

 

 

 

 

 

 

 

1986

 

વી.પી.–1 x

વી.આઈ.–9

 

 

વી.પી.–1 x

જેઆઈ–35

 

 

 

 

 

 

 

 

વીપી.–1 x

48–1

 

1518

 

 

 

1747

 

 

 

 

 

 

 

 

 

1985

 

લીલું થડ,

ત્રિછારીય

કાંટાવાળા

ગાંગડા.

લાલ ઝાંય-

વાળું લીલું

થડ, ત્રિ-

છારીય,

કાંટાવાળા

ગાંગડા.

 

 

 

 

લાલ થડ,

ત્રિછારીય

મધ્યમ

કાંટાવાળા

ગાંગડા.

 

 

 

 

 

મેક્રોફોમીના ફુગથી

મૂળના કોહવારા

થતા

સામે પ્રતિકારક

શક્તિ ધરાવે

છે. પિયત

બિનપિયત વધુ

કાળજીવાળી

ખેતી માટે.

પિયત/બિન-

પિયત વધુ

કાળજીવાળી

ખેતી માટે.

ફ્યુઝેરિયમ

ફૂગથી થતા

સુકારાવાળાં

સ્થળો માટે

અનુકૂળ.

સ્થાયી જાતો

જીએયુસી–1

 

 

 

જીએયુસી–2

 

1973

 

 

 

1993

 

વીઆઈ–9

 

 

 

 

1242

 

 

 

 

લીલું થડ,

દ્વિછારીય,

કાંટાવાળા

ગાંગડા.

લાલ થડ,

કાંટાવાળા

ગાંગડા.

 

ઓછા અનિય-

મિત વરસાદ

અને નબળી

જમીન માટે.

ઓછા અનિય-

મિત વરસાદ

અને નબળી

જમીન માટે

સુકારા સામે

પ્રતિકારક.

વાવણીનો સમય, બીજનો દર તથા વાવેતર અંતર : બિનપિયત પાકમાં ચોમાસાનો વાવણીલાયક વરસાદ થયેથી તુરત વાવણી કરવાની ભલામણ કરાય છે. સામાન્ય રીતે જૂન-જુલાઈના પ્રથમ પખવાડિયામાં વાવણી કરી દેવામાં આવે તો વધુ ઉત્પાદન મળે છે. વાવણી મોડી કરવાથી ઉત્પાદન ઘટે છે. પિયત હેઠળ ઑગસ્ટના પ્રથમ અઠવાડિયામાં વાવણી કરવી શ્રેષ્ઠ ગણાય છે.

સામાન્ય રીતે દિવેલાની વાવણી હાથથી થાણીને કરવામાં આવે છે. આ પદ્ધતિમાં એક હેક્ટરે 5 કિલોગ્રામ બીજ પૂરતું છે. દિવેલાની વાવણી માટે બે ચાસ વચ્ચે 60 સેમી. (3 ફૂટ) અંતર રાખી હળથી ચાસ ઉઘાડવામાં આવે છે. પિયત પાક માટે ચાસમાં બે છોડ વચ્ચે 60 સેમી. અંતર રાખી બી થાણવું પડે છે જ્યારે બિન-પિયત પાક માટે બે છોડ વચ્ચે 45 સેમી. અંતર રાખી બી થાણવું પડે છે. જમીન ખૂબ જ સારી હોય અને દિવેલાનો વિકાસ વધારે થતો હોય અથવા દિવેલામાં આંતરપાક લેવો હોય તો બે ચાસ વચ્ચેનું અંતર 120 સેમી. રાખવું વધારે યોગ્ય ગણાય છે.

આંતરખેડ અને નીંદામણ : દિવેલાનો પાક શરૂઆતના 45 થી 60 દિવસ દરમિયાન નીંદણથી મુક્ત રાખવામાં આવે તો મહત્તમ ઉત્પાદન મળે છે. તેથી આ સમય દરમિયાન બેથી ત્રણ આંતરખેડ અને એકથી બે નીંદામણ કરી પાકને નીંદણથી મુક્ત રખાય છે. દિવેલામાં વાવણી પછી 60 દિવસે મુખ્ય માળો આવી જાય છે અને ડાળીઓમાં પણ માળો આવે છે. એટલે ત્યારપછી આંતરખેડ કરાતી નથી. નીંદણનાશક દવાઓ જેવી કે ફલ્યુક્લોરાવિન અને ટ્રાયફલ્યુરેશન 1.0 કિલો સક્રિય તત્વ/હેક્ટરે ઉગાડવા પહેલાં છાંટવાની હોય છે.

પિયત : સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ નિયમિત અને સારો હોય તો પ્રથમ પાણી, વાવેતર પછી 70થી 75 દિવસે આપવું પડે છે. પરંતુ એ સમય પહેલાં પણ જો વરસાદ ખેંચાય તો પાણી આપી દેવાય છે. કારણ કે, જમીનમાં વધુપડતી ગરમીને લીધે મૂળના કોહવારાનો રોગ આવવાની શક્યતા રહે છે. પાકને જીવનકાળ દરમિયાન જમીનની પ્રત અને ભેજસંગ્રહશક્તિ મુજબ 7 થી 8 પાણી આપવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. સામાન્ય રીતે વરસાદ બંધ થયા પછી 20 દિવસે પ્રથમ પાણી અને ત્યારબાદ બાકીનાં પિયત 15 થી 20 દિવસના ગાળે અપાય છે. જો પાણી મર્યાદિત રીતે જ મળી શકે તેમ હોય તો વાવણી બાદ અંદાજે 75 દિવસે એક પાણી આપવું અને ત્યારબાદ શક્ય હોય તો 30 થી 35 દિવસે બીજું પાણી આપવું ખૂબ જ ફાયદાકારક છે.

આંતરપાક : દિવેલાના પાકની બે હાર વચ્ચે એક હાર તલ અને મગફળી જેવાં તેલીબિયાંના પાકો અથવા મગ, ચોળા અને અડદ જેવા કઠોળ પાકો લેવાથી એકલા દિવેલા કરતાં ચોખ્ખી આવક વધુ મળે છે. સૌરાષ્ટ્ર વિભાગ મગફળી સાથે દિવેલા 3 : 1ના પ્રમાણમાં મિશ્રપાક તરીકે લે છે, જેનાથી હેક્ટરે ચોખ્ખી આવક વધારે મળે છે. બિનપિયતમાં પણ દિવેલા 120 × 45 સેમી. વાવી ચોળી ગુજરાત-230 સેમી.ના અંતરે વાવે છે.

નિયંત્રણપદ્ધતિ : પાક ફેરબદલીથી દિવેલામાં આવતા સુકારા જેવા રોગોનું સારું નિયંત્રણ થતું હોઈ બાજરી, જુવાર, અન્ય તેલીબિયાં, કઠોળ વગેરે જે તે વિસ્તારના પાકો સાથે પાક ફેરબદલી કરવી ખૂબ જ હિતાવહ છે. દિવેલાના પાક પછી ઉનાળામાં ઉનાળુ બાજરી, મગફળી કે મગ જેવા પાકો લેવાનું વધુ ફાયદાકારક જણાયેલ છે. આ ઉપરાંત ક્યારીની જમીનમાં ડાંગરની કાપણી પછી સચવાયેલ ભેજમાં પણ દિવેલાનો પાક લઈ શકાય છે.

દિવેલાના રોગો : પાનને થતાં ટપકાં, ઝાળ (blight), સુકારો, ગેરુ અને ભૂકી છારો જેવા દિવેલાના રોગો.

(1) પાનનાં ટપકાંનો રોગ : આ રોગ Cercospora ricinella નામની ફૂગથી થાય છે.

લક્ષણો : પાનની ધાર ઉપર ફૂગનું આક્રમણ થતાં પાણીપોચા જખમો થાય છે. ટપકાં વિકસિત થતાં મધ્યમાં સફેદ ભૂખરા ભાગની ફરતે અનિયમિત ભૂખરી કિનારીવાળાં ટપકાં કરે છે. આ ટપકાં 2થી 5 સેમી. મોટાં થાય છે, જે વિકાસ પામીને એકબીજા સાથે ભળી જાય છે અને પાનમાં ટપકાંવાળો સુકાયેલો ભાગ તૈયાર થાય છે. આ સુકાયેલો ભાગ તેની નસો પૂરતો સીમિત રહે છે. આ રોગિષ્ઠ ટપકાંવાળા ભાગની પેશીઓ સુકાઈ ખરી પડે છે. તેથી પાનમાં છિદ્ર પડે છે. આ રોગ નીચેના પરિપક્વ પાનમાં વિશેષ જોવા મળે છે, જ્યારે ઉપરનાં કુમળાં નવાં પાન તંદુરસ્ત લીલાં રહે છે.

ટપકાંમાં પરિપક્વ થયેલા બીજાણુઓ સપાટી ઉપરથી પવન મારફતે ફેલાય છે.

નિયંત્રણ : રોગ જણાય કે તરત જ 0.2 % વાળી તાંબાયુક્ત દવાનો છંટકાવ કરાય છે. આ જ દવાનો બીજો છંટકાવ 15 દિવસ બાદ થાય છે.

(2) દિવેલાનાં પાનનો ઝાળ : આ રોગ Alternaria ricini નામની ફૂગથી થાય છે. ફૂગનું આક્રમણ થતાં બીજાંકુર અને પાન ઉપર રોગવાળાં ભૂખરાં ટપકાં કરે છે. ટપકાં ઉપર ભૂખરી ફૂગની કે લીલી ભૂખરીની ગોળાકારમાં વૃદ્ધિ જોવા મળે છે. આ ટપકાં વિકાસ પામી એકબીજામાં ભળી જતાં પાનનો મોટા ભાગનો વિસ્તાર સુકાઈ જાય છે, અને આવાં રોગિષ્ઠ પાન સુકાઈને ખરી પડે છે. આ ફૂગ ફૂલમાળ અને શીંગ ઉપર પણ આક્રમણ કરે છે. આક્રમિત શીંગમાં ફૂગવાળા ચીમળાયેલા દાણા તૈયાર થાય છે. ફૂગનો વિકાસ થતાં તે બીજાણુ ઉત્પન્ન કરે છે. આ બીજાણુઓ હવા મારફતે ફેલાઈને તે જ કે અન્ય ઝાડને પણ ચેપ લગાડે છે.

નિયંત્રણ : (1) રોગમુક્ત બીજને પારાયુક્ત ફૂગનાશકની માવજત આપી વાવણી કરવામાં આવે છે. (2) 0.2 %વાળી તાંબાયુક્ત દવાનો છંટકાવ થાય છે.

(3) ફૂગથી થતો સુકારો Fusarium : ફ્યુઝેરિયમ પ્રજાતિની ફૂગથી થાય છે. આ ફૂગ જમીનજન્ય છે અને છોડના મૂળમાં પ્રવેશ કરી તેના વાહીપુલોમાં વૃદ્ધિ કરે છે, જેથી છોડમાં ખોરાક અને પાણીના વહનમાં અવરોધ થતાં છોડ શરૂઆતમાં પાણીની અછતને લીધે સુકાતો હોય એવું લાગે છે. વાહીપુલોનો રંગ ઘેરો ભૂખરો થઈ જાય છે. આ ફૂગની કવકજાળમાંથી ઝેરી રસાયણો છોડમાં પ્રસરતાં છોડ એકદમ સુકાઈ જાય છે.

નિયંત્રણ : ફૂગ જમીનજન્ય હોવાથી રાસાયણિક ફૂગનાશકથી રોગ કાબૂમાં લેવો ખૂબ જ ખર્ચાળ બને છે; પરંતુ પાકની ફેર-બદલી કરવાથી રોગને કાબૂમાં લઈ શકાય છે.

(4) ગેરુ : આ રોગ Melamspora ricini નામની ફૂગથી થાય છે. આ રોગને લીધે પાનની નીચેની સપાટી ઉપર ફોલ્લી ઊપસે છે, જે પીળા અથવા નારંગી રંગની હોય છે. આ ફોલ્લીનું ઉપરનું પડ ફાટી નીકળતાં તેમાંથી યૂરીડો બીજાણુ બહાર આવી, પવન મારફતે બીજાં પાન ઉપર ફેલાય છે.

સલ્ફરની ભૂકી છાંટવાથી રોગ કાબૂમાં રહે છે. રોગપ્રતિકારક જાતોની  વાવણી કરવી તે સૌથી અસરકારક ઉપાય છે.

(5) ભૂકી છારો : આ રોગ Levillula taurica નામની ફૂગથી થાય છે. આ ફૂગ પાનની બંને બાજુ ઉપર આક્રમણ કરી વૃદ્ધિ પામીને પાનની બંને સપાટી ઉપર ઝાંખા સફેદ ફૂગબીજાણુઓના રજકણ પેદા કરે છે, જે પાન ઉપર ભૂકી સ્વરૂપે જોવા મળે છે.

આ રોગના નિયંત્રણ માટે શોષક પ્રકારની 0.05 % કાલાક્ઝિન ફૂગનાશકનો છંટકાવ કરવામાં આવે છે.

(6) છોડનો ઝાળ રોગ : આ રોગ Phytophthora પ્રજાતિની ફૂગથી થાય છે. ચોમાસાની ઋતુમાં નાના છોડની જમીન પાસેના થડ અને ડાળીના ભાગમાં આ ફૂગ આક્રમણ કરે છે. ત્યાં સડો થવાથી છોડ મરી જાય છે. આ ફૂગ મોટા પરિપક્વ છોડ ઉપર આક્રમણ કરતી નથી.

આ ઉપરાંત પણ દિવેલાને નીચે જણાવેલ રોગો થાય છે :

(1) ઊગતા છોડના મૃત્યુનો રોગ : આ રોગ પિથિયમ પ્રજાતિની ફૂગથી થાય છે. (2) ડાળીનો સુકારો : આ રોગ Macrofomina phaseolii નામની ફૂગથી થાય છે. (3) મૂળનો કોહવારો : તે Botryodiplodia Manillensis નામની ફૂગથી થાય છે.

રોગો અને તેનું નિયંત્રણ : ગુજરાતમાં દિવેલાના પાકમાં ફ્યુઝેરિયમ પ્રકારની ફૂગથી થતો છોડનો સુકારો અને મેક્રોફોમીના પ્રકારની ફૂગથી થતો મૂળનો કોહવારો જેવા રોગોનું પ્રમાણ વધારે જોવા મળે છે. સામાન્ય રીતે બિનપિયત પાકમાં અને પિયત પાકમાં પણ ચોમાસાનો વરસાદ ખેંચાય ત્યારે પિયત ન આપી શકાય તો મેક્રોફોમીનાથી થતો મૂળનો કોહવારો વધારે જોવા મળે છે, જેના નિયંત્રણ માટે નીચે મુજબનાં પગલાં લેવાય
છે :

(1) બીજને (બાવીસ્ટીન 1 ગ્રામ અથવા થાયરમ 3 ગ્રામ પ્રતિ-કિલોગ્રામ બીજદીઠ) ફૂગનાશક દવાનો પટ અપાય છે. (2) ઓછામાં ઓછાં ત્રણ વર્ષ સુધી પાકની ફેરબદલી કરાય છે. (3) રોગ સામે સહનશક્તિ ધરાવતી જી.સી.એચ–2 સંકર જાતનું વાવેતર કરાય છે. (4) ઑક્ટોબરમાં વધુ ગરમી પડતી હોય ત્યારે વરસાદ ન હોય તો શક્ય હોય તો પિયત આપી દે છે. (5) રોગવાળા છોડ મૂળ સાથે ઉપાડી લઈ તેનો નાશ કરાય છે.

ફ્યુઝેરિયમ ફૂગથી થતા સુકારાના નિયંત્રણ માટે આ પ્રમાણેનાં પગલાં લેવાય છે : (1) ઉપર જણાવ્યા મુજબ બીજને દવાનો પટ અને પાકની ફેરબદલી કરે છે. (2) રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી જી.સી.એચ.–4 સંકર જાતનું વાવેતર કરે છે. (3) રોગવાળા છોડ મૂળ સાથે ઉપાડી લઈ તેનો નાશ કરાય છે. (4) પાણી ભરાઈ રહેતું હોય તેવાં ખેતરોમાં દિવેલાનું વાવેતર કરાતું નથી.

દિવેલાના રોગોમાં રોગ આવ્યા પછી નિયંત્રણનાં પગલાં અસરકારક જણાતાં નથી. તેથી રોગો ન આવે અથવા ઓછા આવે તે માટે ઉપર મુજબનાં પગલાં લેવાં જ વધુ હિતાવહ છે.

જીવાત અને તેનું નિયંત્રણ : દિવેલાની જુદી જુદી જીવાતોથી આશરે 20 % જેટલું નુકસાન થાય છે. આ પાકને નુકસાન કરતી જીવાતોમાં ઘોડિયા ઇયળ, ડોડવાં કોરી ખાનારી ઇયળ, તડતડિયાં, થ્રિપ્સ અને સફેદ માખી મુખ્ય છે. ઘોડિયા ઇયળનો ઉપદ્રવ ઑગસ્ટ-સપ્ટેમ્બર માસમાં વધુ જોવા મળે છે. ઇયળ પાન ખાઈ જાય છે. આ જીવાતને કાબૂમાં લેવા માટે (1) ઉનાળામાં પાક લીધા પછી ઊંડી ખેડ કરે છે જેથી કોશેટાનો નાશ થાય. (2) ઉપદ્રવ ઓછો હોય તો ઇયળ હાથ વડે વીણી લે છે. (3) છોડદીઠ ચાર કે તેથી વધારે ઇયળો જોવા મળે ત્યારે એન્ડોસલ્ફાન (0.03 %) 20 મિલી, ક્વીનાલફોસ (0.05 %) 20 મિલી. અથવા મોનોક્રોટોફીસ 0.05 % 15 મિલી. જેવી જંતુનાશક દવા 10 લિટર પાણીમાં નાંખી 15 દિવસના અંતરે બે છંટકાવ કરાય છે. ડોડવાં કોરી ખાનાર ઇયળ છોડને કુમળી અવસ્થામાં થડમાં કાણાં પાડે છે. ડોડવાં બેઠા પછી ડોડવાંને કાણાં પાડી ગર્ભ ખાઈ જાય છે. આ જીવાતના નિયંત્રણ માટે ઘોડિયા ઇયળના નિયંત્રણ માટે જણાવેલ જંતુનાશક દવાઓ અનુકૂળ છે. જો ઉપદ્રવ ઓછો હોય તો નુકસાન પામેલ ડોડવાં વીણી તેનો નાશ કરાય છે. અન્ય જંતુનાશક દવામાં મિથાઈલ પેરાથિયોન 2 % ભૂકો હેક્ટરે 25 કિલોગ્રામ પ્રમાણે છાંટવાથી જીવાત પર કાબૂ મેળવી શકાય છે.

તડતડિયાં, થ્રિપ્સ અને સફેદ માખીનો ઉપદ્રવ પાકના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન દેખાય છે. જીવાત પાનના નીચેના ભાગેથી રસ ચૂસે છે, જેથી પાન સુકાઈ જતાં ખરી પડે છે. આ જીવાતના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવાઓ જેવી કે, મોનોક્રોટોફોસ 15 મિલી. અથવા ડાયમિથોએટ 15 મિલી. 10 લિટર પાણીમાં ઓગાળી 15 દિવસના અંતરે જરૂરિયાત મુજબ છંટકાવ કરવામાં આવે છે. આ ઉપરાંત સફેદ માખીના નિયંત્રણ માટે મિથાઈલ પેરાથિયોન 0.05 % અથવા તો ઈથિયોન 0.05 % અથવા તો લીંબોળીનું તેલ 5 મિલી./લિટર પાણીમાં નાંખીને છાંટવાથી પણ સારી રીતે નિયંત્રણ કરી શકાય છે.

પાકસંરક્ષણ માટે છાંટવાની ઉપર્યુક્ત દવાઓનું દ્રાવણ પાકની વધ પ્રમાણે હેક્ટરે 300થી 500 લિટર વપરાય છે.

આ અગત્યના રોકડિયા પાકમાં વિશ્વમાં 61 જેટલી નુકસાન કરતી જીવાતો નોંધાયેલ છે. ભારતમાં 14 અને ગુજરાતમાં 7 જીવાતથી  આ પાકને નુકસાન થતું નોંધાયેલ છે. દિવેલા પાકની વિકાસની જુદી જુદી અવસ્થાએ વિવિધ જીવાતનો ઉપદ્રવ રહે છે. કેટલીક જીવાતો પાકના અમુક તબક્કે જ ઉપદ્રવ કરે છે; દા.ત., ઘોડિયા ઇયળ ઑગસ્ટ માસમાં અને જીંડવાં કોરી ખાનાર ઇયળ માળ આવે ત્યારે ઉપદ્રવ કરે છે, જ્યારે ચૂસિયાં પ્રકારની જીવાતો જેવી કે તડતડિયાં, સફેદ માખી અને થ્રિપ્સ પાકના સમગ્ર જીવનકાળ દરમિયાન ઉપદ્રવ કરે છે.

કાપણી : વાવણી બાદ લગભગ 90 થી 100 દિવસે મુખ્ય માળ પાકી જઈ કાપણીલાયક બને છે. માળમાં અંદાજે અર્ધાં ડોડવાં પાકી જાય અને બાકીનાં પીળાં પડે તે માળ કાપવાની નિશાની છે. કાપણી લગભગ ત્રણેક માસ સુધી ચાલુ રહે છે. કારણ કે, બધી માળો એકી સાથે પાકતી નથી. બધી માળો ઊતરી જાય ત્યારે સૂકવીને ખળામાં બળદથી પગર કરી અથવા દિવેલાં કાઢવાના થ્રૅશરથી દાણા છૂટા પાડી સાફ કરી વેચાણ માટે તૈયાર કરવામાં આવે છે.

ઉત્પાદન : પિયત હેઠળ : 3000 કિલોગ્રામ/હેક્ટરે. બિનપિયત હેઠળ : 1200થી 1500 કિલોગ્રામ/હેક્ટરે.

એ. આર. પાઠક

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ

પરબતભાઈ ખી. બોરડ